Home /News /gandhinagar /રાજ્યમાં વર્ષ 2047માં પ્રત્યેક નાગરિકની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબીક મીટરથી વધારી 1700 ક્યુબીકમીટર કરાશે
રાજ્યમાં વર્ષ 2047માં પ્રત્યેક નાગરિકની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબીક મીટરથી વધારી 1700 ક્યુબીકમીટર કરાશે
ગુજરાતમાં પાણીની ઉપલબ્ધતા
Gujarat: કેન્દ્ર સરકારના જળ સંશાધન, જળ શક્તિ મંત્રાલય દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે દેશના ત્રીસ રાજ્યોની પ્રથમ વાર્ષિક બેઠક યોજાઇ હતી. જેમાં દેશના ત્રીસ રાજયોના રાજ્યમંત્રીઓ, કેન્દ્ર સરકારના જળસંશાધન, જળશક્તિ મંત્રાલયના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.
ગુજરાત: કેન્દ્ર સરકારના જળ સંશાધન, જળ શક્તિ મંત્રાલય દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે દેશના ત્રીસ રાજ્યોની પ્રથમ વાર્ષિક બેઠક યોજાઇ હતી. જેમાં દેશના ત્રીસ રાજયોના રાજ્યમંત્રીઓ, કેન્દ્ર સરકારના જળસંશાધન, જળશક્તિ મંત્રાલયના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા. ભોપાલ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સમાં સહભાગી થતા મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વોટર વિઝન અને અછત નિવારવા પાણીના યોગ્ય સંશાધનોમાં સુનિશ્ચિત ઉપયોગ માટે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. તેમણે રાજ્યના 2047ના વોટરવિઝન અને ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં અછતગ્રસ્ત પાણીના અભાવવાળા વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે કરેલા આયોજનની વિકસીત રૂપરેખા પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.’
મંત્રી બાવળીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આ નવતર અભિગમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ‘પાણીના વિષયને સંકલિત કરીને આ પ્રકારની અભૂતપૂર્વ કોન્ફરન્સનું આયોજન દેશમાં પહેલી વખત થયું છે. જળ સંસાધન, પીવાના પાણી, સિંચાઈ વ્યવસ્થા, શહેરી વિસ્તારમાં પાણીના ઉત્પાદન, ઉપલબ્ધિ અને તેનો યોગ્ય પ્રકારે ઉપયોગ વગેરે મુદ્દાઓને અત્યાર સુધી જુદા જુદા વિષયો તરીકે લેવાતું હતું. તેની જગ્યાએ પ્રથમ વખત એક મંચ પર સંકલિત થવાથી વર્ષ 2047 સુધી અમૃતકાલના કેન્દ્ર અને રાજ્ય સરકારના આયોજનો કરવામાં આ કોન્ફરન્સ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે.’
તેમણે કહ્યું કે, ‘સર્ક્યુલર ઇકોનોમીના કન્સેપ્ટ સાથે જ્યારે ભારત વર્ષ-2047ના અંત સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે. ત્યારે દરેકે દરેક નાગરિક માટે જળ સંશાધન સહિત તમામ પ્રકારના સ્વરૂપોમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ આજના સમયનો પડકાર છે અને સાથે સાથે એક તક પણ મળશે.’ ગુજરાત માટે વર્ષ-2047નું વિઝન રજુ કરતા તેમણે કહ્યું કે, ‘ગુજરાતનું વિઝન ચાર મુખ્ય સ્તંભો ઉપર આયોજીત છે. જેના પહેલા સ્તંભમાં સંસાધનની ઉપલબ્ધતા, બીજા સ્તંભમાં માંગનું યોગ્ય નિયોજન, ત્રીજા સ્તંભમાં જરૂરિયાત મુજબ સપ્લાયનો યોગ્ય પ્રયોજન અને ચોથા સ્તંભમાં જળની સ્થિરતા લાંબા ગાળા માટે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ચાર સ્તંભો ગુજરાત કયા પ્રકારે સિદ્ધ કરશે તે માટે તેમણે ગુજરાત સરકારના હાલના અભિગમ અને આગામી વર્ષોમાં જે નવી યોજનાઓ રાજ્ય સરકાર કરવા માંગે છે તે વિશે વિગતો રજુ કરી હતી.’
રાજ્યના અછતગ્રસ્ત અને સંસાધન વિનાના ક્ષેત્રોના વિકાસ માટે જલ આપૂર્તિ સુનિશ્ચિત કઈ રીતે કરવામાં આવી તે અંગે ગુજરાતની 20 વર્ષની સિદ્ધિનું પ્રેઝન્ટેશન રજૂ કરતાં મત્રીએ કહ્યું હતું કે ટેન્કરરાજ, દુર દુરથી પાણી લાવવું, મોટા પ્રમાણમાં માનવી અને પશુઓનું કચ્છ સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર જેવા વિષયોને ગુજરાતે આ ચાર સ્તરીય વ્યવસ્થા દ્વારા ભૂતકાળ બનાવી દીધી છે. પ્રથમ સ્તરમાં એક વિસ્તારના વધારાના પાણીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પુરુ પાડ્યુ છે. જેના માટે નર્મદા કમાન્ડ ડેવલપમેન્ટ, સુજલામ સુફલામ પ્રકારની યોજનાઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે. તે જ રીતે બીજા તબક્કામાં સૌની યોજના, લીફ્ટ ઈરીગેશન સ્કીમ અને બલ્ક લાઈન મારફતે એક વિસ્તારના પાણીને બીજા વિસ્તારમાં ક્લસ્ટર સ્વરૂપે પણ પહોંચાડ્યુ છે.
તળાવ, નાના ડેમ આધારિત સિંચાઇ યોજનાઓમાં વરસાદની ગમે તે પરિસ્થિતિ હોય તેમ છતાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. ત્રીજા તબક્કામાં બલ્ક લાઈનથી ઉપલબ્ધ પાણીને જૂથ યોજનાઓ મારફતે દરેક ગામ સુધી પહોંચાડીને, વાસ્મોના નેટવર્કનો ઉપયોગ કરીને ગામમાં ઉપલબ્ધ બનેલ પાણીને ઘર ઘર સુધી પહોંચાડયુ છે. પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાના લીધે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન 20 વર્ષમાં અઢી ગણું વધ્યું છે. પશુપાલન ક્ષેત્રે ઉત્પાદન પાંચ ગણું જેટલું વધ્યું છે અને મોરબી, કચ્છ અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો કે જ્યાંથી લાખોની સંખ્યામાં લોકો બીજા વિસ્તારમાં જતા હતા તેની જગ્યાએ સ્થાનિક રોજગારીનું સર્જન કરીને રાજ્યના તેમજ બહારના લોકોને પણ રોજગારી આપતાં ધમધમતાં કેન્દ્રો તરીકે વિકસ્યા છે.
20 વર્ષમાં ડાર્ક ઝોન જેવા અને ક્રિટિકલ એરિયામાં જે તબદીલી થયેલ તેના પણ આંકડા સાથે વિગત રજૂ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ‘ક્રિટિકલ, સેમી ક્રિટિકલ અને ડાર્ક ઝોનમાં રાજ્ય સરકારે 20 વર્ષમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને વર્ષ 2047માં રાજ્યના દરેક નાગરિક માટે જે માથાદીઠ પાણીની ઉપલબ્ધતા છે. તે 850 ક્યુબીક મીટરથી વધારી 1700 ક્યુબીક મીટર સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ કોન્ફરન્સમાં અન્ય રાજ્યોના મંત્રી દ્વારા રજૂ કરેલ પ્રેઝન્ટેશનમાં તેમની બેસ્ટ પ્રેક્ટિસની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારના અભિગમથી અને સામુહિક પ્લેટફોર્મ ઉપર ચિંતન કરવાથી પ્રધાનમંત્રીનું અમૃતકાલ માટે અને વર્ષ-2047 માટે રાષ્ટ્રને વિશ્વમાં પ્રથમ સ્થાને મૂકવાનું જે વિઝન છે તે સહિયારા પ્રયત્ન થકી ચોક્કસપણે આપણે સિદ્ધ કરી શકીશું તેમ તેમણે ઉમેર્યુ હતું.