Home /News /gandhinagar /Power Corridor: શિક્ષણ વિભાગના એક બાપુજી 85 વર્ષે પણ નિવૃત્ત થતા નથી

Power Corridor: શિક્ષણ વિભાગના એક બાપુજી 85 વર્ષે પણ નિવૃત્ત થતા નથી

કોઇપણ સરકારી ઓફિસમાં રીટાયર્ડમેન્ટ પછી વધુમાં વધુ ૫ વર્ષ એકેસટેન્શન મળી શકે છે

સામાન્ય રીતે સરકારી નિયમાનુસાર ૩-૩ વર્ષે બદલી થવી જોઇએ. ત્યારે અહીંયા કેટલાય લોકો ૧૫-૨૦ વર્ષથી આસન જમાવીને બેઠા છે. તે એટલે સુધી કે એક મહાશય તો ૮૫ વર્ષેય અહિંયા નોકરીમાં હજુ અડીખમ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India

કમિશ્નર એમ.નાગરાજન ની બદલી આવી


૬૦ વર્ષે તો બા ય રીટાયર્ડ થાય છે. પણ શિક્ષણ વિભાગના એક બાપુજી ૮૫ વર્ષે ય રીટાયર્ડ થતા નથી અને એટલેજ એજ્યુકેશન કમિશ્નર એમ.નાગરાજનની બદલી આવી છે. નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત એટલે કે KCG - એ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની એક સોસાયટી છે. આ સોસાયટીનું કામ આમ તો શિક્ષણ વિભાગના હાથ મજબૂત કરવાનું છે -શિક્ષણ વિભાગની સહાયતા કરવાનુ છે. પણ વિભાગમા ચર્ચાઇ રહ્યું છે તે અનુસાર - આ સોસાયટી પૂરા શિક્ષણ વિભાગ પર હાવી છે. કારણ કે, અહિંયા કેટલાક લોકો વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા છે. સામાન્ય રીતે સરકારી નિયમાનુસાર ૩-૩ વર્ષે બદલી થવી જોઇએ. ત્યારે અહીંયા કેટલાય લોકો ૧૫-૨૦ વર્ષથી આસન જમાવીને બેઠા છે. તે એટલે સુધી કે એક મહાશય તો ૮૫ વર્ષેય અહિંયા નોકરીમાં હજુ અડીખમ છે.

કોઇપણ સરકારી ઓફિસમાં રીટાયર્ડમેન્ટ પછી વધુમાં વધુ ૫ વર્ષ એકેસટેન્શન મળી શકે છે અને એના માટે ય રાજ્યના જીએડી વિભાગની મંજૂરી સહિત સીએમની મંજુરી હોવી જરુરી છે. પરંતુ , કહેતા ભી દીવાના - સુનતા ભી દિવાના જેવી એક વાત એવી છે - કે KCG ના એક બાપુજી ