Home /News /gandhinagar /Power Corridor : રાજ્યની બે સુપ્રીમ પોસ્ટના અધિકારીઓને એક્સટેન્શન

Power Corridor : રાજ્યની બે સુપ્રીમ પોસ્ટના અધિકારીઓને એક્સટેન્શન

સચિવાલય

Supreme post in Gujarat Government: રાજ્યના મુખ્યસચિવ (Chief Secretary) પદે રહેલા પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા (DG Ashish bhatia) 31મી મેના રોજ વયનિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેમને લોટરી લાગી છે.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Union minister Amit shah) ગુજરાતની મુલાકાત રાજ્યના બે સિનિયર મોસ્ટ અધિકારીઓને ફળી છે. રાજ્યના મુખ્યસચિવ (Chief Secretary) પદે રહેલા પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા (DG Ashish bhatia) 31મી મેના રોજ વયનિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેમને લોટરી લાગી છે.

બે કેન્દ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારે આ બન્ને ઓફિસરોને વિધાનસભાની ચૂંટણી સુધી એક્સટેન્શન આપ્યું છે. રાજ્ય પોલીસ વડાને તો 8 મહિના સુધી ડીજીપીનું પદ મળ્યું છે, જ્યારે મુખ્યસચિવનો અધિકૃત ઓર્ડર સોમવારે થવાનો છે. તેમને પણ આઠ મહિનાનું એક્સટેન્શન છે.

આ સાથે રાજ્ય સરકારે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાનો પણ નિર્ણય લેવાનો થાય છે. તેઓ પણ 31મી મે ના રોજ નિવૃત્ત થઇ રહ્યાં છે પરંતુ નર્મદા નિગમ અથવા તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તેમને રિએપોઇન્ટ કરવામાં આવે તેવી સંભાવના છે.

પંકજકુમાર અને રાજીવ ગુપ્તા 1986ની બેચના આઇએએસ અધિકારી છે જ્યારે આશિષ ભાટીયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. આ નિર્ણયના કારણે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારને મુખ્ય સચિવ બનવામાં અને અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને રાજ્યના પોલીસ વડા બનવામાં રાહ જોવી પડશે.

આશિષ ભાટીયાને આઠ મહિના એટલે કે જાન્યુઆરી 2023 સુધીનું એક્સટેન્શન છે જ્યારે પંકજકુમારને પણ આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું છે. આ અગાઉ અનિલ મુકિમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવેલું છે.

ગુજરાતમાં હવે સર્વિસ કમિશનરની નિયુક્તિ થશે...

ગુજરાત સરકાર સર્વિસ કમિશનરેટ કચેરી ઉભી કરવા જઇ રહી છે જે ઉદ્યોગો અને રોજગાર મેળવવા માગતા યુવાનો માટે મદદરૂપ થશે. એક તરફ સરકાર ઉદ્યોગોને નાણાકીય સહિતના અનેક પ્રોત્સાહન આપે છે બીજી તરફ સ્થાનિક નોકરીની તક મળતી નથી. આ કમિશનરેટ પ્રોત્સાહન અને રોજગાર વચ્ચે મહત્વની કડી બનશે.

ગુજરાત સરકારે સર્વિસ ક્ષેત્રને મજબૂત કરવા અને રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે નવી સેવા ક્ષેત્ર કમિશનરેટની સ્થાપના કરવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. સેવા ક્ષેત્ર દેશનું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. દેશમાં જીએસટી પછી ઉત્પાદન ઓછું નફાકારક બનતું જાય છે તેથી આ કમિશનરેટ ઉદ્યોગોને મદદરૂપ થશે.

સર્વિસ સેક્ટરની દેખરેખ માટે કમિશનરની નિમણૂક કરવામાં આવશે. સરકારની નીતિ બન્યા પછી MSME અને અન્ય ઉદ્યોગોને ઓફર કરવામાં આવતા નાણાકીય અને અન્ય લાભોની સરખામણીએ રોજગારીની તકો વધારવાનો હેતુ છે.

ગુજરાત સરકારે વિવિધ વિભાગો સાથે સમિતિના પરામર્શ દરમિયાન સેવા ક્ષેત્રના કમિશનરેટની સ્થાપનામાં રૂચિ દર્શાવી હતી. અઢિયા સમિતિએ રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે સર્વિસ કમિશનરેટની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરકાર ટૂંક સમયમાં જ સેવા ક્ષેત્રની જરૂરિયાતો અને ઓફર કરી શકાય તેવા પ્રોત્સાહનોને સમજવા માટે ઉદ્યોગ સાથે ચર્ચા કરશે.

કેન્દ્રના ઇશારે કેમ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાય છે?

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ વિવાદમાં ઘેરાયેલું છે. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં બોર્ડના મેમ્બર સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા એવી શાહની આખરે વિદાય કરી દેવામાં આવ્યા છે ..

તેમની ફરજ દરમ્યાન કહેવાતી ગેરરિતીઓનો રિપોર્ટ ઘણાં સમયથી મુખ્યમંત્રી કાર્યાલયમાં પડી રહ્યો હતો. પરંતુ કોણ જાણે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં આ રિપોર્ટ પહોંચી જતાં રાતોરાત એવી શાહને હટાવીને તેમને પોરબંદર મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-સુરત નજીક આવેલા સુંવાલીના દરિયા કિનારે નાહવા પડેલા પાંચ યુવાનો ડૂબ્યા, એકનો મળ્યો મૃતદેહ

ગુજરાતમાં એક સિરસ્તો એવો પડ્યો છે કે ભ્રષ્ટાચાર કરતાં અધિકારીઓ સામે રાજ્ય સરકાર નહીં પણ કેન્દ્ર સરકાર પગલાં ભરી રહી છે. જૂની સરકારમાં જે થયું છે તે નવી સરકારમાં ના થાય તે માટે અગાઉ સુરેન્દ્રનગરના તત્કાલિન જિલ્લા કલેક્ટર કે રાજેશ સામે સીબીઆઇની તપાસ પ્રાઇમ મિનિસ્ટર કાર્યાલયના ઇશારે કરવામાં આવી હતી.

આશ્ચર્યની બાબત એવી છે કે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અંદાજે એક ડઝન જેટલા અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. અગાઉના ચેરમેન સંજીવકુમારનો રિપોર્ટ જ્યારે ખૂલશે ત્યારે ઘણાં અધિકારીઓની સંડોવણી બહાર આવવાની સંભાવના છે.

ગાંધીનગરનું સચિવાલય કોર્પોરેટ લૂકમાં ફેરવાઇ જશે...

ગાંધીનગરમાં વર્ષો જૂની સરકારી ઇમારતો તોડીને નવી બનાવવામાં આવી રહી છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગે પહેલાં જર્જરીત બનેલા સરકારી આવાસોને તોડીને નવા બનાવ્યા છે. ત્યારપછી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા સરકીટ હાઉસને તોડીને નવા બન્યા છે અને હવે સરકારી ઇમારતો તોડીને નવી બનાવવામાં આવી રહી છે અથવા તો તેનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા હવે નવા સચિવાલયની ઇમારતોનો નજારો બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સચિવાલયમાં અંદાજિત 250 કરોડના ખર્ચે 14 જેટલા બ્લોકની બહારનો દેખાવ બદલાશે સાથે સાથે શૌચાલય અને બ્લોકના પેસેજનું પણ નવિનીકરણ કરશે. રાજ્ય સરકારે ખાનગી એજન્સીને ડિઝાઇન બનાવવા આપી છે.

આ પણ વાંચોઃ-સુરત એરપોર્ટ પરથી બે વ્યક્તિઓ પાસેથી મળ્યું 32 લાખથી વધુનું સોનું, માનવામાં નહીં આવે ત્યાં સંતાડ્યું હતું

ગાંધીનગરમાં 35 વર્ષ જૂની ઇમારતોનું નવિનીકરણ થઇ રહ્યું છે. નવા સચિવાલયની જેમ જૂના સચિવાલયને તોડીને નવું બનાવવામાં આવનાર છે. અત્યારે ત્રણ માળની ઇમારતો છે જેને વધારીને નવ માળની કરવામાં આવશે.

આ ભવન 1971માં બનાવવામાં આવેલું છે. કુલ આઠ બ્લોક બનાવવામાં આવશે. જૂના સચિવાલયનો લૂક બદલવા માટે કુલ 400 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પ્રથમ તબક્કે નવ માળના બે બ્લોક બનાવવાનું આયોજન છે જેની પાછળ 100 કરોડનો ખર્ચ થશે.

નવા બનાનારા બ્લોકમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, સોલાર સિસ્ટમ, એસી, ફાયર સેફ્ટિ અને લિફ્ટ સહિતની સુવિધા ઉભી કરાશે. આ અગાઉ મોદી સરકારે 150 કરોડના ખર્ચે વિધાનસભા સંકુલનું નવિનીકરણ કર્યું છે.

પંચાયત વિભાગમાં રેકોર્ડબ્રેક 1000થી વધુ બદલી

રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા વર્ગ 3 અને 4ના 1,067 કર્મચારીઓની સામૂહીક જીલ્લા ફેરબદલીના આદેશ કરવામાં આવ્યા છે.

આ વિભાગ દ્વારા વિનંતીથી અલગ અલગ જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા કર્મચારીઓની સામૂહિક આંતર જિલ્લા બદલીઓ કરી છે. સચિવાલયમાં સૌથી વધુ બદલીઓ એકસાથે કરવાનો આ રેકોર્ડ હોઇ શકે છે.

ગુજરાત પંચાયત સેવા હસ્તકના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ કે જેઓ રાજ્યની અલગ અલગ જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા પશુ નિરીક્ષક , લેબ ટેક્નિશિયન, ડ્રાઇવર ,જુનિયર ફાર્માસિસ્ટ, સિનિયર ક્લાર્ક અને આંકડા મદદનીશ સહિત અન્ય સંવર્ગના છે. આ અગાઉ રાજ્ય સરકારે સચિવાલયના આંતરિક વિભાગોમાં મોટાપાયે બદલીઓ કરી હતી. પોલીસ વિભાગમાં પણ મોટાપાયે બદલીઓ થઇ છે પરંતુ એકસાથે 1000 બદલીઓ ક્યારેય થઇ નથી.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarati news, Power Corridor

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો