Home /News /gandhinagar /

ગાંધીનગર: સરગાસણ નજીકથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું, તેની પર ફરતી હતી કીડીઓ

ગાંધીનગર: સરગાસણ નજીકથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું, તેની પર ફરતી હતી કીડીઓ

નવજાત બાળક મળી આવ્યું

Gandhinagar ma aava banaav o vadhya 

ગાંધીનગર : સરખેજ હાઇવે (Gandhinagar) ઉપર અડાલજ પછી ગાંધીનગર આવતા રસ્તાની ડાબી બાજુએ અંદરની બાજુએ અવાવરૂ જગ્યા ઉપર આજે સવારે એક નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બાળકને સરગાસણ 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા માવજતપૂર્વક જીવિત હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તરત જ તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાઈ હતી.

ગાંધીનગરમાં અવૈધ સંબંધોને કારણે થતા ગર્ભપાતનાં કિસ્સાઓ વધ્યા છે. સરકાર દ્વારા ગર્ભપાતની મનાઈ ફરમાવવા આવી હોવાને પરિણામે કેટલાક લોકો ખાનગીમાં ગર્ભપાત કરાવવા માટે મોટી રકમ પણ ખર્ચતા હોય છે. જ્યારે કેટલાક લોકો દેશી ઓસડિયા અજમાવીને આવા ગર્ભપાતના પ્રયોગો કરવા જતા પૂરતા જ્ઞાનને અભાવે જોખમમાં મુકાઈ જતા હોય છે. તો કેટલીક વખત બાળકમાં જીવ આવી ગયો હોવાને કારણે ગર્ભપાત શક્ય ન બનતા ફરજિયાતપણે બાળકને જન્મ આપવો પડે છે. આવા સંજોગોમાં અજ્ઞાતવાસમાં ગયેલી અપરિણીત યુવતી બાળકને જન્મ આપીને ત્યજી દેતી હોવાની ઘટનાઓ પણ અનેક વખત જોવા મળે છે.

ભૂતકાળમાં ગાંધીનગરના સેક્ટર - ૭ ખાતે એસટી બસ સ્ટેન્ડની સામેની બાજુએ જ જાહેરમાં નવજાત બાળક મળી આવ્યું હોવાની ઘટના ગાંધીનગરાઓનાં સ્મૃતિપટ ઉપર તાજી થાય એવો જ એક બનાવ આજે રવિવારે સવારે ગાંધીનગર નજીકના સરગાસણ પાસે બનવા પામ્યો છે.

Live Video: અમદાવાદમાં પડ્યો હતો 15 ફૂટનો મસમોટો ભૂવો

રાજ્યની ઈમરજન્સી સેવા ૧૦૮ ઉપર આજે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, અડાલજથી સરગાસણ તરફ જતા ડાબી બાજુ રોડની અંદર સીમમાં અવાવરૂ જગ્યાએ એક નવજાત બાળક પડેલું છે. જેથી આ કોલને સરગાસણ લોકેશનની એમ્બ્યુલન્સ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કોલ મળતા તુરંત જ EMT હાર્દિક ગોસ્વામી અને પાયલોટ જગદીશ રાવળ સ્થળ ઉપર ધસી ગયા હતા. જોકે બાળકના લોકેશન સુધી એમ્બ્યુલન્સ જાય એવો રસ્તો નહીં હોવાને કારણે એમ્બ્યુલન્સ વાનને રોડ ઉપર જ પાર્ક કરી દઈને હાર્દિકભાઈ અને જગદીશભાઈ બાળક સુધી ચાલતા જ પહોંચ્યા હતા. રોડ ઉપરથી ઘણું અંદરની બાજુએ ખેતરમાં રહેલું બાળક શોધવામાં તેઓને વરસાદને કારણે પણ થોડીક હાડમારી ભોગવવી પડી હતી.

અંબાલાલ પટેલનું અનુમાન, ગુજરાતમાં આ તારીખથી ફરી પડશે ધોધમાર વરસાદ

એમ છતાં પોતાની પરવા કર્યા વગર આ ૧૦૮ નો બંને સેવાભાવી સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો. જ્યાં કચરામાં તાજુ જન્મેલું એક નવજાત બાળક જોવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાળકના ઉપર કીડીઓ પણ ફરતી જોવા મળી હતી. તેને સાફ કરીને તરત જ એમ્બ્યુલન્સ સુધી આવવા માટે હાર્દિકભાઈએ તેને સંભાળપૂર્વક ઊંચકી લીધું હતું અને ઝડપથી એમ્બ્યુલન્સ તરફ ઝડપભેર ચાલી નીકળ્યા હતા. એમ્બ્યુલન્સ વાન સુધી પહોંચીને તેઓએ સૌપ્રથમ બાળકને ઓક્સિજન આપવાનો પ્રયત્ન કર્યો હતો અને 108 ના ઇ.આર.સી.પી. ડૉ. પલકની ઇન્સ્ટ્રકશન મુજબ, EMT હાર્દિક ગોસ્વામીએ ન્યુ બોર્ન કેર ટ્રીટમેન્ટ આપી હતી.

એટલી વારમાં પાયલોટ જગદીશ રાવળે એમ્બ્યુલન્સને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તરફ દોડાવી હતી.દરમિયાન એમ્બ્યુલન્સની અંદર જ નવજાત બાળકને ટ્રીટમેન્ટ આપવાની ચાલુ હતી.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા પછી તાત્કાલિક સારવાર વિભાગમાં હાજર ડૉ. પરેશભાઈ દ્વારા આ બાળકની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં બાળકોના ડૉકટરને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યા હતા. દરમિયાન આ બાળકને એનઆઈસીયુ વિભાગમાં ટ્રાન્સફર કરી દેવાયું હતું. જ્યાં આ બાળકની ઘનિષ્ઠ સારવાર શરૂ કરી દેવાઈ હતી. ખેતરની ખુલ્લી જગ્યામાંથી મળી આવેલું આ બાળક માત્ર એક કિલોનું જ હોવાનું સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. નિયતિ લાખાણીએ જણાવ્યું હતું. આ નવજાત બાળકને ત્યજી દેવાનું હીન કૃત્ય કરનારી માતા પ્રત્યે સમગ્ર વિસ્તારનાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन