IPS હસમુખ પટેલે મીડિયા સાથેની વાચચીતમાં જણાવ્યુ કે, 'રાજ્ય સરકારની પ્રાથમિકતા હવે આવી ઘટનામાં ભવિષ્યમાં ન બને તે માટેની તમામ તૈયારીઓ અમે કરી રહ્યા છે.'
ગાંધીનગર: સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તેમણે આજે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનાને તેમણે કમનસીબ ગણાવી હતી. જોકે, તેમણે સ્વચ્છ અને વહેલી તકે પરીક્ષા લેવાય તેવું પણ જણાવ્યુ છે.
IPS હસમુખ પટેલે મીડિયા સાથેની વાચચીતમાં જણાવ્યુ કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા હવે આવી ઘટનામાં ભવિષ્યમાં ન બને તે માટેની તમામ તૈયારીઓ અમે કરી રહ્યા છે. આપણે બંને પ્રકારની કાળજી રાખવાની છે કે, પેપર લીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ગડબડી ન થાય તે માટેની કાળજી રાખવાની છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, બોર્ડની પરીક્ષા બાદ એપ્રિલ મહિનામાં અમારી પરીક્ષા લેવાની તૈયારી છે. પરંતુ હજી આ ચોક્કસ નથી. કારણ કે અમારે સ્વચ્છ પરીક્ષા લેવાની તૈયારી કરવાની છે. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવામાં આવશે.
આપને જણાવીએ કે, આઇપીએસ હસમુખ પટેલ અનેક બોર્ડના ચેરમેન છે. તાજેતરની LRDની પરીક્ષા તેમના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ. જેને કારણે પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી.
આ પહેલા પણ સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાવાની છે. આ સાથે પરીક્ષાના પેપર લીકની ઘટનાઓ રોકવા આગામી સમયમાં કાયદો પણ બનવાનો છે. બજેટ સત્રમાં આ કાયદા અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
નોંધનીય છે કે, 30મીએ 11 વાગ્યે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પરીક્ષા યોજાય તે પહેલા જ પેપર લઈને વડોદરામાં બેઠેલા ગઠીયાઓને ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડીને પકડી પાડ્યા હતા. આ પછી આ પેપર ફોડની ઘટનાના તાર ગુજરાત બહાર જોડાયેલા હોવાની વિગતો મળી હતી. જેના આધારે તપાસ કરીને જીતને તેલંગાણામાંથી દબોચી લેવામાં આવ્યો હતો.