Home /News /gandhinagar /

Power Corridor: ગુજરાતના રાજ્યપાલે અધિકારીઓને આપ્યા વીજ બચતના લેસન

Power Corridor: ગુજરાતના રાજ્યપાલે અધિકારીઓને આપ્યા વીજ બચતના લેસન

ગુજરાત ગવર્નર

Power Corridor: આવા સંજોગોમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvart) સરકારના વહીવટી તંત્રને સાચી સલાહ આપી છે. તેમણે વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા તમામ અધિકારીઓને સૂચન કર્યું છે. 

ગાંધીનગરઃ સચિવાલયની (sachivalay) તમામ ઓફિસમાં (office) ઉચ્ચ અધિકારી આવે તે પહેલાં ચેમ્બરને ઠંડી રાખવા માટે વર્ગ-4ના કર્મચારીઓને એવો આદેશ છે કે તેમણે ચેમ્બરમાં અડધો કલાક પહેલાં એસી ચલાવવું જેના કારણે વીજળીનો વ્યય થાય છે. એવી જ રીતે ઉચ્ચ અધિકારી (High official) ઓફિસમાં ન હોય તો પણ એસી ચાલુ રાખવામાં આવતું હોય છે. આવા સંજોગોમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરકારના વહીવટી તંત્રને સાચી સલાહ આપી છે. તેમણે વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા તમામ અધિકારીઓને સૂચન કર્યું છે.

રાજભવનમાં ઉર્જા બચત અંગે સંલગ્ન વિભાગોના અધિકારીઓની બેઠકમાં તેમણે કહ્યું હતું કે વીજળીની બચત કરવા પૂનમની રાત્રીએ ચંદ્રના પ્રકાશનો ઉપયોગ કરવો જોઇએ. રાજ્યના શહેરો, માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં અંધારૂં થાય ત્યારે લાઇટ શરૂ થાય અને વહેલી સવારે બંધ થાય તેવી સેન્સર ઓપરેટેડ સ્ટ્રીટલાઇટ લગાવવી જોઇએ. રાજ્યપાલના માર્ગદર્શક સૂચનોને ધ્યાને લઇ રાજ્યમાં બિનજરૂરી વપરાશ અટકાવવા અને ઊર્જા બચત પ્રત્યે લોકજાગૃતિ કેળવવા ઊર્જા વિભાગના અગ્ર સચિવના વડપણ હેઠળ એક કમીટીની રચના કરવામાં આવી છે.

આ કમિટી રાજ્યભરમાં ઊર્જા બચાવવાનું મંથન કરી સંબંધિત વિભાગોને નિર્દેશ અને માર્ગદર્શન આપશે. તેમણે સરકારી કચેરીઓ માટે એવું સૂચન કર્યું છે કે કચેરી શરૂ થાય ત્યારે અને બંધ થાય ત્યારે તમામ લાઇટ, પંખા અને એસીને બંધ કરી દેવા જોઇએ.જરૂર હોય ત્યારે જ લાઇટનો ઉપયોગ કરવો જોઇએ.

પોલીસ અધિકારી કપાસિયા ખાવાની ના પાડે છે

ગુજરાતના એક પોલીસ અધિકારી કપાસિયા તેલ ખાવાની ના પાડે છે. તેમના આવા ઇન્કાર પછી વિવાદ ઉભો થતાં તેમણે જાહેર કરેલો સંદેશો રદ કરી દીધો હતો. અમરેલીના પોલીસ અધિકારીએ અન્ય સાથીદારોને એક મેસેજ કર્યો હતો અને લખ્યું હતું કે કપાસિયા તેલ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેથી તેનો ઉપયોગ બંધ કરવો જોઇએ. અમરેલી પોલીસ કન્ટ્રોલરૂમ દ્વારા આવો મેસેજ તમામ થાણાં સહિતની અન્ય શાખા કચેરીઓને મોકલવામાં આવ્યો હતો.

આ મેસેજના કારણે વિવાદ ઉભો થતાં અમરેલી જિલ્લા પોલીસ વડાએ તપાસ કરીને આ સંદેશો બંધ કરવાનો આદેશ કરી એવું કહ્યું કે શરતચૂક અને સમજણ ફેરથી આ સંદેશો મોકલવામાં આવ્યો છે જેને રદ ગણવામાં આવે. આ મેસેજની રાજ્યભરમાં મજાક ઉડી હતી. કર્મચારીઓ એવી ચર્ચા કરી રહ્યાં હતા કે પોલીસ કર્મચારી માટે કપાસિયા તેલ ખાવું હાનિકારક હોય તો બીજા કર્મચારીઓ માટે લાભપ્રદ કેવી રીતે હોઇ શકે. છેવટે આ વિચિત્ર ફરમાન રદ થતાં પોલીસ કર્મચારીઓનો ઉભો થયેલો ભય દૂર થયો હતો.

