ગાંધીનગર: જો તમે આધારકાર્ડ અને પાન કાર્ડ લિંકના કરાવ્યું હોય તો 31 માર્ચ પહેલા પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી લેજો. અત્યારે આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી 1000ના વિલંબ શુલ્ક સાથે સરળતાથી લિંક થાય છે. 31 માર્ચ પછી જેણે લિંક નહીં કર્યું હોય તેમનો પાનનંબર કેન્સલ થઇ શકે છે. બીજી બાજુ, આ અંગે મુદ્દત વધારા અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.
મુદ્દત વધારવા બાબતે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી
છેલ્લા ઘણાં દિવસથી સોશિયલ મીડિયા પર 31મી માર્ચ 2023 પહેલાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે તે પ્રકારના મેસેજ ફરી રહ્યા છે, તો બીજી તરફ આ બાબત ફેક મેસેજ હોવાના અથવા કેન્દ્ર સરકાર દ્વારા તેની મુદ્દત વધુ એક વર્ષ માટે લંબાવાઈ હોવાના પણ મેસેજ જોવા મળી રહ્યા છે. જેના કારણે અનેક નાગરિકો અવઢવમાં મુકાયેલા છે. હકીકતમાં વર્ષ 2017માં કેન્દ્ર સરકારે સર્ક્યુલર 7/2022 દ્વારા ભારતના નાગરિકોએ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય હોવાનું જાહેર કર્યું હતું. હાલ 31મી માર્ચ 2023 પહેલાં 1000ના વિલંબ શુલ્ક સાથે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા જાહેરાત કરેલી છે. પરંતુ તે અંગેની મુદ્દત વધારવા બાબતે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
સીએ પરસોત્તમ ખંડેલવાલના જણાવ્યા અનુસાર, www.incometax.gov.in વેબસાઈટ પર ઈ-પોર્ટલમાં આપેલા ટેબ લિંક આધાર પર ક્લિક કરીને વ્યક્તિએ પોતાનો પાન નંબર અને આધાર નંબર એન્ટર કરવાનો હોય છે. ત્યાર બાદ "ઈ-પે ટેક્સ"માં જઈને આધાર કાર્ડ પાનકાર્ડ કન્ફર્મ કર્યા બાદ મોબાઈલ ઓટીપી દાખલ કરીને ITNH280 ચલણ સિલેક્ટ કરીને માઇનર હેડમાં "અધર રિસીપ્ટ"માં 500 નંબરનો વિકલ્પ તેમજ મેજર હેડમાં 21 નંબરનો વિકલ્પ ઇકમટેક્સ "અધર ધેન કંપની" સિલેક્ટ કરીને ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, નેટબેસ્ટિંગ જેવા વિવિધ વિકલ્પો પૈકી કોઈપણ ઓપ્શન પસંદ કરી વિલંબ શુલ્કનું પેમેન્ટ કરવાનું હોય છે. આ પછી પેમેન્ટની જે રિસીપ્ટ બને તેની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની રહે છે. આ પછી એ પોર્ટલમાં વેલિડેટ કરીને પાનકાર્ડ અને આધાર કાર્ડને લિંક કરી શકાય છે.
પાન-આધાર લિંક નહીં થાય તો શું થશે?
જો 31મી માર્ચ 2023 પહેલાં પાન-કાર્ડ લિંક નહીં થાય તો શક્ય છે કે સરકાર દ્વારા પાનકાર્ડના નિયમ નંબર 114AAA અંતર્ગત પાન નંબરને બંધ કરી દેશે. જેના કારણે પાન નંબર ઇનઓપરેટિવ થઇ જશે અને તેની કોઈ લિગલ વેલિડિટી રહેશે નહીં. પાન નંબર ધારક તેનો પાન નંબર ક્યાંય આપી શકશે નહીં. તેમજ તે પાન નંબરથી તે પોતાનું આવકવેરા રિટર્ન પણ ભરી શકશે નહીં કે બાકી રીફંડ પણ મેળવી શકશે નહીં. વળી, બેંક કે ડિમેટ એકાઉન્ટ વગેરેમાં તેનું કેવાયસી કરેલું હશે તે પણ કેન્સલ થઇને નોન-કેવાયસી સ્ટેટ્સ થઇ જશે.