Home /News /gandhinagar /હાર્દિક પટેલ 2 જૂને બીજેપીમાં જોડાશે; નીતિન પટેલે કહ્યુ, 'મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી'

હાર્દિક પટેલ 2 જૂને બીજેપીમાં જોડાશે; નીતિન પટેલે કહ્યુ, 'મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી'

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

Hardik to join BJP: કૉંગ્રેસના પૂર્વ કાર્યકાર પ્રમુખ હાર્દિક પટેલે 17મી મેના રોજ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. હાર્દિકે પોતાના રાજીનામા પત્રમાં કૉંગ્રેસ પાર્ટી અને તેના શીર્ષ નેતૃત્વ તેમજ પ્રાદેશિક નેતૃત્વ પર ગંભીર આક્ષેપ કર્યાં હતા.

વધુ જુઓ ...
ગાંધીનગર: હાર્દિક પટેલ (Hardik Patel) આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. આગામી બીજી જૂનના રોજ હાર્દિક પટેલ બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam) ખાતે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C R Patil)ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાર્દિકના બીજેપી પ્રવેશ વખતે કોઈ કેન્દ્રીય મંત્રી હાજર રહે તેવી શક્યતા નહિવત છે. જોકે, સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે કેન્દ્રમાંથી કોઈ મંત્રી હાજર રહી શકે છે. આ ઉપરાંત સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) કમલમ ખાતે હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે હાર્દિકને બીજેપીમાં જોડવા માટે બીજેપીના હાઇ કમાન્ડે પહેલા જ લીલીઝંડી આપી દીધી હતી. હવે હાર્દિક બીજી જૂને પાર્ટીમાં જોડાશે તે વાત સામે આવી છે.

મારી પાસે સત્તાવાર માહિતી નથી: નીતિન પટેલ


હાર્દિક પટેલ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા મગનું નામ મરી પાડ્યું ન હતું. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, "આ મામલે મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી પરંતુ સમાજ સેવા અને દેશ સેવા કરવા માંગતા તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે."

હાર્દિકે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજનો દુરુપયોગ કર્યો: લાલજી પટેલ


હાર્દિક પટેલના બીજેપીમાં જોડાવવા મામલે એસપીજીના લાલજી પટેલે નિવેદન આપ્યું છે કે, હાર્દિક પટેલે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજનો ઉપયોગ કર્યો છે. હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયો ત્યારે પણ લોકોમાં રોષ હતો. બીજેપીમાં જોડાશે ત્યારે પણ રોષ જોવા મળશે. હાર્દિકે ભૂતકાળમાં મંચ પરથી એવા નિવેદનો કર્યાં છે કે તે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી. હજુ પાટીદાર સમાજના બે મુદ્દા પડતર છે. 14 શહીદ યુવાનોને ન્યાય નથી મળ્યો. આમ છતાં હાર્દિક વ્યક્તિગત સ્વાર્થ માટે ભાજપમાં જોડાઈ રહ્યો છે."

આ પણ વાંચો: હાર્દિકનો સ્ફોટક પત્ર: 'કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાતીઓ પ્રત્યે નફરત'

હાર્દિકનું કૉંગ્રેસમાંથી રાજીનામું


હાર્દિક પટેલે 17મી મેના રોજ કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. હાર્દિકે રાજીનામું ધરતાની સાથે સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને કૉંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યાં હતા. હાર્દિક પટેલે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત છે. સાથે જ હાર્દિક પટેલે ગુજરાત કૉંગ્રેસના મોટા નેતાઓને પણ આડેહાથ લીધા હતા. હાર્દિકે પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાત કૉંગ્રેસના મોટા નેતાઓ પોતાના સ્વાર્થ માટે વેચાયા છે. એક પ્રસંગે હાર્દિકે એવું પણ લખ્યું હતું કે પ્રદેશ નેતાઓને લોકોના પ્રશ્નો કે ગુજરાતની કોઈ ચિંતા નથી પરંતુ દિલ્હીથી આવતા લોકને ચિકન સેન્ડવિચ મળી કે નહીં તે જોવામાં તેઓ વ્યસ્ત રહે છે.
હાર્દિક પટેલને શુભેચ્છા: અલ્પેશ કથિરિયા


હાર્દિકના બીજેપીમાં જોડવવાના સમાચાર પર પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, "હાર્દિક કૉંગ્રેસમાંથી મુક્ત થયા ત્યારબાદ ઘણી ચર્ચાઓ હતી. નવા પક્ષ, નવી ઈનિંગ અને નવા પડકારો માટે હાર્દિક પટેલને શુભેચ્છા. હાર્દિક પટેલ સાથે મારી કોઈ વાતચીત નથી થઈ. મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે. પહેલા હાર્દિક અને બીજેપી સામ સામે હતા, હવે સાથે સાથે હશે તે અંગે બીજેપી અને હાર્દિકે વિચારવાનું છે."
First published:

Tags: C.R Patil, Hardik Patel Patidar, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