સચિવાલયમાં ફરી એકવાર પોલીસની બદલીની હવા

સચિવાલયમાં ફરી એકવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીની હવા શરૂ થઇ છે. રાજ્ય સરકારે એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટરનો ચાર્જ આઇબીના વડા અનુપમસિંહ ગેહલોતને આપ્યા પછી એવી અટકળો તેજ બની છે કે સરકાર આ મહિનાના અંત સુધીમાં સિનિયર પોલીસ અધિકારીઓની બદલી ક્લિયર કરશે, કેમ કે એન્ટી કરપ્શન બ્યુરોમાં કાયમી નિયુક્તિ કરવામાં આવી નથી. ગૃહ વિભાગમાં એવી પણ ચર્ચા છે કે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાની નિવૃત્તિ પછી તેમના સ્થાને અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આવી શકે છે. એ ઉપરાંત બીજું એક નામ એનડીઆરએફના ડીજી અતુલ કરવલનું ચર્ચાઇ રહ્યું છે.

હવે જે ફેરબદલ થવાનો છે તેમાં શહેરોના પોલીસ કમિશનર, રેન્જ આઇજી, બ્રાન્ચના વડાઓ તેમજ અન્ય સિનિયર અધિકારીઓના નામ છે. તાજેતરમાં સરકારે 57 પોલીસ અધિકારીની બદલી કરી હતી અને 20 અધિકારીઓને પ્રમોશન આપ્યાં હતા. નોકરીના ત્રણ વર્ષના ગાળાને ધ્યાને લઇ આ ફેરફારો કર્યા હતા. લાંબા સમયથી અટકેલી બદલીઓ પછી હવે સિનિયર આઇપીએસનો વારો આવી રહ્યો છે.

વાયબ્રન્ટ સમિટમાં પંકજકુમાર અને રાજીવ ગુપ્તા નહીં હોય

ગુજરાતની 10મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જ્યારે યોજાશે ત્યારે હાલના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા નહીં હોય કેમ કે તેઓ આ મહિનાના અંતે વયનિવૃત્ત થઇ રહ્યાં છે. ઉદ્યોગ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે કોરોનાના કારણે બીજીવખત મુલતવી રાખેલી વાયબ્રન્ટ સમિટ હવે જાન્યુઆરી 2023માં યોજનારી છે.

આ પણ વાંચોઃ-વહૂ ઝગડો ના કરે તે માટે સાસરિયાંએ તાંત્રિક પાસે મોકલી દેવામાં આવી, તાંત્રિકે 79 દિવસ સુધી આચર્યુ દુષ્કર્મ

આ સમિટમાં હવે નવા ઓફિસરોના હાથમાં કમાન આવી જશે. રાજ્યમાં છેલ્લી સમિટ 2019માં થઇ હતી. સૌ પ્રથમ આ સમિટ 2021માં થવાની હતી પરંતુ મહામારીના કારણે થઇ શકી ન હતી. ત્યારબાદ આ સમિટ 2022માં થવાની હતી. આ સમિટ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પૂર્ણ તૈયારીઓ કરી હતી છતાં છેલ્લી ઘડીએ મોકુફ રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-Honey trap: મહિલા અને તેના પ્રેમીએ વેપારીને ફસાવ્યો હનીટ્રેપમાં, 50 લાખ જેટલી રકમ પડાવી લેતા વેપારીનો આપઘાત

એકોમોડેશનની મુશ્કેલી, આરોગ્યની ચિંતા, વિભાગો વચ્ચે સંકલનનો અભાવ, વધતું જતું કોરોના સંક્રમણ અને ઉદ્યોગજૂથોનો કંગાળ પ્રતિભાવ એ બઘાં કારણોથી સરકારને મોકુફીનો નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું જણાઇ રહ્યું છે. હવે રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. નવી સરકાર જો ભાજપની બની તો પહેલું કામ વાયબ્રન્ટ સમિટનું કરવાનું રહેશે. સરકાર અને સંગઠન હાલ ચૂંટણીની તૈયારીના કામમાં લાગી ગયું હોવાથી આ સમિટ 2022માં તો થઇ શકે તેવી સ્થિતિ નથી.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarati news, Power Corridor

આગામી સમાચાર