Home /News /gandhinagar /ગાંધીનગરમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથકોમાં પત્ર લખી મતદાન કરવા અપીલ
ગાંધીનગરમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથકોમાં પત્ર લખી મતદાન કરવા અપીલ
પત્ર લખી મતદાન કરવા અપીલ
Gujarat election 2022:ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર અગાઉની ચૂંટણીમાં ઓછું મતદાન ધરાવતા 55 મતદાન મથકો પર મતદાનની ટકાવારી વધારવા માટે આ વિસ્તારોના મતદાન મથકોના નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.એ પત્ર લખ્યા છે ને મતદાન કરવાની અપીલ કરી છે.
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર અગાઉની ચૂંટણીમાં ઓછું મતદાન ધરાવતા 55 મતદાન મથકો પર મતદાનની ટકાવારી વધારવા માટે આ વિસ્તારોના મતદાન મથકોના નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.એ પત્ર લખ્યા છે ને મતદાન કરવાની અપીલ કરી છે. આ પત્ર દરેક મતદારને આપવામાં આવે છે. તદુપરાંત, જિંગલ થકી પણ મતદાન જાગૃત્તિ અભિયાન કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરમાં કુલ 1350 મતદાન મથકો
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર આવતીકાલે પાંચમી ડીસેમ્બરે મતદાન યોજાનાર છે. આ માટે જિલ્લામાં કુલ- 1350 મતદાન મથકો આવેલા છે. જેમાંથી 55 મતદાન મથકો એવા છે, જયાં ગત ચૂંટણીમાં ઓછું મતદાન નોંધાયું હતું. ત્યારે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022માં આ મતદાર મથકોના વિસ્તારોમાં મતદાન અંગેની જાગૃત્તિ આવે, લોકશાહીના અવસર સમા મતદાન દિવસમાં મતદાન કરીને પોતાના મતનું મૂલ્ય સમજે, તેવા આશયથી છેલ્લા 15 દિવસ દરમિયાન ‘અવસર રથ’ દ્વારા જાગૃતિ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્વીપ દ્વારા પણ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. હવે મતદાનને આડે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ અવસરમાં સહભાગી બને તે માટે જિલ્લામાં ઓછું મતદાન ધરાવતા 55 મતદાન મથકોના વિસ્તારોમાં મતદાન જાગૃત્તિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા મતદારોને અપીલ કરતો પત્ર લખ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને આ પત્રનું વિતરણ કરી મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આ સિવાય જાહેર સ્થળો ખાતે જિંગલ્સ થકી મતદારોમાં જાગૃત્તિ લાવવાનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં આવતીકાલના સવારના 08:00થી સાંજે 05:00 કલાક દરમ્યાન મતદાન યોજાનાર છે. જેમાં મતદારો તેમજ તેમના પરિવાર અને પાડોશીઓને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરી લોકશાહીના અવસરની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.