Home /News /gandhinagar /

હર્ષ સંઘવી: નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશી ટોચનું પદ હાંસલ કરનાર એક્ટિવ નેતા

હર્ષ સંઘવી: નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશી ટોચનું પદ હાંસલ કરનાર એક્ટિવ નેતા

  હર્ષ સંઘવી હોંશિયાર રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ અત્યારે રાજ્યના ગૃહમંત્રી તરીકે ખૂબ જ મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ મજુરા મત વિસ્તાર (સુરત)ના ભાજપના ધારાસભ્ય છે. 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે તેઓએ આ બેઠક રેકોર્ડ માર્જિનથી જીતી હતી અને વિધાનસભા ચૂંટણી, 2017માં તેમણે આરામથી આ બેઠક જાળવી રાખી હતી. તેમને નવ ખાતા ફાળવવામાં આવ્યા હતા. જેમાં ગૃહ મંત્રાલય, આપત્તિ વ્યવસ્થાપન અને પોલીસ આવાસ; રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનઆરઆઈ, આબકારી અને પ્રતિબંધ, સરહદ સુરક્ષાનો સમાવેશ થતો હતો. સંઘવી પહેલા પ્રદિપસિંહ જાડેજા, અમિત શાહ, હરેન પંડ્યા અને ગોરધન ઝાડફિયા ભાજપના શાસનમાં ગુજરાતના ગૃહમંત્રી તરીકે રહી ચૂક્યા છે.

  સી આર પાટીલના નજીકના ગણાય છે હર્ષ સંઘવી

  તાજેતરમાં જ તેમને ભૂપેન્દ્ર ભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાતની નવી સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા મંત્રી મંડળમાં સ્થાન પામેલા હર્ષ સંઘવીની સી આર પાટીલના નજીકના માનવામાં આવી રહ્યા છે. ભાજપનો યુવા ચહેરો હર્ષ સંઘવી કોઇ પણ પ્રજાલક્ષી કામમાં તત્પર વ્યક્તિત્વ ધરાવે છે. પ્રધાનમંડળમાં પાટીલનું વર્ચસ્વ સાચવી રાખવા તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે. ગ્રીષ્મા હત્યા કેસ હોય કે ગાંધીનગરમાં તરછોડાયેલ બાળક શિવાંશ (સ્મિત)નો કેસ હોય, હર્ષ સંઘવીએ અંગત રસ લઈ તંત્ર સાથે સંકલિત રહ્યા હતા.

  રાજકીય પ્રવૃત્તિઓમાં નાની વયથી જ એક્ટિવ

  હર્ષ સંઘવીએ 15 વર્ષની નાની ઉંમરે સામાજિક કાર્યકર તરીકે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ભાજપની યુવા પાંખ યુવા મોરચા સાથે કામ કરતી વખતે\ તેમણે ભારતના દૂરના ભાગમાં પ્રવાસ કર્યો હતો. વંચિત અને શ્રમજીવી મધ્યમ વર્ગની સેવા તેમના નેતૃત્વના કેન્દ્રમાં રહી છે. 2012માં તેમણે રેકોર્ડ બ્રેક માર્જિનથી ચૂંટણી જીતી હતી અને ગુજરાત વિધાનસભાના ચોથા સૌથી મોટા વિજેતા રહ્યા હતા. 27 વર્ષની ઉંમરે સૌથી નાની વયના ધારાસભ્ય બન્યા હતા. ઓફિસમાં તેમનું પ્રથમ કાર્ય હૃદયના ઓપરેશન માટે સંપૂર્ણ નાણાંકીય સહાય પૂરી પાડવાનું હતું.

  હવે હર્ષ સંઘવી ગુજરાત ભાજપનો યુવા ચહેરો ગણાય છે. તેઓ અનેક સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં ખડેપગે રહ્યા છે. તેમણે ભાજપના સૌથી નાની વયના જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું છે. ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના પ્રદેશ મહામંત્રીની જવાબદારીના ભાગરૂપે વિવિધ સંગઠનાત્મક પ્રવૃતિઓ કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને મંડળમાં સતત પ્રયાસ, યુવાનો અને વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા અને શામેલ કરવા માટે વિવિધ કાર્યક્રમો, યુવા કાર્યકર્તાઓને આઇટી અને સોશિયલ નેટવર્કિંગ દ્વારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાઓનો પ્રચાર અને તે થકી યુવાનોને પાર્ટી સાથે જોડવાનો વિશેષ પ્રયાસ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી 2012માં એબીવીપીના નેતૃત્વમાં સફળ કામગીરી કરીને સેનેટની 12 બેઠકોમાંથી નવ બેઠકો જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

