Home /News /gandhinagar /Power corridor : મંત્રીને મેલડી માતાની બાધા ફળી, પરિવાર ફરી એક થયો
Power corridor : મંત્રીને મેલડી માતાની બાધા ફળી, પરિવાર ફરી એક થયો
પાવર કોરિડોર (પ્રતીકાત્મત તસવીર)
Gandhinagar news: કહેવાય છે કે, મંત્રી નિવાસમાં આવેલા મેલડી માતાના મંદિરનુ ઘણું સત છે. અગાઉ પણ જે જે મંત્રી કે તેમના પરિવારોએ અહીંયા બાધા રાખી છે તે પરિપૂર્ણ થઇ છે.
મંત્રીને મેલડી માતાની બાધા ફળી, ભાંગેલો પરિવાર ફરી એક થયો
રાજ્યના મંત્રી મંડળ નિવાસમાં આવેલા મેલડી માનાં ભક્તોમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. વાત જાણે એમ છે કે, એક મંત્રીના પરિવારમાં ગૃહ ક્લેશને પગલે એક સભ્ય ઘર છોડીને ચાલ્યા ગયા હતા. એક તબક્કે મંત્રી પરિવારે એમ નક્કી કરેલુ કે હવે, તેમને પાછા બોલાવવા નહી. પરંતુ, અનુભવી મંત્રીને બાદમા એવુ લાગ્યુ કે, નાની ઉંમરમાં નાદાનિયત તો સૌ કોઇથી થાય પરંતુ ઘર ભાંગે એ ના પોસાય. એટલે તેમને મેલડી માતા સદબુધ્ધિ આપે અને પરિવાર ફરી થી વસે એ માટે મંત્રી શ્રી એ મંત્રી નિવાસ માંજ આવેલા મેલડી માતા મંદિર મા બાધા રાખી હતી. ને આખરે ગયેલા સભ્ય કંકુ પગલે પાછા પધારતા તેમની બાધા પરિપૂર્ણ થઇ છે..
કહેવાય છે કે, મંત્રી નિવાસમાં આવેલા મેલડી માતાના મંદિરનુ ઘણું સત છે. અગાઉ પણ જે જે મંત્રી કે તેમના પરિવારોએ અહીંયા બાધા રાખી છે તે પરિપૂર્ણ થઇ છે. આ મંત્રીની પણ માનતા ફળીભૂત થતા હવે મેલડી માતાના સતને લઇને નવુ મંત્રી મંડળને તેમના પરિવારો કે, જેઓ મંત્રી નિવાસમા વસે છે તેઓ ઘણાં પ્રભાવિત જણાયા છે.
એસીએસ હોમ રાજકુમાર જ હવે ઉદ્યોગ વિભાગના સર્વે સર્વા બની રહેશે
ભવિષ્યના ચીફ સેક્રેટેરી અને હાલના ગૃહ વિભાગના એસીએસ રાજકુમાર એક સંનિષ્ઠ અને પ્રામાણિક અધિકારીની છાપ ધરાવે છે. સ્વભાવે શાંત અને મૃદુભાષી આ અધિકારી રાજીવ ગુપ્તાની વય નિવૃત્તિ બાદ ઉદ્યોગ વિભાગનો પણ વધારાનો હવાલો સંભાળી રહ્યા છે.
આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકુમાર પાસેથી વધારાનો ચાર્જ લઇને ઉદ્યોગ વિભાગમા કાયમી એસીએસની નિમણુંક રાજ્ય સરકાર કરશે તેમ એક તબક્કે ચર્ચાતું હતું. આજ પોઝિશન માટે કેટલાક સિનિયર અધિકારીઓ લોબીંગ પણ કરી રહ્યા હતા. પરંતુ એ તમામ સિનિયર અધિકારીઓના સપના ચકનાચૂર થાય એવા સમાચાર એ છે કે, રાજ્ય સરકાર હાલ ઉદ્યોગ વિભાગમાં કોઇ ફેરબદલ કરવા માંગતી નથી.
ટોચના સૂત્રોનું માનીએ તો -રાજકુમાર ગૃહની સાથે સાથે ઉદ્યોગ પણ સંભાળશે અને નવી સરકાર ના ચૂંટાય ત્યાં સુધી સ્થિતિ જૈસે થેની કાયમ રહેશે.
