ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાના બજેટ રજૂ કરતા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ દ્વારા જનતા બજેટ માટેની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષે પ્રથમ વખત સ્થાયી સમિતિ દ્વારા બજેટ પૂર્વે એક નવતર અભિગમ અપનાવીને સાચા અર્થમાં જનતા બજેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગરના નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને તે સૂચનોનો મહદઅંશે બજેટમાં સમાવેશ કરીને નવો ચીલો શરૂ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગમાં ફરી એક વાર જનતા બજેટનું આયોજન
આ પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે પણ જનતા બજેટ માટે સ્થાયી સમિતિના ચેરમેન જશવંત પટેલે નગરજનોને સૂચનો મોકલવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ‘ગાંધીનગર શહેરમાં મોટાભાગે પ્રવૃત તથા નિવૃત્ત અધિકારીઓ તેમજ કર્મચારીઓ નિવાસ કરતા હોવાથી તેમના દ્વારા અનુભવોના આધારે કરવામાં આવતા સૂચનોને બજેટમાં સમાવીને સાચા અર્થમાં જનતા બજેટ બનાવી શકાય તે માટે સર્વે નગરજનોને સૂચનો મોકલવા માટે અપીલ કરુ છું.’
ગાંધીનગર મહાનગરપાલિકાના બજેટમાં નગરજનો સહભાગી થઈને જનતા બજેટ માટે પોતાના સૂચનો આપી શકે તે માટે મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ મહાનગરપાલિકાની વેબસાઇટની https://gandhinagarmunicipal.com/ પર ન્યુઝ સેક્શનમાં અપલોડ કરવામાં આવ્યું છે. જેનો અભ્યાસ કરી આ બજેટ અંગેના જરૂરી સૂચનો ઇ-મેઇલ, રૂબર તેમજ પત્રના માધ્યમથી મોકલી શકાશે.
લોકો રૂબરૂ કે પત્ર વ્યવહારથી પોતાના સૂચનો આપી શકશે
નગરજનો chairman.gmc.gnr@gmail.com પર પણ પોતાના સૂચનો ઇમેલ કરી શકશે અથવા ગાંધીનગર મહાનગરપાલિકાના સરનામે રૂબરૂ કે પત્ર વ્યવહારના માધ્યમથી પોતાના સૂચનો આપી શકશે. સત્તા પક્ષ અનુસાર આ તેમનો જનતા બજેટ બનાવાનો પ્રયાસને નવતર અભિગમ છે. પરંતુ વિપક્ષ આ અભિગમને માત્ર પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યું છે.