Home /News /gandhinagar /

AAP Gujarat: આપનું ગુજરાત સંગઠન વિખેરાયું, પ્રદેશ પ્રમુખ સિવાય તમામ હોદ્દા રદ

AAP Gujarat: આપનું ગુજરાત સંગઠન વિખેરાયું, પ્રદેશ પ્રમુખ સિવાય તમામ હોદ્દા રદ

આમ આદમી પાર્ટી

Gujarat Aam Aadmi Party: ગુજરાતનું માળખું વિખેરી નાખવા મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે, "આમ આદમી પાર્ટીએ ચૂંટણીને જીતવા માટે, ભાજપને હરાવવા માટે એક વ્યૂહરચના ઘડી છે.

  ગાંધીનગર: ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી (Gujarat election 2022) આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ જોરદાર તૈયાર સાથે ઝંપલાવવા જઈ રહી છે. આ કડીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના માળખાને વિખેરી દેવાની જાહેરાત કરી છે. એટલે કે પ્રદેશ પ્રમુખને બાદ કરતા તમામ હોદ્દા રદ કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હાર આપની રણનીતિના ભાગરૂપે વર્તમાન માળખાને વિખેરી દેવામાં આવ્યું છે. બહુ ટૂંક સમયમાં નવું માળખું જાહેર કરવામાં આવશે.

  ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય ટીમે આ નિર્ણય કર્યો છે. આગામી સમયમાં હવે નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયા (Gopal Italia) કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે.

  ટૂંક સમયમાં જાહેર થશે નવું માળખું


  આમ આદમી પાર્ટીના ગુજરાતના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગે લખવામાં આવ્યું છે કે, "સવિનય સાથ જણાવવાનું કે અરવિંદજીના માર્ગદર્શનથી આજરોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય પ્રદેશ સમિતિ સહિત તમામ સમિતિઓ તથા હોદાઓ બરખાસ્ત/ડિસોલ્વ કરવામાં આવ્યા છે, જેની સૌ સાથીઓએ નોંધ લેવી. નવું માળખું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે."


  ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?


  ગુજરાતનું માળખું વિખેરી નાખવા મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે, "આમ આદમી પાર્ટીએ ચૂંટણીને જીતવા માટે, ભાજપને હરાવવા માટે એક વ્યૂહરચના ઘડી છે. આ વ્યૂહરચનાને તબક્કાવાર અમલમાં મૂકવા માટે અને ચૂંટણી જીતવા માટે સંગઠનને વધુ વિશાળ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. વ્યૂહરચના અમલમાં મૂકવા માટે પાર્ટીના હાલના માળખામાં વધારો કે ઘટાડો કરવાની જરૂરિયાત લાગે છે. જેથી પાર્ટીએ લીધેલા નિર્ણય પ્રમાણે હાલના આમ આદમી પાર્ટીના તમામ માળખાને સમાપ્ત કરવામાં આવે છે. પ્રદેશ પ્રમુખના પદ સિવાય તમામ પદ સમાપ્ત કરવામાં આવે છે. નવું માળખું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Gopal Italia, અરવિંદ કેજરીવાલ, આપ, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022

  આગામી સમાચાર