Gujarat Paper Leak Bill: ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ રોકવા માટે આખરે સરકાર એક્શનમાં આવી છે. આગામી સમયમાં પેપર લીક જેવી ઘટનાઓ રોકવા માટે મજબૂત વિધેયક બનાવશે. વિધેયક બનાવવા માટે ગૃહ સહિતના મંત્રાલયો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવી શકે છે. જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને બનતી અટકાવી શકાય.
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના છાસવારે બનતી હોવાથી વિદ્યાર્થીઓ ભારે આક્રોશ છે. આવામાં સરકારે હવે ગેરરીતિ આચરનારાઓ સામે કડક પગલા ભરવા માટે વિધેયક બનાવવાનો નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં કોઈ આ પ્રકારનો પેપર ફોડવા જેવી ઘટના અંગે વિચાર ના કરે અને આવી ઘટનાઓને અટકાવી શકાય તેવી જોગવાઈઓ સાથે વિધેયક તૈયાર કરવામાં આવશે.
આ વિધેયકમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે દોષિત પરીક્ષાર્થીને 2 વર્ષ પરીક્ષાથી દૂર રાખવામાં આવશે. ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને 3 વર્ષની કેદની સજા કરવામાં આવશે. આ સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે.
આ વિધેયકમાં 3 વર્ષની કેદ 1 લાખનો દંડ
વ્યવસ્થાપક મંડળ કે સંસ્થા દ્વારા કરવામાં આવનારા ગુના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જાહેર પરીક્ષામાં કાવતરુ કરનારી વ્યક્તિ સામે કડક પગલા ભરવામાં આવશે. જે વ્યક્તિની પેપર લીક કરવાની ઘટનામાં સંડોવણી હશે તેને 5-10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવશે.
આ પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય અને તેઓ કાયદાનો દુરોપયોગ ના કરી શકે તે માટે બિનજામીનપાત્ર સજા થાય તેવી જોગવાઈઓ આ નવા વિધેયકમાં કરવામાં આવશે.
તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું
મહત્વનું છે કે તાજેતરમાં ગુજરાત પંચાયતની જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થતા ભારે હોબાળો થયો હતો. આ પરીક્ષામાં 1181 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર હતી પરંતુ વડોદરામાં પેપર લીક થવાની ઘટનામાં ATS દ્વારા છેલ્લી ઘડીએ મહત્વની કામગીરી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થનારા ચેડાને અટકાવ્યા હતા. પરંતુ પેપર લીકની ઘટના વિશે જાણીને લાખો વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું. લોકોએ સરકાર તથા પેપર છપાવવાની કામગીરી સંભાળવાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. નોંધનીય છે કે જુનિયર ક્લાર્કના પેપર લીકના તાર તેલંગાણા, બિહાર, ઓડિશા જેવા રાજ્યો સાથે સંકાળયેલા હોવાનું આરોપીઓ પકડાતા બહાર આવ્યું છે. આ કેસમાં 19 જેટલા આરોપીઓ પકડાયા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.