ગાંધીનગર: રાજ્યમાં બંને તબક્કાનું વોટિંગ થઇ ગયુ છે. ત્યારે વિવિધ એક્ઝિટ પોલનાં તારણો પણ સામે આવી રહ્યાં છે. મોટાભાગનાં તમામ એક્ઝિટ પોલમાં ભાજપ ફરીથી સરકાર બનાવી રહી હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રદેશ મહામંત્રી, પ્રદિપસિંહ વાઘેલાએ આપ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, "ઈસુદાનભાઇ ગઢવીની ડિપોઝીટ બચે તો પણ સારું."
આપ પર પ્રહાર
ભાજપનાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં આપનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર સામે અનેક આક્ષેપો કર્યા છે. તેમણે આપનાં ઇસુદાન ગઢવી પર પ્રહાર કરતા જણાવ્યુ કે, 'ઇસુદાનભાઇ ગઢવીની ડિપોઝીટ બચે તો પણ બહું.'
'આપની પૂર્ણ બહુમતી સાથેની સરકાર બનશે'
આપને જણાવીએ કે, ન્યૂઝ18 ગુજરાતીએ આપનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર ઇસુદાન ગઢવી સાથે વાત કરી હતી. જેમાં તેમણે પરિણામ અંગે વાત કરતાં કહ્યું હતુ કે, અમારી માટે ગુમાવવાનું કંઇ હતું જ નહીં. અમારે તો અહીં મહેનત કરવાની જ હતી. લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. પહેલા તબક્કામાં 51 પ્લસ સીટોની ગણતરી છે. બીજા તબક્કામાં 30 જેટલી સીટો મળી રહી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 8 ડિસેમ્બરે પરિણામ પછી જ ખબર પડશે. અમને તો વિશ્વાસ છે કે આપ પાર્ટીની પૂર્ણ બહુમતી સાથેની સરકાર બને છે.
ગઠબંધન અંગે તેમણે જણાવ્યું કે, પરિણામ બાદ અમે વિચાર કરીશું. ગઢબંધન પરિણામ પછીની વાત છે. 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા જઇ રહી છે. એનો અમનો ગર્વ છે.
મતગણતરીની તડામાર તૈયારીઓ
ભાજપ દ્વારા મતદાન પુરૂ થતાંની સાથે મતગણતરીને લઈ તૈયારીઓ આરંભી દેવાઈ છે. 8 ડિસેમ્બરનાં રોજ યોજાનાર મતગણતરીને લઈને ભાજપ કાર્યકર્તાઓનું ટ્રેનિંગ સેશન યોજાયું હતુ. જેને લઈ કમલમ ખાતે ભાજપના એજન્ટોની ટ્રેનિંગ માટેની બેઠક યોજવામાં આવી.