ગાંધીનગર: ગઈકાલે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સાગમટે 109 સનદી અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ બદલીઓના પગલે આગામી દિવસોમાં વધુ એક મહત્વના ફેરફારની તૈયારી સચિવાલય કક્ષાએ ચાલી રહી છે. જેમાં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ તેમજ આઇપીએસ અધિકારીઓની બદલી ટૂંક સમયમાં જ થશે. કાલે થયેલી બદલીના પરિણામે મોટાપાયે વહીવટી તંત્રમાં ફેરફાર થયો છે.
સૌરાષ્ટ્રમાં કોને-ક્યાં મૂકવામાં આવ્યા?
સૌરાષ્ટ્રની વાત કરીએ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે આનંદ પટેલ, જે અગાઉ કલેક્ટર બનાસકાંઠા હતા, તેમને મૂકવામાં આવ્યા છે. જામનગર કલેકટર તરીકે બોટાદના પૂર્વ કલેકટર બીજલ શાહની નિમણૂક કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં પોરબંદરના કલેક્ટર એ. એમ. શર્માને મૂકવામાં આવ્યા છે. કેડી લાખાણી જે ડીડીઓ મહીસાગર હતા, તેમને કલેકટર પોરબંદર તરીકે મૂકવામાં આવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને કચ્છ કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. ડી. ડી. જાડેજા અધિક વિકાસ કમિશનરને ડીડીઓ મોરબી તરીકે મૂકવામાં આવ્યા છે. એસ કે પ્રજાપતિ મિશન ડાયરેક્ટર સ્વચ્છ ભારત મિશનને ડીડીઓ કચ્છ તરીકે મૂકવામાં આવ્યા છે. રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુને એમડી યુજીવીસીએલ તરીકે મૂકવામાં આવ્યા છે. રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારને કલેક્ટર પંચમહાલ તરીકે મૂકવામાં આવ્યા છે. કલેક્ટર જૂનાગઢ રચિત રાજને ડાયરેક્ટ અનુસૂચિત જાતિ કલ્યાણ તરીકે મૂકવામાં આવ્યા છે. પ્રભવ જોશી જેમને યુજીવીસીએલ હતા, તેમને કલેક્ટર રાજકોટ તરીકે મૂકવામાં આવ્યા છે.
ઉપરાંત સચિવાલય કક્ષાએ મહત્વના બદલાવ આવ્યા છે. જેમાં અધિક મુખ્ય સચિવ કક્ષાના છ જેટલા અધિકારીઓ બદલાયા છે. તેમાં ખાસ મહત્વનું ફેરફાર એ થયો છે કે, 1988ની બેચના મુકેશ પુરી અને કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ પદ પરથી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. જેમને રાજ્યની ખૂબ જ મહત્વની જવાબદારી સોંપાઇ છે. સાથે-સાથે મુકેશ પુરીના સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તરીકેની વધારાની જવાબદારી પણ સુપ્રત કરવામાં આવી છે. અગાઉ આ હવાલો નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે પી ગુપ્તા પાસે હતો, તેમાંથી જેપી ગુપ્તાને મુક્ત કરાયા છે.
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ નિયુક્ત કરાયા છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીને તેમની જગ્યાએ ચાલુ રાખીને તેમને સામાન્ય વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે વધારાનો હવાલો શોપાયો છે. 1990ની બેચના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી, જે વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ હતા, તેમને એમડી વખાર નિગમ તરીકે ખસેડવામાં આવ્યા છે.
રમેશચંદ્ર મીના સ્પીપા અમદાવાદમાંથી અગ્રસચિવ પુરવઠા બદલી કરાય છે. મોહમ્મદ શાહિદ અગ્રસચિવ નાગરિક અન્ન પુરવઠાને ડાયરેક્ટર સ્પીપા તરીકે મુકવામાં આવ્યા છે. સંજીવ કુમારના વન અને પર્યાવરણમાં મૂકવામાં આવ્યા છે. રૂપવંત સિંઘ કમિશનર ખાણ ખનીજને એમડી જીએમડીસીનો હવાલો અપાયો છે. બછાં નિધિપાણી મ્યુનિસિપલ કમિશનર વડોદરા અને ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બનાવાયા છે. મનીષા ચંદ્રા સચિવ નાણાં એમને કમિશનર ગ્રામ વિકાસ બનાવાયા છે. હર્ષદકુમાર પટેલ કમિશનર રાહત અને કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક તરીકે બદલી કરવામાં આવી છે. આલોક પાંડે એમડી પ્રવાસન નિગમને કમિશનર રાહત તરીકે નિમણૂક આપવામાં આવે છે.
આ બદલીઓ બાદ મોટાપાયે ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસની બદલીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બીજી બાજુ, આઇપીએસનું લિસ્ટ પણ તૈયાર છે. ટૂંક સમયમાં ફરી એક મોટી બદલીનો દોર આવે તેવા સંકેત સચિવાલય વર્તુળમાંથી મળી રહ્યા છે.