Home /News /gandhinagar /Power Corridor : ગુજરાતમાં સાથે કામ કરી ચૂકેલા અધિકારી મુકેશ પુરીની પીએમ સાથે ગુફતગૂ?
Power Corridor : ગુજરાતમાં સાથે કામ કરી ચૂકેલા અધિકારી મુકેશ પુરીની પીએમ સાથે ગુફતગૂ?
પીએમ મોદીની ફાઇલ તસવીર
Gandhinagar Sachivalaya : ધર્મશાળા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ગુજરાત આવતી વખતે પીએમ નરેન્દ્ર મોદી સાથે એક જ પ્લેનમાં સીએસ પંકજકુમાર અને મુકેશ પુરીને સફર કરવાની તક મળી હતી.
ગાંધીનગર: એક સમયે મોદી સરકારમાં (Modi Government) મુખ્યમંત્રી મોદી સાથે કામ કરી ચૂકેલાને અતડા અધિકારી તરીકે ખ્યાતનામ થયેલા મુકેશ પુરી આજે પણ સરકારની ગુડ બુકમાં છે. એની સાબિતી એ છે કે, તાજેતરમાં જ ધર્મશાળા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ગુજરાત આવતી વખતે પીએમ નરેન્દ્ર મોદી સાથે એક જ પ્લેનમાં સીએસ પંકજકુમાર અને મુકેશ પુરીને સફર કરવાની તક મળી હતી. એટલું જ નહીં, મુકેશ પુરી સાથે પીએમ મોદીએ પુરી 15 મિનિટ અલગથી ફાળવીને ચર્ચા કરી હોવાનું પણ સંભળાઇ રહ્યું છે. જોકે, મુકેશ પુરીને આ તક ગુજરાત કેડરનાં જ એક પ્રામાણિક અધિકારી કે, જેઓ પીએમઓમાં (PMO) ફરજ બજાવે છે તેમના થકી ગોઠવી અપાઇ હોવાનું કહેવાય છે.
'ડીજીપી આશિષ ભાટિયાની ચારેય આંગળીઓ ઘીમાં'
રાજ્ય સરકારે ડીજીપી આશિષ ભાટિયાને સીઆઇડી ક્રાઇમના વડાનો વધારાનો હવાલો સોંપ્યો છે. સીઆઇડી ક્રાઇમના તત્કાલીન વડા ભાટિયાનાં જ બેચમેટ ટી.એસ.બિસ્ટ ૩૦મી જૂનના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમના ડીજીનો હવાલો ડીજી અનિલ પ્રથમને આપવાને બદલે ડીજીપી આશિષ ભાટિયાને સોંપ્યો છે.
પોલીસ બેડામાં ચર્ચા છે કે, ડીજીપી આશિષ ભાટિયાને ૮ મહિનાનું એક્સટેન્શન મળ્યા બાદ તેઓ હવે પોતાની મરજી ચલાવી રહ્યા છે. તેમના સબોર્ડિનેટ અધિકારીને આગળ કરવાને બદલે બધો જશ તેઓ પોતે જ લઇ લેવા માંગતા હોવાનું ચર્ચાય છે. એવી પણ ચર્ચા છે કે, ૧૯૮૮ બેચના ડીજી રેન્કના આઇપીએસ અનિલ પ્રથમ ડીજીપી આશિષ ભાટિયાને ગમતા નથી. સરકારમાં પણ ડીજી અનિલ પ્રથમની છાપ નેગેટીવ અધિકારી તરીકે છે. તેના જ કારણે તેઓ છેલ્લા ૧૭ વર્ષથી સાઇડ પોસ્ટિંગમાં રહ્યા છે. ડીજીપી આશિષ ભાટિયા સાથેના અનિલ પ્રથમના મન દુખના કારણે જ આ ચાર્જ સરકારે આશિષ ભાટિયાને સોંપી દેતા એમની ચારેય આંગળીઓ હવે ધીમાં રહેશે.
મુકેશ કુમારથી સરકાર નારાજ?
