ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) મહાજંગ 2022 ભારે રસાકસીનો છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે ત્યારે રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. માણસા બેઠકની વાત કરીએ હાલ આ બેઠક કોંગ્રેસના હાથમાં છે. પરંતુ અહીં કમળ પણ એટલું જ મજબૂત હોવાનું જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં આગામી ચૂંટણીમાં કેવા છે સામાજિક રાજકીય ગણિત? જાણો
માણસા વિધાનસભા બેઠક
ગાંધીનગર જિલ્લાનું માણસા શહેર માણસા તાલુકાનું મુખ્ય મથક છે. માણસાનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. માણસા ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. માણસા ગાંધીનગર જિલ્લાનો એક ભાગ છે અને તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો.
આ બેઠક અંતર્ગત માણસા તાલુકા ઉપરાંત કલોલ તાલુકાના વેદ-હિંમતપુરા, જામલા, વાગોસણા, ધેંધુ, સોભાસણ, ઇટલા, લીંબોદરા, અલુવા, મુબારકપુરા, બાલવા-રામપુરા, પ્રતાપપુરા - 1, ચંડીસણા, આમજા, નાદરી, સોજા, પાળીયાદ, ખોરજડાભી વગેરે ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
માણસા તાલુકામાં 48 ગામો તેમ જ 61 ગ્રામ પંચાયતો આવેલી છે. માણસા મતદારક્ષેત્રમાં કુલ 212618 મતદારો છે. જેમાં 109808 પુરૂષ, 102804 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
માણસા વિધાનસભા બેઠકની ખાસિયતો
માણસા વિધાનસભા બેઠક રાજકીયની સાથોસાથ પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ મહત્વ ધરાવે છે. અહીંના જોવા લાયક સ્થળોની વાત કરીએ તો તેમાં મલાવ તળાવ, પૌરાણીક વાવ, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શ્રી ત્રિકમજી મંદિર, મહાકાળી મંદિર, વિજય ચોક અને સત્યનારાયણ મંદિરનો સમાવેશ થાય છે.
માણસા વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણ
આ બેઠક ઉપર અંદાજિત પાટીદાર 60 હજાર, ઠાકોર 65 હજાર, ક્ષત્રિયો 15 હજાર, ચૌધરી 25 હજાર અન્ય 16 હજાર, એસસી 13 હજાર મતદારો છે. એટલે ટૂંકમાં કહી શકાય કે આ બેઠક પર પાટીદાર અને ઠાકોર સમાજનું સારું પ્રભુત્વ છે.
માણસા વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણ
ગાંધીનગરની માણસા બેઠકના અત્યાર સુધીના પરિણામો પર નજર કરતા એ બાબત સ્પષ્ટ પણે સમજી શકાય છે કે અહીં પક્ષો ઉપરાંત સમાજ અને જાતિના આધારે ચૂંટણી લડવામાં આવે છે. અહીં પસંદગી પામતા મોટાભાગના ઉમેદવારો પટેલ અથવા તો ચૌધરી સમાજમાંથી આવે છે અને પક્ષો પણ તેમને જ ટિકીટ આપવાનુ પસંદ કરે છે. હાલ તો કોંગ્રેસના ગઢ તરીકે માણસા અકબંધ છે. ઉલ્લેખનિય છે કે માણસા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું મૂળ વતન છે.
વર્ષ 2011માં ભાજપના ધારાસભ્ય મંગળદાસ પટેલનું લાંબી માંદગી બાદ નિધન થતા માણસા વિધાનસભા બેઠક ખાલી પડી હતી. મંગળદાસ પટેલની ગેરહાજરીમાં અમિત ચૌધરીને માણસા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2012માં ધારાસભ્ય બનાવવામાં સફળ થયા હતા. જોકે વર્ષ 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાંથી ચૂંટણી લડનાર અમિત ચૌધરી જનતાના દરબારમાં ચૂંટણી હારી ગયા હતા.
માણસા બેઠક પર હારજીતના સમીકરણ
વર્ષ | વિજેતા ઉમેદવારનુ નામ | પક્ષ |
2017 | પટેલ સુરેશકુમાર | INC |
2012 (By Poll) | ટી બી મોહનસિંહજી | INC |
2012 | ચૌધરી અમિતભાઈ | INC |
2007 | પ્રો. મંગળદાસ પટેલ | BJP |
2002 | પ્રો. મંગળદાસ પટેલ | BJP |
1998 | પ્રો. મંગળદાસ પટેલ | BJP |
1995 | ચૌધરી વિપુલભાઈ | BJP |
1990 | ચાવડા ઈશ્વરસિંહ | INC |
1985 | શુક્લા હરિપ્રસાદ | INC |
1980 | ચાવડા ઈશ્વરસિંહ | INC |
1975 | ચૌધરી મોતીભાઈ | NCO |
1972 | ચૌધરી મોતીભાઈ | NCO |
1967 | સી જી પટેલ | SWA |
1962 | બાબુભાઈ પટેલ | INC |
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં માણસા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુરેશકુમાર પટેલ ચતુરદાસનો વિજય થયો હતો. ભાજપના અમિતભાઈ હરિસિંગભાઈ ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો.
2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઊભા રહેલા ચૌધરી અમિતભાઈ હરિસિંગભાઈ માણસા બેઠક પરથી 78068 મતોથી જીત્યા હતા. માણસા બેઠક પર 2012માં પેટાચૂંટણી યોજાઈ હતી,
જેમાં કોંગ્રેસ ફરી એકવાર જીતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવાર ટીબી મોહનસિંહજી હતા, જેમને 64776 મત મળ્યા હતા. જ્યારે ઉપવિજેતા ભાજપના ડીડી પટેલને 56594 મત મળ્યા હતા. અહીં ભાજપે 1995, 1998, 2002 અને 2007ની ચૂંટણી જીતી હતી.
ભાજપના ધારાસભ્ય મંગળદાસ પટેલનું લાંબી માંદગી બાદ નિધન થતા માણસા વિધાનસભા બેઠક ખાલી પડી હતી. માણસા બેઠક ખાલી પડતા યોજાયેલ પેટા ચૂંટણી યોજાતા બીજેપીએ સામાજિક આગેવાન ડી ડી પટેલને મેદાનમાં ઉતાર્યા, જયારે કોંગ્રેસે પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના વિશ્વાસુ ટી બી મોહનસિંહજીને મેદાનમાં ઉતાર્યા હતા.
વિધાનસભા 2022માં શું?
આમ તો વિધાનસભા 2022 માટે ભાજપમાં ઘણા બધા દાવેદારો છે, જો કે ગાંધીનગર જિલ્લાની અને તેમાં પણ માણસા બેઠકના જાતિગત સમીકરણો જોતા ભાજપ માણસા બેઠક પરથી અમિત ચૌધરીને મેદાનમાં ઉતારે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
જ્યારે કોંગ્રેસ પોતાના વિજયી બનેલા ચહેરાને રિપીટ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ સિવાય કોંગ્રેસ તરફથી પાટીદારોના મત જીતવા માટે પૂરતી રણનીતિ અને પ્રચાર પણ કરવામાં આવશે તેવી શક્યતાઓ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Mansa