ગાંધીનગર : સમગ્ર રાજ્યની (Gujarat Praveshotsav) વિવિધ શાળાઓમા તારીખ 23,24,25 જૂન દરમિયાન પ્રવેશોત્સવની ઉજવણી થઇ. જેને લઇને સચિવાલયમાં (Sachivalaya) વેકેશનનો માહોલ જોવા મળ્યો. શાળા પ્રવેશોત્સવમાં 89 આઇએએસ, 24 આઇપીએસ, 15 આઇએફએસ, 214 જેટલા સચિવાલયના કર્મચારીઓ 14 જેટલા વિવિધ વિભાગના એચઓડી મળીને ટોટલ 356 અધિકારીઓએ ભાગ લીધો.
પ્રવેશોત્સમાં લગભગ તમામ સિનિયર અધિકારીઓ શામેલ થયા હતા. જ્યારે એક સમયના હાયર એજ્યુકેશનના સેક્રેટેરી અંજુ શર્મા 6 અધિકારીઓની ટીમ સાથે જર્મનીના પ્રવાસે ઉપડયા હતા. “સ્ટડી કમ એક્સપોઝર મિશન”માં ભાગ લેવા મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માની આગેવાની હેઠળ હાલ 6 વરિષ્ઠ અધિકારીઓની ટીમ જર્મનીમાં છે. આ મિશન જર્મનીમાં ટ્રેનરની તાલીમ, આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર અને અન્ય એક્સચેન્જો માટે પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ સાથે તેઓ જોડાણો વિકસાવશે.
રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી DJ પાંડિયનને “ગિફ્ટ” મળી
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ ડો. ડી.જે. પાંડિયનની ગિફ્ટ સિટીમાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (એનડીબી) ના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. આ બેન્ક બ્રિક્સ દેશોની શાંઘાઇમાં મુખ્ય મથક ધરાવતી બેન્ક છે. આ બેન્કની શાખા ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં સ્થાપવામાં આવી રહી છે અને તેના વડા તરીકે ગુજરાતના નિવૃત્ત આઇએએસ અધિકારીની પસંદગી કરવામાં આવી છે. ડીજે પાંડિયને અગાઉ બૈજિંગ સ્થિત એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે સેવા આપી હતી. આ બેન્કમાં ચીન પછી ભારત બીજા નંબરનો સૌથી મોટો શેરધારક દેશ છે. પાંડિયનનું હેડક્વાર્ટર ગિફ્ટ સિટી રહેશે.
ગુજરાતના ગામડાને સ્માર્ટ લૂક આપવા માટે 2016માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જાહેર કરેલી યોજના છ વર્ષ પછી પણ ફળદાયી બની શકી નથી. તે સમયે ગુજરાતના આઇએએસ અધિકારીઓએ ગામડાને સ્માર્ટ બનાવવાના કામમાં પ્લાન, નકશા અને ગાઇડલાઇન બહાર પાડી હતી. પરંતુ છેલ્લી બે સરકાર એટલે કે, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના સમયમાં સ્માર્ટ વિલેજની સ્કીમ વિસરાઇ ચૂકી છે.
અધિકારીઓએ બનાવેલા સ્માર્ટ વિલેજના માપદંડ પર કોઇ ગામ ખરૂં ઉતર્યું નથી. 100% રસીકરણ, એક પણ બાળક કુપોષિત હોવું જોઇએ નહીં, 100% જન્મ- મરણ નોંધણી, 100% સંસ્થાકીય પ્રસૂતિ, સગર્ભાઓનું 100% રસીકરણ, ધોરણ-8 સુધી 100% નામાંકન, મિશન વિદ્યામાં 75%થી વધારે પરિણામ અને તમામ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં આવરી લેવા જેવા માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા, અને તેના અનુસાર 40 લાખથી 1 કરોડ સુધીનો પુરસ્કાર આપવાનો હતો.
આ યોજના હેઠળ પાછલા 6 વર્ષમાં એક પણ ગામ સ્માર્ટ બની શક્યું નથી. આ યોજના હેઠળ નક્કી કરેલા પુરસ્કાર માટે સરકાર દર વર્ષે બજેટમાં જોગવાઇ પણ કરે છે પરંતુ આ ગ્રાન્ટ લેપ્સ જઇ રહી છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે, અધિકારીઓ દ્વારા સ્માર્ટ વિલેજના પસંદગીના ધોરણો ખુબ ઉંચા રખાયા હતા અને તેમાં વારંવાર ફેરફારો પણ કરવામાં આવ્યા હતા જેના કારણે પંચાયતો લક્ષ્યાંક પાર પાડી શકતી નથી.
નવા માપદંડમાં પણ પુરસ્કારની રકમ એક કરોડથી ઘટાડીને માત્ર 5 લાખ કરી દેવામાં આવી છે. છેલ્લા ફેરફાર પ્રમાણે ગામ વાટીકા- ગાર્ડન, ફરજિયાત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, દરેક ઘરમાં પાણીનું નળ કનેક્શન, પંચાયત વેરા વસૂલાત, રસ્તા ઉપર ઉકરડા ન હોય, નિયમિત સફાઇ, સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર, ગ્રામ પંચાયત કચેરી પર સોલાર રૂફટોપ, ઓપન ડેફિકેશન ફ્રી વિલેજ, લાઇટ બિલ ભરવાની નિયમિતતા, ગામમાં ગટર, ગામતળના પાકા રસ્તા આ તમામ નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.