ગાંધીનગર: આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. તો બીજી તરફ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) મુજબ આગામી ૩ થી ૨૧મી એપ્રિલ દરમિયાન ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓની આ પરીક્ષાનો કાર્યક્રમ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલોનું ટાઈમટેબલ પણ એક સમાન રહેશે. તમામ શાળામાં એક સાથે પરીક્ષા લેવાનું આયોજન હોવાથી તંત્ર કવાયતમાં લાગ્યું છે. ધોરણ ૫ અને ૮ સિવાયના વિધાર્થીઓને નપાસ નહીં કરાય. ધોરણ ૩થી ૪ના વિદ્યાર્થીઓને પ્રશ્ન પત્રમાં જ જવાબો લખવાના રહેશે. જ્યારે ધોરણ ૫થી ૮ના વિદ્યાર્થીઓને અલગ ઉત્તરવહીમાં જવાબો લખવાના રહેશે.
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ ૩થી ૮ની પરીક્ષામાં ધોરણ ૫ અને ૮માં ઈ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને બે માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ કર્યા બાદ શાળા કક્ષાએ પુનઃકસોટી યોજવાની રહેશે. વિદ્યાર્થીઓ આ કસોટીમાં ગ્રેડમાં વધારો કરી આગલા ધોરણમાં જઈ શકશે. જ્યારે આ ધો.૫ અને ૮ સિવાયના કોઈ પણ વિદ્યાર્થીને આગલા ધોરણમાં જતા રોકી શકાશે નહીં. આમ ધોરણ ૫ અને ૮માં નાપાસ વિદ્યાર્થીઓએ ફરી એ જ ધોરણમાં અભ્યાસ કરવો પડશે.
નોંધનીય છે કે, બીજી તરફ રાજ્યભરમાં આગામી ૧૪મી માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ખાસ વાત એ રહેશે કે, ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓની આ વાર્ષિક પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રશ્ન પત્ર તૈયાર કરવામાં આવશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની સમાન સમયપત્રકના આધારે નિયમ મુજબ પેપર તૈયાર કરાશે.