Home /News /gandhinagar /પાટીલનો પલટવાર, 'અનંત આદિવાસીઓને ભડકાવી રહ્યો છે, હારવાના ભયથી આવા નાટક કરે છે'
પાટીલનો પલટવાર, 'અનંત આદિવાસીઓને ભડકાવી રહ્યો છે, હારવાના ભયથી આવા નાટક કરે છે'
પાટીલનો પલટવાર
''અનંત પટેલ પર કોઇ હુમલો કરવામાં આવ્યો નથી પરંતુ તેણે જાતે જ આવું નાટક રચીને દયા મેળવવાનો પ્રયત્ન કર્યો છે. જે રીતે તેમણે અને તેમના સપોર્ટમાં જે લોકો હતા તેમણે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અધ્યક્ષ જીતુભાઇ આહીરની દુકાન સળગાવી દીધી છે.'
ગાંધીનગર: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઇ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગી ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા આ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. બીજેપીના કાર્યકર્તા દ્વારા આ હુમલો કરવામાં આવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શનિવારે ખેરગામમાં આશરે 5000 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. ટોળાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં પણ તોડફોડ કરી આંગ ચાંપી દીધી હતી. કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતુ કે, આ હુમલો નિંદનીય છે. આજે પણ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે અનંત પટેલ પર પલટવાર કરતા કહ્યું છે કે, આ લોકોએ કોઇ કામ નથી કર્યુ એટલે આદિવાસી પ્રજાને ભડકાવી રહી છે. આ સાથે સનસનીખેજ આરોપ લગાવતા જણાવ્યુ કે, અનંત પટેલ નાટક કરીને દયા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
સી. આર. પાટીલે આ ઘટના અંગે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, 'અનંત પટેલ પર કોઇ હુમલો કરવામાં આવ્યો નથી પરંતુ તેણે જાતે જ આવું નાટક રચીને દયા મેળવવાનો પ્રયત્ન કર્યો છે. જે રીતે તેમણે અને તેમના સપોર્ટમાં જે લોકો હતા તેમણે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અધ્યક્ષ જીતુભાઇ આહીરની દુકાન સળગાવી દીધી છે. આ સાથે આજુબાજુમાં જે લોકોના મકાન હતા તે પણ સળગાવી દીધા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, અનંત પટેલ નર્મદા તાપી લિંક પ્રોજેક્ટના નામે આદિવાસી લોકોને ભડકાવવાનું કામ કરે છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને આગળ ચલાવવાની ના કહી દીધી છે. તો પણ તે લોકોને આ અંગે ભડકાવે છે. આ લોકોએ કાંઇ કામ કર્યું નથી. જેથી તેઓ હારી જશે તેના ભયથી આવું કરે છે.'
શનિવારે રાહુલ ગાંધીએ પણ આ અંગે ટ્વીટ કર્યુ હતુ. જેમા તેમણે લખ્યુ હતુ કે, ગુજરાતમાં પાર-તાપી નદી લિંક પ્રોજેક્ટ સામે આદિવાસી સમુદાય માટે લડત આપનાર અમારા પક્ષના ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપનો કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. કોંગ્રેસ પાર્ટીનો દરેક કાર્યકર આદિવાસીઓના હકની લડાઈ માટે તેમના અંતિમ શ્વાસ સુધી લડશે.
" isDesktop="true" id="1263658" >
નોંધનીય છે કે, ઘટના બાદ ટોળું ધારાસભ્યના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવીને હંગામો કર્યો હતો. ધારાસભ્ય અનંત પટેલના સમર્થકોએ શનિવારે મોડી રાત્રે જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં આગ લગાવી દીધી હતી. આ સાથે જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી જતાં તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના નવસારી જિલ્લાના ખેરગામ ખાતે બની હતી. કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેઓ શનિવારે નવસારીના ખેરગામ ખાતે મીટીંગ માટે પહોંચ્યા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેના ગુંડાઓએ તેમની કારની તોડફોડ કરી હતી અને માર માર્યો હતો.
ધારાસભ્યનો એવો પણ આરોપ છે કે, આ દરમિયાન હુમલાખોરોએ તેમને કહ્યું હતુ કે, આદિવાસી હોવાને કારણે તમે નેતા બની રહ્યા છો અમે તમને છોડશું નહીં. આદિવાસીનું અહીંયા નહીં ચાલવા દઈએ.