Gujarat Election 2022: છેલ્લા ત્રણ મહિનાથી ઓબીસી મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ 33 જિલ્લા અને આઠ મહાનગરમાં ખાટલા બેઠકો સહિતના વિવિધ કાર્યક્રમો કરી ઓબીસી સમાજની નાના-મોટી 40થી વધુ જ્ઞાતિઓના સંપર્ક કરવામાં મોરચો સફળ રહ્યો છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat election 2022)ને હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ચૂંટણી અંગે પૂર ઝડપે માઇક્રો પ્લાનિંગ પૂર્ણ કરી રહી છે. ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha)ની 182 બેઠક પૈકી 48થી વધુ બેઠકો પર ઓબીસી (OBC) સમાજનું પ્રભુત્વ રહેલું છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠકોને સિક્યોર કરવા માઇક્રો પ્લાનિંગ (Micro Planning) હાથ ધર્યું છે. ઓબીસી સમાજની 48થી વધુ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી મોરચાને મેદાને ઉતાર્યો છે.
40થી વધુ જ્ઞાતિઓના આગેવાનોનો સંપર્ક
છેલ્લા ત્રણ મહિનાથી ઓબીસી મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ 33 જિલ્લા અને આઠ મહાનગરમાં ખાટલા બેઠકો સહિતના વિવિધ કાર્યક્રમો કરી ઓબીસી સમાજની નાના-મોટી 40થી વધુ જ્ઞાતિઓના સંપર્ક કરવામાં મોરચો સફળ રહ્યો છે. હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાર્ટી દ્વારા ઓબીસી મોરચાને સક્રિય કરી ઓબીસી સમાજની નાના મોટી 40થી વધુ જ્ઞાતિઓના આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને ધર્મગુરુઓ સાથે મુલાકાત કરી આગામી વિધાનસભા ચૂંટણીમાં આ ધર્મગુરુ, સમાજના અગ્રણીઓ, જ્ઞાતિના અગ્રણીઓ સાથે તેમની જ્ઞાતિ ભારતીય જનતા પાર્ટી સાથે રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
સાથે જ પાર્ટી દ્વારા જ્ઞાતિને પડી રહેલી મુશ્કેલીઓ કોઈ પ્રશ્નો અંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ પોતાના વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં જુદા જુદા જ્ઞાતિઓના અગ્રણીઓને મળી તેમની સાથે ચર્ચા કરતા હોય છે. હવે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી નજીક આવતાની સાથે જ જુદી જુદી નાની જ્ઞાતિઓના ધર્મગુરુ, સામાજિક અગ્રણી અને પ્રતિનિધિઓને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી તેમને પડતી કોઈ સમસ્યાઓ કે તકલીફો અંગે ચર્ચા કરી આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે સમાજ રહે તે માટેની કવાયત હાથ ધરવામાં આવશે.
કઈ કઈ જ્ઞાતિઓની સમાવેશ
બીજી તરફ 40 જ્ઞાતિઓની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, પંચાલ સમાજ, રબારી સમાજ સહિતના અનેક નાના સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી જ રીતે રીતે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં આહિર સમાજ, મેર સમાજ, દેસાઈ સમાજ સહિતના જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ નાની મોટી જ્ઞાતિઓના પ્રમુખ સામાજિક અગ્રણી અને ધર્મગુરુઓને ભારતીય જનતા પાર્ટીનો ઓબીસી મોરચો મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત કરાવી રહ્યો છે અને આગામી ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર