ગાંધીનગર: હવામાન વિભાગ (Gujarat meteorological department)ના કહેવા પ્રમાણે મંગળવાર સુધી સુરત સુધી ચોમાસું (Gujarat Monsoon 2022) પહોંચી ગયું છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટા-છવાયા સામાન્ય વરસાદની આગાહી (Gujarat rain forecast) કરવામાં આવી છે. બુધવારે સવારે છ વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 28 તાલુકામાં વરસાદ (Gujarat rain) નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ત્રણ તાલુકામાં એક ઇંચ કે તેનાથી વધારે વરસાદ (Gujarat rainfall) પડ્યો છે.
ક્યાં કેટલો વરસાદ પડ્યો
તાલુકો
વરસાદ (M.M.)
ખંભાળિયા
67
કાલાવડ
58
મુળી
24
પડધરી
23
રાજકોટ
18
વેરાવળ
11
સાયલા
11
કોડીનાર
10
ધંધુકા
10
બુધવારે ક્યાં ક્યાં વરસાદ પડ્યો?
આજે બુધવારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વરસાદ વરસ્યો છે. સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન જૂનાગઢના માંગરોળમાં 31 એમ.એમ., ગીર-સોમનાથના વેરાવળમાં 20 એમ.એમ. અને કોડિનારમાં 8 એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર તરફથી જાહેર ડેટા પ્રમાણે બુધવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન રાજ્યના નવ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
પાટણ
બુધવારે સવારે પાટણના સિદ્ધપુરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટાથી માર્ગો પર પાણી ભરાયા હતા. એક દિવસના વિરામ બાદ સિદ્ધપુરમાં ફરીથી વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
માંગરોળમાં વરસાદ
રાજકોટ
રાજકોટ શહેરમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પગલે ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાંચ જેટલા ડેમોમાં નવા નીરની આવક થઈ છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ન્યારી-2, આજી-3 સહિતના ડેમોમાં એકથી સવા ફૂટ નવા નીર આવ્યા છે. ખેડૂતોને વાવણી લાયક વરસાદની સાથે સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક થતાં હર્ષની લાગણી ફેલાઈ છે.
જૂનાગઢ
જૂનાગઢના માંગરોળ પંથક તેમજ આસપાસના વિસ્તારોમાં આજે સવાર ગાજવીજ સાથે મેઘ સવારી આવી પહોંચી છે. વહેલી સવારથી મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. બીજી તરફ માંગરોળ પંથકના ગોરેજ સહીતના અમુક ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. પ્રથમ વરસાદમાં જ વીજળી ગુલ થતાં લોકો અકળાયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર