Home /News /gandhinagar /PSI ભરતી મુદ્દે ગૃહમાં હોબાળો કરવા બદલ કોંગ્રેસ અને આપના તમામ સભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
PSI ભરતી મુદ્દે ગૃહમાં હોબાળો કરવા બદલ કોંગ્રેસ અને આપના તમામ સભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
ગૃહમાં હોબાળો કરવા બદલ આખો વિપક્ષ એક દિવસ માટે સસ્પેન્ડ
Congress and AAP MLA suspend: ગાંધીનગરમાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને ગૃહમાં હોબાળો કરવા બદલ અને ગૃહના નિયમોનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે જીતુ વાઘાણીએ વિપક્ષ દ્વારા ખોટી રીતે પોતાનો કક્કો સાચો કરવાના પ્રયાસ કર્યા હોવાનું જણાવ્યું હતું.
ગાંધીનગરઃ વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ વિપક્ષને સસ્પેન્ડ કરાયા બાદ આજનો દિવસ ગૃહમાં એન્ટ્રી કરી શકશે નહીં. રમણલાલ વોરાએ મૂકી હતી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત, જે બાદ ઋષિકેશ પટેલ અને કુબેર ડિંડોરે પણ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. નોંધનીય છે કે PSI ભરતી મુદ્દે કોંગ્રેસે ચર્ચાની માંગ કરીને ગૃહમાં દેખાવો કર્યા હતા. ગૃહમાં દેખાવો અને કોંગ્રેસના વોકઆઉટ બાદ તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસે PSI ભરતી મુદ્દે નારાજગી વ્યક્ત કરવા માટે સૂત્રોચ્ચારની સાથે પોસ્ટર્સ દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલે અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, પહેલા તો પેપર ફૂટતા હતા, પરંતુ હવે તો બારોબાર પરીક્ષા વગર પૈસા આપીને નોકરીઓ મળે છે. તો ગુજરાતના ગરીબ પરિવારના દીકરો-દીકરી કઈ રીતે નોકરી મેળવી શકે એની ચિંતા થાય છે. એ ચર્ચાથી સરકાર ભાગે છે અને અમે વારંવાર વિનંતી કરી છે.
ભાજપના 13 પેપરકાંડ અને 14મો ભરતી કાંડ જેવા પોસ્ટર અને ભરતી કૌભાંડ બંધ કરો તેવા સૂત્રોચ્ચાર લગાવીને કોંગ્રેસ દ્વારા વોક આઉટ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ અંગે ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અધ્યક્ષ શંકર ચૌધરીએ ઓર્ડર કર્યો હતો, અધ્યક્ષના નિર્ણયની ઉપર કશું થઈ શકતું નથી તે જાણતા હોવા છતાં પણ પ્રિ-પ્લાન સાથે વિપક્ષના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. પ્લેકાર્ડ લઈની જોગવાઈ નથી, આમ છતાં અધ્યક્ષે તેમને વારંવાર ટકોર કરીને પ્લેકાર્ડ પરત આપી દેવા જણાવ્યું હતું, સભ્યોને શાંત કરાવવાની કોશિશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે સભ્યોને ગૃહ ચાલવા દેવા માટે વિનંતી કરી કારણ કે ગૃહની કાર્યવાહી મહત્વની હોય છે. એમની વાત પણ નહીં અને ગૃહને ખલેલ પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું.
જીતુ વાઘાણીએ કોંગ્રેસના ગૃહમાં હોબાળા અંગે જીજ્ઞેશ મેવાણી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે કોંગ્રેસને ગુનાખોરીવાળી માનસિકતાવાળી પાર્ટી ગણાવી છે. 116ની નોટીસ તેમનો અધિકાર છે, સભ્યો ચર્ચા કરી શકે છે, રાજ્યના હિતની ચર્ચા માટે સરકાર તૈયાર છે, ગૃહમંત્રી પોતે બોલ્યા છે કે બધા જવાબો ડીજીપીએ આપ્યા છે હું આપવા માટે તૈયાર છું. ગૃહ નીતિનિયમોથી ચાલે છે, પરંતુ વારંવાર પોતાનો કક્કો સાચો રાખવા માટે જે કર્યું છે તે અયોગ્ય છે.
વાઘાણીએ કહ્યું કે, સતત તેમણે અધ્યક્ષનું અપમાન કર્યું, એટલે અમારા સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિપક્ષનું આ પ્રકારનું કૃત્ય જરાય વ્યાજબી નથી. ગૃહમંત્રીના રાજીનામાની વાત કરનારી કોંગ્રેસને કહેવા માગું છું ભાજપ અને ગૃહમંત્રી કશું જ છૂપાવવા માગતા નથી, એટલે રાજીનામાનો કોઈ સવાલ ઉભો થતો નથી. સરકારને આ અંગે માહિતી મળતા અગાઉથી જ આ મુદ્દે તપાસ શરુ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.