ગાંધીનગર: ૧૫મી ગુજરાત વિધાનસભાના શિયાળા સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે વોક આઉટ કરી વિરોધ નોધાવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર પ્રસ્તાવ પર ચર્ચા મુદે વોક આઉટ કર્યો હતો. નવ નિયુક્ત અધ્યક્ષે સમય ન આપ્યો હોવાનો વિપક્ષનો આરોપ લગાવ્યો છે. તમામ ૧૭ ધારાસભ્યએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો છે. સરકાર અને અધ્યક્ષ વિરૂદ્ધ સુત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોક આઉટ કર્યો હતો.
કોંગ્રેસનાં ગૃહમાંથી વોક આઉટ અંગે કોંગ્રસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે, રાજ્યપાલના સંબોધનની નકલ એમને મળી નથી. કામકાજ સલાહકાર સમિતિની રચના પણ કરવામાં આવી નથી. તમામ નિયમો વિધાનસભાના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 3 દિવસ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવી જોઈએ. અમે અધ્યક્ષનું પણ નિયમોના ઉલંઘન અંગે ધ્યાન દોર્યુ છે. નેતા નક્કી કરવાનો કોઈ સવાલ જ નથી. નામ નક્કી કરી અમારે અધ્યક્ષને મોકલવાનું હોય છે.
વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી સર્વાનૂમતે વરણી
૧પમી ગુજરાત વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીની સર્વાનૂમતે વરણી કરવામાં આવી છે. તેમજ જેઠા ભરવાડને ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે વરણી માટે શંકરભાઇ ચૌધરીના નામના રજૂ કરેલા પ્રસ્તાવને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સમર્થન આપ્યું હતું. સમગ્ર વિધાનગૃહે આ પ્રસ્તાવને ટેકો આપતાં ૧પમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીની વરણી કરવામાં આવી હતી.
વિધાનસભા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વરાયેલા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લોકશાહીના આ મંદિરમાં ઉજ્જવળ પરંપરાઓને જાળવી રાખવા તેમજ પૂર્વ અધ્યક્ષઓ કરેલા નિર્ણયોને જીવંત રાખી સભાગૃહના સૌ સભ્યોના સહિયારા પ્રયાસમાં નવનિયુકત અધ્યક્ષનું માર્ગદર્શન સતત મળતું રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી. ગૃહના નેતા અને મુખ્યમંત્રીએ નવનિયુકત અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ બનાસડેરી સહિત બહુવિધ સહકારી ક્ષેત્ર તેમજ ગરીબ, વંચિત, લોકોના આવાસ, આરોગ્ય, શિક્ષણ, આજીવીકા માટે આપેલા મહત્વપૂર્ણ પ્રદાનની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષ તરીકેની કામગીરીથી ૧પમી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય પ્રણાલિકાઓના સંવર્ધન માટેનો સુવર્ણકાળ બની રહેશે, તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો*.