ગાંધીનગર: રાજ્ય સરકારે હાલમાં જ વ્યાજખોરોને પકડી-પકડી ને જેલમાં પૂરવા તેમજ તેમની સામે ગુનાઓ નોંધવાનું અભિયાન છેડ્યું છે. આજ અભિયાનની પૂર્તતા અન્વયે હવે સામાન્ય લોકોને સરકારી યોજનાઓનો પરિચય કરાવીને તેના થકી લોન પૂરી પાડવા માટે પણ રાજ્યનો ગૃહ વિભાગ અભિયાન છેડશે. કેન્દ્ર અને રાજ્યની કેટલીયે સહાય લોન યોજનાઓ છે જેની માહિતી જ સામાન્ય જનતા પાસે નથી. એટલે જ ગુજરાત પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં સ્થાનિક પોલીસની અધ્યક્ષતામાં લોન મેળાનું આયોજન થશે. લોન મેળા થકી લોકોને માહિતી અને લોન બેય અપાશે.
ગાંધીનગરમાં પણ આ પ્રકારના લોનમેળાનું આયોજન કરાયું છે. ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસવડા વડા તરૂણ દુગ્ગલની જિલ્લા પોલીસ દ્વારા આગામી તા.૧૪ મી ફ્રેબુઆરીના રોજ સવારે ૯થી ૫ કલાક સુધી લોન મેળાનું આયોજન સેકટર- ૨૭ ડીએસપી કચેરી ખાતે કરવામાં આવ્યું છે.
પોલીસ તંત્ર દ્વારા તમામ સહકારી અને ખાનગી બેંકો સાથે મળી લોનમેળાનું આયોજન કરાયું છે. જે નાગરીકને લોનની જરુરિયાત હશે તેને પ્રધાનમંત્રી સ્વનિધી યોજના, બાજપાઈ બેંક યોજના, વડાપ્રધાન રોજગાર નિર્માણ, પર્સનલ લોન યોજના, માનવ કલ્યાણ યોજના, ઔધોગીક સહકારી મંડળી જયોતિગ્રામોધોગ વિકાસ યોજના જેવી અલગ - અલગ યોજનાઓ હેઠળ લોન આપવામાં આવશે.