Home /News /gandhinagar / ગાંધીનગર: પ્રથમ તબક્કામાં ખર્ચના હિસાબો રજૂ નહીં કરનારા ઉમેદવારોને અપાઇ નોટિસ, જાણો શું છે મામલો
ગાંધીનગર: પ્રથમ તબક્કામાં ખર્ચના હિસાબો રજૂ નહીં કરનારા ઉમેદવારોને અપાઇ નોટિસ, જાણો શું છે મામલો
ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પર ખર્ચ ચકાસણીના બીજા તબક્કામાં કુલ ૫૦માંથી ૪૬ ઉમેદવારો દ્વારા ખર્ચના હિસાબો રજૂ કરાયા
Gandhinagar Elecction: ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પર ખર્ચ ચકાસણીના બીજા તબક્કામાં કુલ ૫૦માંથી ૪૬ ઉમેદવારો દ્વારા ખર્ચના હિસાબો રજૂ કરાયા. જેમાં દહેગામના કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ અમરતસિંહ ચૌહાણને નોટિસ આપવામાં આવી.
ગાંધીનગર : જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકો દ્વારા બીજા તબક્કામાં ઉમેદવારો પાસેથી ખર્ચની વિગતો મંગાવી ચકાસણી કરવામાં આવી હતી.
જે અંતર્ગત જિલ્લાની પાંચેય બેઠક પરના કુલ ૫૦ ઉમેદવારોમાંથી ૪૬ ઉમેદવારોએ ઉપસ્થિત રહી વિગતો રજૂ કરી હતી. જ્યારે ૨૫મી નવેમ્બરના રોજ યોજાયેલી ખર્ચ નિરીક્ષણ માટેની પ્રથમ બેઠકમાં હિસાબો રજૂ નહીં કરનારા ૧૩ ઉમેદવારોને નોટિસ મોકલવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લામાં ખર્ચ નિરીક્ષકોદ્વારા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના ઉમેદવારોને પોતાના ખર્ચ રજૂ કરવા માટે ૨૫, ૨૯ નવેમ્બર અને ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨ નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત ૩૬-ગાંધીનગર(ઉત્તર) અને ૩૭-માણસા ખર્ચ નિરીક્ષક વી.એસ નેગી દ્વારા, જ્યારે ૩૪-દહેગામ, ૩૫- ગાંધીનગર (દક્ષિણ) અને ૩૮-કલોલના ખર્ચ નિરીક્ષક સંતોષકુમાર દ્વારા ઉમેદવારોના ખર્ચના હિસાબની તપાસણી કરવામાં આવી રહી છે.
જેમાં બીજા તબક્કામાં ગાંધીનગર ઉત્તર બેઠક પર કુલ ૧૦માંથી ૯, ગાંધીનગર દક્ષિણ બેઠક પર ૧૧માંથી ૯, દહેગામ બેઠક પર તમામ ૭, માણસા બેઠક પર ૧૦માંથી ૯, જ્યારે કલોલ બેઠક પર તમામ ૧૨ ઉમેદવારોએ સંબંધિત ખર્ચ નિરીક્ષકો સમક્ષ પોતાના ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોના ખર્ચના હિસાબોની ચકાસણી અંતર્ગત શેડો રજિસ્ટર તથા ફોલ્ડર ઓફ એવિડન્સની ચકાસણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગત ૨૫મી નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં સંલગ્ન ખર્ચ નિરીક્ષક સમક્ષ ગાંધીનગર મતવિસ્તારના કુલ-૫૦ ઉમેદવારો પૈકી ૩૭ ઉમેદવારો દ્વારા ખર્ચના હિસાબ, શેડો રજિસ્ટર તથા ફોલ્ડર ઓફ એવિડન્સની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે આ બેઠકમાં ગેરહાજર રહેલા ૧૩ ઉમેદવારોને ખર્ચના હિસાબો રજૂ કરવા નોટિસ પાઠવવા માં આવી છે.