Home /News /gandhinagar /જ્યારે ચૂંટણી વચ્ચે બધું છોડી હીરાબાને મળવા અચાનક ઘરે દોડી ગયા હતા પીએમ મોદી
જ્યારે ચૂંટણી વચ્ચે બધું છોડી હીરાબાને મળવા અચાનક ઘરે દોડી ગયા હતા પીએમ મોદી
વડાપ્રધાન મોદી અને હીરાબા વચ્ચેની છેલ્લી મુલાકાત.
PM Narendra Modi And Hiraben: વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું આજે અમદાવાદમાં દેહાવસાન થયું છે. આજથી 25 દિવસ પહેલા પીએમ મોદી 4 ડિસેમ્બરના રોજ કમલમમાં તમામ નેતાઓ અને પક્ષના કાર્યકર્તાઓને રાહ જોવડાવતા મૂકીને અચાનક જ પોતાના માતાને મળવા માટે દોડી ગયા હતા.
અમદાવાદઃ આજે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં પીએમ મોદીના માતા હીરા બાનું દેહાવસાન થયું છે. આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેઓને નાદુરસ્ત તબિયતના કારણે 28 ડિસેમ્બર 2022ના રોજ આમદવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
આજથી 26 દિવસ પહેલાનો એ દિવસ એટલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું ઘમાસાણ બોલી રહ્યું હતું. ચૂંટણીના રણમાં કતલની રાત પહેલા 4 ડિસેમ્બરના દિવસે જ દેશના વડાપ્રધાન મોદી પોતાની નાગરિક ફરજ પૂર્ણ કરવા માટે ગુજરાત આવી ચૂક્યા હતા. એક તરફ ગુજરાતના ભાજપના દિગ્ગજોથી લઈને હજારો કાર્યર્તાઓ કમલમ પર તેમની રાહ જોઈ રહ્યા હતા અને માતૃપ્રેમમાં મગ્ન પીએમ મોદી અચાનક જ બધુ છોડીને હીરા બાને મળવા માટે તેમના ઘરે પહોંચી ગયા હતા. પીએમ મોદી અને તેમના માતા હીરા બા વચ્ચેનો સંબંધ ખૂબ જ અનેરો હતો.
પીએમ મોદી હંમેશા પોતાનો માતૃ પ્રેમ દર્શાવવાની એક પણ તક ચૂકતા નહીં. જ્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ હીરા બાને મળવા માટે તેમના નિવાસસ્થાને દોડી જતા હતા. 4 ડિસેમ્બર જ નહીં એવા અનેક બનાવો છે જ્યારે પીએમ મોદી અચાનક જ પોતાના માતા હીરા બાને મળવા માટે દોડી ગયા હોય.
ગત 18 જૂન 2022ના રોજ હીરા બાએ 100 વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે પીએમ મોદીએ એક બ્લોગ લખ્યો હતો અને પોતાના માતા સાથેના વાત્સલ્યપૂર્ણ સંબંધો અને તેમના જીવન ઘડતરમાં હીરાબાના અમૂલ્ય ફાળાને વર્ણવ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, 'મા કે માતા – શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે.'
તેમણે આગળ લખતા કહ્યું હતું કે, 'માતા તેના બાળકને જન્મ આપવાની સાથે તેમની પ્રથમ ગુરુ પણ છે. માતા બાળકના માનસનું, તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને તેને આત્મવિશ્વાસ આપે છે. આ પ્રક્રિયામાં માતા પોતાની અંગત જરૂરિયાતો અને આકાંક્ષાઓનો નિઃસ્વાર્થપણે ત્યાગ કરે છે.'
તેમણે પોતાના આ બ્લોગમાં પોતાના માતાના જીવનના સંઘર્ષનું વર્ણન કરતાં છેલ્લે તમામ ભારતીય નારી શક્તિની વિરાટતાને નમન કર્યા હતા અને લખ્યું હતું કે, 'મારા માતાના જીવનમાં હું ધૈર્ય, ત્યાગ અને ભારતની માતૃશક્તિના પ્રદાનને જોઉં છું. જ્યારે હું મારી માતા અને તેમના જેવી કરોડો મહિલાઓ પર નજર કરું છું, ત્યારે મને જણાય છે કે, ભારતીય નારીઓ માટે કશું અશક્ય નથી.'