ક્રીમ પોસ્ટીગની આશા રાખીને બેઠેલા આઇએએસની ઇચ્છાઓ પર ઠંડું પાણી રેડાશે
સ્વાભાવિક પણે જ મોટા ભાગના આઇએએસ અધિકારી પોતાને મહત્વપૂર્ણ જગ્યા પર જોવા ઇચ્છતા હોય છે. એટલે જ જ્યારે જ્યારે પણ બદલીઓની સંભાવના જણાય ત્યારે તેઓ લોબિંગમાં લાગી જતા હોય છે. આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને જ્યારે આઇએએસની બદલીઓ આવાની સંભાવના છે ત્યારે પણ આજ સ્થિતિ છે. કેટલાય સિનિયર આઇએએસ અધિકારીઓ મહત્વની જગ્યાની અપેક્ષાએ લોબિંગમાં લાગી ગયા છે.
પરંતુ ટોચના સૂત્રોનું માનીએ તો ચૂંટણીને અનુલક્ષીને બદલીનો ગંજીપો માત્ર ગ્રાઉન્ડ લેવલે જ ચિપાશે. એટલે કે, મોટા પાયે કલેક્ટરોને ડીડીઓની બદલીઓ આવશે. સાથે જ એક જગ્યા પર 3 વર્ષ પૂરા કરી ચૂકેલા અધિકારીઓની બદલીઓ આવશે. પરંતુ એથી ઉપર મહત્વના ખાતાઓમાં કે પછી સેક્રેટેરિયેટ લેવલે નવા કોઇ મોટા ફેરફારો આવાની સંભાવના નથી.
એટલુ ચિત્ર સ્પષ્ટ છે કે, ચૂંટણી લક્ષી જરુરિયાત વગરને કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અનુસાર એક જગ્યા પર ૩ વર્ષ પૂરા કરી ચૂકેલાને ચૂંટણી પ્રક્રિયા પર સીધી અસરકર્તા અધિકારી વગર, ગાંધીનગર સચિવાલયની અંદરની બ્યુરોક્સીમા કોઇ જ મોટા ફેરફાર નહી આવે. એટલે હાલ સાઇડ લાઇન થયેલા અથવા કોઇ મોટી જવાબદારીની અપેક્ષાએ રાહ જોઇને બેઠેલા - લોબિંગ કરી રહેલા સિનિયર આઇએએસ અધિકારીઓની ઇચ્છાઓ પર હવે ઠંડું પાણી રેડાશે.
આઇપીએસ બદલીઓ આવશે પરંતુ, કમિશ્નરો નહીં બદલાય
ગૃહ વિભાગમાં ફરીથી એક્સટેન્શન મેળવીને આવેલા એડીશનલ સેક્રેટેરી નિખિલ ભટ્ટ આજકાલ પોલીસ ટ્રાન્સફર ફાઇલોના પોટલા સાથે ગૃહમંત્રીના બંગલે અને ઓફિસે દોડા દોડ કરતા દેખાઇ રહ્યા છે. છેલ્લા અઠવાડિયે તેઓ જ્યારે ગૃહ મંત્રીને ત્યાં દેખાયા એ જ દિવસે સાંજે ડીવાયએસપી ટ્રાન્સફરો આવી.
સૂત્રોનું માનીએ તો, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બદલીના અલગ અલગ રાઉન્ડ આવશે. વિવિધ કેડરના પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ ઓફિસરો મળીને કુલ ૨૦૦થી ૨૨૫ જેટલી બદલીઓ આગામી બે મહિનામાં કટકે કટકે આવવાની સંભાવના છે. જોકે, જયાં સુધી મોટા શહેરોના પોલીસ કમિશ્નરોની વાત છે. ત્યાં સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં સ્થિતિ જેમ છે તેમ રાખવા સરકાર વિચારણા કરી રહી છે. આમ, આ જગ્યા પરના તમામ પોલીસ કમિશ્નરો યથાવત રહેશે.
કોઇ ગઠિયાએ ભાર્ગવી દવેનો ફોટો ડીપીમાં રાખી લોકોને મેસેજીસ કર્યા
રાજ્યના ગ્રામ પંચાયત વિભાગ હેઠળ આવતી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના એમડી - આઇએેએસ અધિકારી ભાર્ગવી દવે આજકાલ તેમનો ફોટો ડીપીમાં રાખીને લોકોને ફેક મેસેજ મોકલવાની ઘટનાથી ખાસ્સા પરેશાન છે.
વાત જાણે એમ છે કે, કોઇક ગઠિયો ભાર્ગવી દવેનો ફોટો ડીપીમાં રાખીને લોકોને ચિત્ર વિચિત્ર મેસેજીસ કરી રહ્યો છે. પોતાના ડીપી સાથેના ફેક મેસેજીસ લોકોને જતાં ભાર્ગવી દવેએ લાગતા વળગતા તમામને આ ફેક મેસેજથી ચેતવા જણાવ્યું છે. તેમજ સાયબર ક્રાઇમમાં પણ આ વિશે ફરિયાદ કરી છે. માત્ર ફાયનાન્શિયલ મેસેજ નહી કરીને આ ગઠિયો ચિત્ર વિચિત્ર અભદ્ર મેસેજ કરી રહ્યો છે. જેને લઇને આ મહિલા અધિકારી ખાસ્સા પરેશાનીમા આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે આવી જ ફેક મેઇલવાળી ઘટના વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ સાથે ઘટી હતી. તેઓએ પણ લોકોને પોતાના નામે આવતા ફેક મેઇલથી ચેતવા જણાવ્યું હતું .
અમદાવાદના એક જૈન અગ્રણી બિલ્ડર ગ્રુપના સીએમડીના આકસ્મિક નિધનથી કેટલાય આઇપીએસ આઇએએસના બ્લડ પ્રેશર વધી ગયા છે. કેટલાકને તો હાર્ટ એટેક આવતા-આવતા રહી ગયો છે. આ સ્વર્ગસ્થ બિલ્ડર અમદાવાદના એક જાણીતા મોલના માલિક હતા. એટલુંજ નહી, અમદાવાદ પાસેના શહેરમાં પીપીપી ધોરણે તેઓ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ ઉભી કરી રહ્યા હતા. ૪૭ વર્ષ જેવી નાનકડી વયે ડેન્ગયુ જેવા તાવમાં નિધન થવાથી તેમના પરિવાર સહિત કેટલાય આઇપીએેસ - આઇએએસ આધાતમાં સરી પડયા છે.
કોવિડ પહેલાં આ બિલ્ડરની નિયમિત વિેઝીટ સચિવાલયમાં રહેતી હતી. કોઇને કોઇ મંત્રી કે અધિકારીની ચેમ્બરમાં આ બિલ્ડર જોવા મળી જ જાય. દિગ્ગજોને ત્યાં આ બિલ્ડરની હાજરીએ નવાઇની વાત નહોતી. પરંતુ કોવિડ બાદ તેઓએ સચિવાલયમાં આગમન લિમિટેડ કરી દીધુ હતું. મનાઇ રહ્યું છે કે, આ બિલ્ડર તેમના સંપર્કો થકી કંઇ કેટલાય આઇએએસ અને ખાસ કરીને આઇપીએસના કાળા નાંણાંનો વહીવટ કરતા હોવાનું ચર્ચાતું હતું. કંઇ કેટલાય અધિકારીઓના પૈસા આ બિલ્ડરની જમીનમાં રોકાયેલા હતા. પરંતુ માત્ર ૪૭ વર્ષની વયે અકાળે અવસાનથી હવે એ તમામને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે .હાલ કંઇ કેટલાય અધિકારીઓ આ બિલ્ડરના નિધનથી સદમામાં આવી ગયા છે.
પાયલ રોહતગી અને સંગ્રામસિંહના મેરેજ રિસેપ્શનમાં નેતાઓથી લઇને અધિકારીઓનો જમાવડો
બિગ બોસ ફેઇમ અભિનેત્રી પાયલ રોહતગી અને રેસલર સંગ્રામ સિંહ વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ફાઇનલી લગ્ન ગ્રંથિએ જોડાયા છે. તેઓએ લગ્નના રિસેપ્શન દિલ્હી, મુંબઇ, અમદાવાદ જેવા શહેરોમાં યોજ્યા હતા. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી પ્રાઇડ હોટેલ ખાતે ગત સપ્તાહે આ જોડીનું રિસેપ્શન યોજાયુ હતું. જેમા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવી સહિત જીએસટી, કસ્ટમ અને ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓનો જમાવડો હતો. કેટલાક આરએસએસ સાથે સંકળાયેલા લોકો પણ આ સમારોહનો હિસ્સો બન્યા હતા. જ્યારે દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં અનુરાગ ઠાકુર, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર વગેરે હાજર રહ્યા હતા.