શહેરી વિકાસ વિભાગમાં મુકેશ પુરીને બદલે મુકેશકુમારને મુકવાનો નિર્ણય જાહેર થવા સાથે જ અન્ય આઇએએસને મુકેશકુમારને લોટરી લાગ્યાનો અહેસાસ થયો હતો. એક તબક્કે એમ ચર્ચાતું હતું કે, મુકેશ કુમારને સીએમ ભૂપેનદ્ર પટેલ સાથેની ઘનિષ્ઠતા ફળી છે. શહેરી વિકાસ વિભાગમાં ગતિ આવેને ચૂંટણી ટાણે વિકાસના કામો ઝડપી થાય એ માટે ભૂપેનદ્ર પટેલે એક સમયના સાથી અધિકારી મુકેશ કુમાર પર ભરોસો મૂકયો હતો. જોકે, ભરોસાની ભેંસ પાડો જણે એવો ઘાટ સર્જાયો છે. ચર્ચાઇ રહ્યું છે કે, મુકેશ કુમારની કામગીરીથી રાજ્ય સરકાર ખુશ નથી. ભૂપેનદ્ર પટેલની ધારણા વિરુધ્ધ મુકેશ કુમાર દરેક કદમ ફુકીફૂંકીને મૂકી રહ્યા છે. તેમને ડર છે કે, ચૂંટણી બાદ નેતૃત્વ બદલાયું તો, તેમને જવાબો આપવા ભારે પડશે. એટલે પુરીથી કંટાળીને કુમારને મૂકવાના નિર્ણય બદલ હાલ તો સીએમ પસ્તાઇ રહ્યા હોવાનું ગાંધીનગરમાં ચર્ચાઇ રહ્યું છે.
રથયાત્રા બાદ અધિકારીઓને વધારાના ચાર્જમાંથી મુકિત મળશે?
વયનિવૃત્ત થયેલા અધિકારીઓના સ્થાને સરકારે હાલ વધારાના હવાલાથી રાજ્યના ઉદ્યોગ સહિતના પાંચ વિભાગો તેમજ કેટલાક બોર્ડ-નિગમમાં મહત્વની જગ્યાઓ ભરી છે. એ ઉપરાંત વર્ગ-1 અને વર્ગ-2ના ઉચ્ચ અધિકારીઓને પણ વિભાગમાં હવાલા સોંપવામાં આવ્યા છે. એવી જ રીતે પોલીસ વિભાગમાં પણ વધારાના હવાલા આપવામાં આવેલા છે. હવે રાજ્યના સિનિયર આઇએએસ અધિકારીઓને પોસ્ટીંગ આપવાની તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં ફેરબદલ કરવાની ફાઇલ ક્લિયર કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીના કારણે સરકારે છેલ્લા ત્રણ ચાર દિવસથી બઢતીના ઓર્ડર કર્યા છે. તેમ જુલાઇ મહિનામાં હવે બદલીના ઓર્ડર પણ કરે તેવી સંભાવના છે.
ગુજરાતમાં 30મી જૂને વિવિધ સંવર્ગના 500 જેટલા અધિકારીઓ એકસાથે વયનિવૃત્ત થયાં છે. એટલું જ નહીં, રાજ્યના આઇપીએસ અધિકારી ટીએસ બિસ્ટ પણ નિવૃત્ત થતાં તેમના હસ્તકની સીઆઇડી ક્રાઇમની જવાબદારી ગુજરાતના પોલીસ વડાને સોંપવામાં આવી છે. એવી જ રીતે, આઇએએસ અધિકારી એચસી મોદી પણ નિવૃત્ત થતાં તેમની જવાબદારી બીજા અધિકારીને આપવામાં આવી છે. રાજ્યના વહીવટી તંત્રમાં ગુજરાત વહીવટી સેવાના આઠ અધિકારીઓ એકસાથે નિવૃત્ત થતાં તેમની જગ્યાએ અન્ય અધિકારીને વધારાના હવાલા આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ આચાર સંહિતા આવે તે પહેલાં ગુજરાત સરકાર વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવા માગે છે. આ સંજોગોમાં જુલાઇના અંત સુધીમાં સચિવાલય અને સરકારી કચેરીઓમાં બદલીની મોટાપાયે સંભાવના રહેલી છે.
શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટેરી મુકેશ કુમાર હાલમાં જ જાપાનની પર્સનલ વિઝીટ કરીને પરત ફર્યા છે. મુકેશકુમારના પત્ની મોના ખંધાર જાપાનના ટોક્યો ખાતે ઇન્ડિયન એમ્બેસીમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ વિઝિટ સંપૂર્ણપણે પારિવારીક હતી. તો બીજી તરફ શહેરી વિકાસમાં કામ કરી ચૂકેલા મુકેશ પુરી પણ આ મહિનામાં યુએસએ તેમના દીકરાને મળવા માટે જઇ આવ્યા છે. એક સરખું નામ ધરાવતાને એક સરખા વિભાગમાં કામ કરી ચૂકેલા આ બંન્ને અધિકારીઓ છેલ્લા એક મહિના દરમિયાન પારિવારિક વિઝીટ કરીને પરત ફર્યા છે.