ગાંધીનગર: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત (Gujarat monsoon 2022) થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆત પહેલા પ્રી-મોન્સૂન દરમિયાન તેમજ ચોસામા દરમિયાન વીજળી (Lightning) પડવાના અનેક બનાવો બનતા હોય છે. તાજેતરમાં વીજળી પડવાને કારણે જીવ ગુમાવવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. સમગ્ર રાજયમાં વીજળી પડવાને કારણે માનવ-પશુઓ મૃત્યુના બનાવો બન્યા છે. આથી આકાશી વીજળીથી સુરક્ષિત રહેવા (How to be safe from lightning) માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતેથી લોકોને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.
ઘરની અંદર હોવ ત્યારે શું કરવું?
• વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું
• તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો
• બારી-બારણા અને છતથી દૂર રહેવું
• વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દૂર રહેવું
• ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો,વોશબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું
આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો
• ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંઘવાનું ટાળવું.
• આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું.
• જો તમારા માથાના વાળ ઊભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું. જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.
વીજળી/ઈલેક્ટ્રિકથી શોક લાગ્યા પછી
• લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા.
• મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.
• કરંટ લાગનાર વ્યકિત દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું.
• આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગ્યો હોય તે વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.
• વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો.
• ઈલેક્ટ્રિક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીગ રાખો.
• વણવપરાતા પ્લગ પ્લાસ્ટિક કવરથી ઢાંકી દેવા.
• ઈલેક્ટ્રિકના ઉપકરણો પાણીની લાઈના તથા ભેજથી દૂર રાખવા.