ગાંધીનગર : કોરોના વાયરસનાં (Coronavirus) વધતા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે મહત્તવના સમાચાર આવ્યાં છે. ગુજરાત સરકાર (Gujarat Government) ના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ (Gujarat School) શરૂ (reopen) કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.
આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં શાળા ખોલવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, દિવાળી સુધી રાજ્યની શાળાઓ ખુલશે નહીં. દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિને જોઇને જ શાળા શરૂ કરવા સરકાર વિચારણા કરાશે.
ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી થશે
આ સાથે રાજ્યનાં યુવાનો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ફાજલ શિક્ષકને કાયમી રક્ષણનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
અભ્યાસક્રમ ઘટાડવા અંગે હજી નિર્ણય નથી લેવાયો
આ બેઠકમાં અભ્યાસક્રમ અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ આ અંગે આગામી બેઠકમાં વિચાર કરીને નિર્ણય લેવામાં આવશે. સંઘના જણાવ્યા પ્રમાણે, બાળકોનો અભ્યાસક્રમ સેન્ટ્રલ બોર્ડ કરતા પણ વધારે ઘટાડવાની દરખાસ્ત મૂકી છે. પરંતુ આ અંગે પ્રથમ કે દ્રીતિય ટર્મનો સિલેબસ ઘટાડવો તે અંગે પણ હજી સ્પષ્ટતા નથી.
નોંધનીય છે કે, આ પહેલા રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાના કેસ નોંધતા ગુજરાતની તમામ શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ વેકેશન લંબાવવામાં આવ્યું હતું. બોર્ડ સિવાયનાં તમામ ધોરણોનાં બાળકોને આગળનાં ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આમ લગભગ 6 મહિનાથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે બંધ છે પરંતુ ઓનલાઇન ભણતર ચાલુ છે.