  સામાજિક કાર્યોમાં પણ રહ્યા ખડેપગે

  સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે સંપૂર્ણ રીતે આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ યુવાનોની સહાયતા માટે સ્ટુડન્ટ બુક બેન્કની શરૂઆત કરી. જેમાં આશરે 1000 જેટલા કોલેજના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના વિનામૂલ્યે સેટની સહાય, છાત્રોના સંપૂર્ણ વિકાસ માટે વ્યક્તિત્વ વિકાસ, કરિયર ગાઈડન્સ કેમ્પ અને વિવિધ ખેલકુદ અને રમતગમત સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. સાથે જ વનવાસી ક્ષેત્રમાંથી આવતા વનવાસી વિદ્યાર્થી માટે સંપૂર્ણ વિકાસ માટેની વિવિધ સવલતો પાડવા અંગેના પ્રયાસ, આદિવાસી ગામોમાં ફેલાયલે શિકલસેલ એનીમીયા જેવા ગંભીર રોગોની નાબુદી માટે મેડીકલ કેમ્પનું આયોજન, વર્ષ 2012માં તાપી શુદ્ધિકરણની શરૂઆત, નદીના કાંઠે સાફ-સફાઈ ઝુબંશે, તાપી શુદ્ધિકરણ માટે 980 કરોડની ગ્રાન્ટ પાસ કરાવવી, 2017માં તાપી શુદ્ધિકરણ અભિયાન અંતર્ગત પૂર્વ મુખ્મંત્રી વિજયભાઈ રૂપાણીની અઘ્યક્ષતામાં 21 કિલોમીટર મરેેથોન દોડનું આયોજન, એતિહાસિક સુરત રોડ-શોની જવાબદીરી નિભાવવી, રોજગાર મેળાનું આયોજન સહિતના કાર્ય તેમણે કર્યા છે.

  અંગત જીવન

  હર્ષ સંઘવીનો જન્મ 08 જાન્યુઆરી 1985ના રોજ જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશભાઈ સઘંવી છે. તેમની પત્નીનું નામ પ્રાચી અને પુત્રીનું નામ નિર્વા છે. તેઓ ડાયમંડ તથા જવલેરી મેન્યુફેક્ચરિંગન વ્યવસાય સાથે સંકળાયેલા છે. હર્ષ સંઘવી ઉત્તર ગુજરાત જૈન સમાજ, બનાસકાંઠા શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ, અઠવાલાઈન્સ જૈન સંઘ તથા ઉમરા જૈન સંઘના કમિટી મેમ્બર પણ છે. તેઓ ગૌરક્ષા તેમજ ગૌ સંવર્ધન હેતુ માટે વિવિધ પ્રયાસ કરી ચુક્યા છે. તેઓ અખિલ ભારતીય સર્વ દલીય ગૌરક્ષા મહા અભિયાન સમિતિમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી ચુક્યા છે.

  હર્ષ સંઘવીની સંપત્તિ કેટલી છે?

  2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં હર્ષ સંઘવીએ પોતાની સંપત્તિ પર પ્રકાશ પાડ્યો હતો. જે મુજબ તેઓ કરોડોની સંપતિ ધરાવે છે. જેમાં તેના પોતાના નામે 74,59,755 અને તેમની પત્નીના નામે 34,67,758 જેટલી સંપતિ છે. આ ઉપરાંત તેઓ 80 લાખ અને 23 લાખ જેટલી બજાર કિંમત ધરાવતા સુરતમાં બે એપાર્ટમેન્ટ ધરાવે છે. તેમની પાસે રૂ. 22 લાખની ટોયટા ફોર્ચ્યુનર છે, જ્યારે તેમની પત્ની પાસે રૂ. 5.59 લાખની માઈક્રા કાર છે.

  હર્ષ સંઘવીએ મ્યુઅલ ફંડ અને અન્ય શેર ડિબેન્ચરમાં કુલ 47,221 રૂપિયાનું રોકાણ કરેલુ છે. જ્યારે નેશનલ સેવિંગ સ્કીમ અને પોસ્ટલ સેવિંગમાં કુલ 17 લાખથી વધુનુ રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સોના-ઝવેરાતમાં કુલ 410,500નું રોકાણ કરેલુ છે, જેમાં તેના નામે 250,000 અને તેમની પત્નીના નામે 160,500 જેટલું રોકાણ છે. હર્ષ સંઘવી કૃષિ વિષયક જમીન ધરાવતા નથી. તેમજ તેમને કોઈ પણ પ્રકારની જમીન વારસામાં પણ મળેલી નથી. જોકે, તેમને 23 લાખ જેટલી રકમની મિલકત વારસા પેટે મળેલી છે અને તેમણે નાણાંકીય સંસ્થા અને બેંક પાસેથી કુલ 37 લાખની લોન લીધેલી છે.

  ઉલ્લેખનીય છે કે, રાજકારણમાં સૌથી વધુ દોડતો, લોકોના કામ કરતો અને સતત સક્રિય નેતા જ આગળ વધે છે. સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી તેનું ઉત્તમ ઉદાહરણ છે. હર્ષ સંઘવીની ઉંમર માત્ર 37 જ વર્ષ છે. છતાં તેમને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા સાથેના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે તે તેમની કાર્યદક્ષતાનો પુરાવો છે. હર્ષ સંઘવી મંત્રીમંડળમાં સૌથી નાની વય ધરાવે છે, છતાં પણ તેમને ગૃહખાતું સોંપવામાં આવ્યું છે. જૈન સમાજમાંથી આવતા હર્ષ સંઘવીનું માત્ર રાજકીય જ નહીં, પરંતુ સામાજિક પ્રદાન પણ મોટું છે.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022, હર્ષ સંઘવી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन