કલોલ મામલતદાર ઓફિસમાં એસીબી (ACB)એ છટકાનું ગોઠવીને મામલતદાર તેમજ ઇ-ધારા શાખાના ઓપરેટરને લાંચ લેતા ઝડપી લીધા છે. જ્યારે ફરાર આરોપી નાયબ મામલતદારને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આજે કલોલ મામલતદાર ઓફિસમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. મામલતદાર ડો. મયંક મહેન્દ્રભાઈ પરમાર અને ઈ-ધરા શાખાના ઓપરેટર આઉટસોર્સ નિખિલ કિશોરભાઈ પાટીલને રૂપિયા 2.60 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે.
એ.સી.બી.ના ફરીયાદી શેઠે મુલસણા ગામની બિનખેતી જમીનની તેઓના ટ્રસ્ટમાં વેચાણની 23 એન્ટ્રી કરાવવા સારૂ અરજી કરી હતી. જેમાં આરોપી મયંક પરમાર દ્વારા એન્ટ્રી દીઠ રૂ.12 હજાર લેખે કુલ રૂપિયા 2 લાખ 76 હજારની માંગણી કરવામાં આવી હતી. જે રકઝકના અંતે રાઉન્ડ ફિગર રૂપિયા 2 લાખ 50 હજાર નક્કી થઇ હકી, ઉપરાંત ઈ-ધરામાં રૂપિયા 10 હજારની રકમનો વધારો કરી કુલ રૂપિયા 2 લાખ 60 હજારની માંગણી કરવામાં આવી હતી. જે લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબી એ લાંચના છટકાનું આયોજન કરતા મયંક પટેલનાએ ફરિયાદીને આરોપી પ્રવીણ પરમારને લાંચના નાણાં આપવાનું કહ્યું હતું.
ફરિયાદી પ્રવીણ પરમારને મળ્યા હતા અને તેમણે ઓપરેટર નિખિલ પાટીલને બોલાવી આ લાંચની રકમ લઈ લેવા માટે કહ્યું હતું. જેથી એસીબી એ છટકાનું આયોજન કરીને મામલતદાર મયંક પરમાર અને ઓપરેટર નિખિલ પાટીલને ઝડપી લીધા છે. જો કે એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતાં જ નાયબ મામલતદાર પ્રવીણ પરમાર ફરાર થઈ ગયો છે. હાલમાં એસીબી એ ઝડપાયેલ બંને આરોપીઓના ઘરે અને ઓફિસમાં સર્ચ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.