ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાના આદેશ અંગે જાહેરનામા માટે રાજ્ય સરકારને કહ્યું હતું. જે સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં હાઇ કોર્ટનો આદેશ પડકાર્યો છે. આ મામલે ગુજરાત સરકાર માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે કે, હાલ હાઇકોર્ટનાં આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે.
હાઇકોર્ટનાં નિર્ણય પર સુપ્રીમનો સ્ટે
હાઇકોર્ટનો ગુજરાત સરકારને નિર્દેશ હતો કે, જેઓ માસ્ક ન પહેરે તેમને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવા કરાવો, આ નિર્ણય પર હાલ સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. એટલે માસ્ક ન પહેરનારને કોવિડ સેન્ટરમાં સેવા કરાવવાના નિર્ણય પર વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી સ્ટે લાવી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં શું અપીલ કરી?
આ મામલે અર્જન્ટચાર્જમાં સુનવણી કરવા રાજ્ય સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારની અપીલ પ્રમાણે, કોવિડ સેન્ટરમાં કામગીરી સોંપવી એ ગંભીર બાબત છે. કોવિડ ટાસ્કમાં ટ્રેનિંગ વગર સામાન્ય વ્યક્તિને મોકલી ન શકાય. બેદરકાર પ્રજા જો માસ્ક ન પહેરતી હોય તો ડ્યુટી પર માસ્ક પહેરીને કામ કરાવવું અઘરું છે.
ગુજરાત હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે, લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5થી 6 કલાકની સામાજિક સેવા આપવા માટે જાહેરનામું બહાર પાડે અને તાત્કાલિક અમલ કરાવે.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે અગાઉ જ સરકારને માસ્ક વગર ફરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. દંડ વસુલવા ઉપરાંત તેમની પાસે કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવા માટે પણ વિકલ્પ અંગે વિચારવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે આ હાઈકોર્ટના આ અવલોકન બદલ એવો જવાબ રજૂ કર્યો હતો કે હાલમાં સરકાર કોવિડ સંક્રમણ નિવારવા માટે કામ કરી રહી છે અને તેઓ માસ્ક વગર ફરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવા માટે અસક્ષમ છે.
રાજ્ય સરકારના આવા વલણથી નારાજ ગુજરાત હાઈકોર્ટે બુધવારે સરકારને જાહેરનામું બહાર પાડીને માસ્ક વગર ફરતા લોકોને દંડ સાથે 5-6 કલાક કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સેવા કરાવવા આદેશ આપ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર