ગાંધીનગર : ગાંધીનગરમાં (Gandhinagar) આજે પોલીસની સતર્કતાના કારણે મોટી હોનારત થતા ટળી છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ-2 અને સેક્ટર-7 પોલીસે ગાંધીનગરમાં ધાડ પાડવા આવેલા કુખ્યાત ગેંગસ્તર બસ્તીખાન પઠાણની (Basti Khan Pathan Gang) ગેંગને ધોકા-છરા, તલવાર, બેટ, ચાકુ, બરછી જેવા ઘાતકી હથિયારો સાથે ઝડપી પાડી છે. જોકે, પોલીસની (Police) પૂછપરછમાં આ ગેંગસ્ટરોએ (Gangsters) ધડાકો કર્યો છે કે તેમના આકાએ લીધેલી સોપારીના કારણે તેઓ ધાડ પાડવા માટે આવ્યા હતા. જોકે, આ અંગે યોગ્ય સમયે બાતમી મળી જતા આ શખ્સોને ખેલ ખલાસ થઈ ગયો હતો.
બનાવની વિગતો એવી છે કે આજે ક્રાઇમ બ્રાન્ચ-2ના પીઆઈ ઝાલા અને પીએસઆઈ વાઘેલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ પીડીવાઘેલાની ખાનગી બાતમી મળી હતી કે સેક્ટર-8 સેન્ટઝેવિયર્સ સ્કૂલના દરવાજા પાસે કેટલાક શખ્સો ગાડીમાં મારક હથિયારો સાથે ભેગા થયા છે.
આ શખ્સોને ઝડપી પાડવા માટે સેક્ટર 7ના સ્ટાફને સાથે રાખી પીઆઈ પવાર તથા પીએસઆઈ રાણા સહિતની ટીમ સાથે મળી અને સંયુક્ત રેડ કરી હતી. જ્યાંથી છરા-તલવાર, ગુપ્તી, બરછી, ધોકા અને બેટ સહિતના ઘાતકી હથિયારો સાથે બસ્તીખાન પઠાણની ગેંગ મળી આવી હતી.
પોલીસે આ મામલે અમદાવાદ મીરઝાપુરના કુખ્યાત ફીરદોસ ઈસ્માઈલ ઉર્ફે બસ્તીખાન ખીલજી, ગૌતમ ઉર્ફે પંદરીયો, ધર્મેશ પાટડીયા, અલ્પેશ ફતપરા, કમલ ઉર્ફે કમલેશ વસાવા, નિકીન પટેલને ઉપાડી લીધા હતા. જ્યારે ઈસ્માઇલ ઉર્ફે બસ્તીખાન પઠાણ, સરીફ રસુલ મનસુરી, અફઝલ મનસુરી અજીજ, ઉજેફા વૉન્ટેડ છે.
બસ્તીખાન પઠાણીની ગેંગ પાસેથી મળી આવ્યા મારક હથિયારો
શરીફ અને અફઝલે 'ગોપી'ની સોપારી આપી હતી
ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં તેમણે પોલીસને કહ્યું કે આરોપી શરીફ મન્સુરી, તથા અફઝલ મન્સુરીએ દર્શનસિંહ ઉર્ફએ ગોપી ચાવડા સાથે પૈસાની તકરાર થતા તેને માર મારી લૂંટી લેવા માટે બસ્તીખાન ખીલજીનો સંપર્ક કર્યો હતો. બસ્તીખાને તેના ગૂર્ગાઓને મોકલી અને ધાતકી હથિયાર સાથે લૂંટનું આયોજન ઘડ્યું હતું.
પોલીસે તેમની પાસેથી 4 ફોર વ્હીલર, 2 છરા, 4 તલવાર, 2 બરછી, 2 ધારિયા, 2 બેઝબોલના ધોકા, 3 બેટ, 7 મોબાલઇ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ શખ્સો સામે પોલીસે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો.ની કલમ 399,402 તથા જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો છે. ઈસ્માઇલ ઉર્ફેં બસ્તીખાન પઠાણ ખીલજી મોટો ગેંગસ્ટર
ઝડપાયેલા આરોપીઓ પૈકીનો બસ્તીખાન મોટો ગેંગસ્ટર છે. જ્યારે ફરીદોસ ઈસ્માઇલ ઉર્ફે બસ્તીખાન ખીલજી વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ મથકોમાં મારામારી રાયોટીંગના 8 ગુના નોંધાયા છે. અગાઉ તેમને પાસા પણ થયેલા છે જ્યારે ગેંગના અન્ય લુખ્ખાઓ વિરુદ્ધ પણ અનેક ગુના નોંધાયેલા છે.
જેમાં ગૌતમ ઉર્ફે પંદરીયા સામે અમદાવાદ વડોદરામાં ખૂન, મારામારીના 4 ગુના નોંધાયેલા છે જ્યારે ધર્મેશ ઉર્ફે ચીંટુ પાટડીયા વિરુદ્ધ અમદાવાદમાં 5 ગુના નોંધાયેલા છે. અલ્પેશ ઉર્ફે ખોડી દિપક કતપરા વિરુદ્ધ મુંબઈમાં લૂંટ, ધાડ, મારામારીના 6 ગુના છે. વોન્ટેડ ઈસ્માઇલ અબ્દુલ ગફુર ખીલજી સામે 12 ગુના નોંધાયેલા છે. બસ્તી ખાને ગાંધીનગરમાં અગાઉ ખૂન પણ કર્યુ હતું.