Gujarat Government Exams: છેલ્લા બે દિવસથી માર્કેટમાં અનેક અફવાઓ ચાલી રહી છે. ત્યારે આ મામલે ન્યૂઝ18 ગુજરાતીએ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ સાથે વાત કરી હતી. આવો જાણીએ તેમણે શું કહ્યું...
ગાંધીનગરઃ આગામી એપ્રિલ મહિનામાં પંચાયત પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા મામલે હાલ વિવિધ અફવાઓ માર્કેટમાં ચાલી રહી છે. તેમાંની એક અફવા એવી છે કે, તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. ત્યારે છેલ્લા બે દિવસથી આ અફવા માર્કેટમાં ચાલી રહી છે. ત્યારે આ મામલે ન્યૂઝ18 ગુજરાતીએ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ સાથે વાત કરી હતી. આવો જાણીએ તેમણે શું કહ્યું...
તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાવાની જોરશોરથી ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતા તેમણે જણાવ્યુ હતુ કે, ‘હાલ આ પ્રકારની કોઈ વાત જ નથી. સરકાર એવુ કંઈ વિચારતી પણ હોય તો તેઓ સૌથી પહેલાં અધિકારીઓ સાથે આ મુદ્દે પરામર્શ કરે પણ આગામી એપ્રિલમાં યોજાનારી પરીક્ષાને લઈને આવી કોઈ ચર્ચા કરવામાં આવી નથી. હાલ તો તમામ પરીક્ષાઓ એક જ તબક્કામાં લેવામાં આવશે એટલે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની અસમંજસમાં રહેવું નહીં.’
ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા 10મી એપ્રિલ અને તલાટીની પરીક્ષા 23મી એપ્રિલે યોજવાની વિચારણા ચાલી રહી છે. આ માટે પરીક્ષા કેન્દ્રની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ઉમેદવારોની સંખ્યા વધે કે ઘટે પણ પરીક્ષા તો એક જ તબક્કામાં લેવાશે. આગામી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં દસ લાખ ઉમેદવારો બેસે તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે તલાટીની પરીક્ષામાં 17 લાખ જેટલા ઉમેદવારો બેસી શકે છે. તેને લઈને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તે માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસે પરીક્ષા કેન્દ્રો અંગે વિગતો મંગાવવામાં આવી છે.
નોંધનીય છે કે, ગત 29મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા એકાએક મોકૂફ કરવામાં આવી હતી. હજારો-લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે પરીક્ષા સેન્ટર પર જવા માટે રવાના થયા હતા અને પહોંચ્યા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.