Home /News /gandhinagar /Power Corridor: બાબુઓની અભદ્રતાનો વીડિયો વાયરલ

Power Corridor: બાબુઓની અભદ્રતાનો વીડિયો વાયરલ

બાબુઓની અભદ્રતાનો વીડિયો વાયરલ

Gandhinagar news: આ ગાડી ખરેખર કોઇ અધિકારી ચલાવતા હતા કે, ડ્રાઇવર એ તો માલુમ પડ્યું નથી. પણ ભર વરસાદમાં ઇનોવા જેવી મોટી ગાડીનો ડ્રાઇવરથી બીજી તરફનો દરવાજો ધરાર ખુલ્લો રખાતા ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી.

ગાંધીનગર : સરકારી બાબુઓની અભદ્રતાના નામે એક વીડિયો વાયરલ (Viral video) થયો છે. આ વીડિયો અમદાવાદના (Ahmedabad) સરખેજ એસઓજી ઓફિસથી વિશાલા સર્કલની વચ્ચે ઉતારાયેલો છે. લાલ બત્તીવાળી ઇનોવા ગાડી તેમાં ડ્રાઇવરની બાજુની સીટનો દરવાજો સંપૂર્ણ પણે ખુલ્લો રાખીને અડધો કલાક સુધી ભર વરસાદ અને ભર ટ્રાફિક વચ્ચે ડ્રાઇવિગ કરીને મનમાની કરનાર અધિકારીનો કોઇ અજાણ્યા શખ્સે વીડિયો બનાવ્યો છે. આ ગાડી ખરેખર કોઇ અધિકારી ચલાવતા હતા કે, ડ્રાઇવર એ તો માલુમ પડ્યું નથી. પણ ભર વરસાદમાં ઇનોવા જેવી મોટી ગાડીનો ડ્રાઇવરથી બીજી તરફનો દરવાજો ધરાર ખુલ્લો રખાતા ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી.

વીડિયોમાં છેલ્લે છેલ્લે તો દરવાજો બંધ કરવા ઇનોવામાંથી જ એક માણસ નીચે ઉતર્યો. તેણે દરવાજો બંધ કરવાની કોશિષ કરી પરંતુ, ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિ ધરાર દરવાજો ખુલ્લો રાખીને ગાડી ચાલતી રાખવાના મૂડમા હોઇ બંન્ને વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ વિડીયો વાયરલ થતા - આ ગાડી કયા અધિકારીની છે એ ચર્ચાએ જોર પકડ્યું છે.જુઓ આ વીડિયોસીપી રાજુ ભાર્ગવનો આદેશ - ગુનો નાનો હોય કે મોટો એફઆઇઆર નોંધો

રાજકોટમાં છેલ્લા પોણા બે મહિનામાં અધધધ ૬૦૦થી ઉપર એફઆઇઆર રજીસ્ટર્ડ થઇ ચૂકી છે. આંકડો સાંભળીને કોઇને પણ થાય કે શું રાતોરાત રાજકોટમાં ગુનાઓ વધી ગ્યા છે? શું ઓવરનાઇટ રંગીલું રાજકોટ અશાંત થઇ ગયું છે? તો એનો જવાબ છે ના. આ થયું છે, રાજકોટના નવા સીપી રાજુ ભાર્ગવને કારણે. રાજુ ભાર્ગવે આવતાની સાથે જ નાની મોટી કોઇપણ ફરિયાદમાં પોલીસને એફઆઇઆર દાખલ કરવાની સૂચના આપી છે.

ભાર્ગવનું તો સીધુ ને સટ છે. ન્યાય જોઇએ છે? ન્યાય મળશે - પણ સિસ્ટમને ફોલો કરો. સામાન્ય રીતે કોઇપણ શહેર કે જિલ્લો હોય ત્યા ક્રાઇમ રેટ ઓછો બતાવવા પોલીસ હંમેશા એફઆઇઆર દાખલ કરવાને બદલે અરજી લેવાનું વલણ અપનાવતી હોય છે. પોલીસની ભાષામાં એને બર્કિંગ કહેવાય છે. પરંતુ રાજકોટ સીપી રાજુ ભાર્ગવે અન્યો કરતા જુદું વલણ અપનાવ્યું છે. જે ચર્ચાનો વિષય બન્યુ છે.

આ પણ વાંચો: આ સપ્તાહ દિગ્ગજોનો ગુજરાતમાં જમાવડો

નિપુણા તોરવણેએ એકતા દિવસની ઉજવણી માટે કમિટિની રચના કરી

રાજ્યમાં 31 ઓક્ટોબરે એકતા દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયુ છે. આ ઉજવણી અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભવ્ય પરેડ સાથે પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાતનો જે વિકાસ થયો એની પ્રદર્શની યોજવાનું નક્કી કરાયુ છે. આ પ્રદર્શની દસ દિવસ માટે ખુલ્લી મુકાશેને એક જિલ્લામાંથી દરરોજના પાંચથી સાત હજાર લોકોને આ પ્રદર્શનીની મુલાકાત લેવા માટે લઇ આવવાનો ટાર્ગેટ પણ સોંપાયો છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાનો આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાજ્ય સરકાર માટે ખૂબ મહત્વનો મનાય છે. ચૂંટણી જાહેર થાય તે પહેલાનો છેલ્લો મોટો સરકારી કાર્યક્રમ બની રહે તેવી સંભાવના છે.

ત્યારે આ કાર્યક્રમ હિટ નિવડે માટે મિટિંગોનો દૌર શરુ થઇ ચૂક્યો છે. આ મુદ્દે ગત અઠવાડિયે હોમ સેક્રેટરી નિપુણા તોરવણેએ સિનિયર આઇપીએસ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. તેઓએ એકતા દિવસ ઉજવણી આયોજન માટે એક કમિટિની રચના પણ કરી છે. દિવાળીના તહેવારો બાદ 31 ઓક્ટોબર આવશે ને ૩૩ જિલ્લામાં થી ઓછા મા ઓછા દસેક લાખ લોકો આ પ્રદર્શનીનો આનંદ માણે તેવી શક્યતા છે.

અશોક માણેક પાછા આવશે ?

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને સ્થાનિક ચૂંટણી પ્રસાશન અને અધિકારીઓ એકશન મોડમાં આવી ગયા છે. અગાઉ પણ ચૂંટણી પંચમાં કામ કરી ચૂકેલા આઇએએસ અધિકારી પી. ભારતી લગાતાર આ મુદ્દે બેઠકો કરી રહ્યા છે. ૨૧-૨૨ તારીખે તો કેન્દ્રની ટીમ પણ ગુજરાતમાં ચૂંટણી લક્ષી મુલાકાતે હતી. કલેક્ટરો સાથે તેઓએ વીડિયો કોન્ફરન્સ પણ કરી છે. જોકે, પી ભારતી સિવાય પણ ચૂંટણી ટાણે અન્ય અનુભવી અધિકારીની રાજ્ય સરકારને જરુરિયાત વર્તાઇ રહી છે. જેને લઇને ફરીથી પૂર્વ ડેપ્યુટી ઇલેકટ્રોરલ ઓફિસર અશોક માણેકને રીટાયર્ડમેન્ટ પછીનું એક્સેટેન્શન આપીને પરત બોલાવાય એવી ચર્ચા છે. આવતા અઠવાડિયા સુધીમાં તેમનો ઓર્ડર થાય એવી સંભાવના છે.

આ પણ વાંચો : પાવર કોરિડોરના તમામ આર્ટિક અહીં વાંચો.

રવિશંકર ગયા - બેનીવાલ રહ્યા

આઇએએસ ઓફિસર તરીકે ૪થા તબક્કાની ટ્રેઇનીગ માટે અંદાજિત ૩૦ જેટલા આઇએેએસ ઓફિસરોએ મસુરી ટ્રેઇનીગ પર જવા માટે વિનંતી કરી હતી. જેમાંથી ૯ને સીએમ દ્વારા પરમિશન અપાઇ હતી. આ ૯ માંથી સિનિયર આઇએસ ઓફિસર રાજકુમાર બેનીવાલે મસુરી ટ્રેઇનિંગ હાલ પૂરતી પોસ્ટપોન્ડ રાખી છે. ને તેમના સ્થાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સીઇઓ આઇએએસ અધિકારી રવિશંકર ટ્રેઇનીગ માટે રવાના થયા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત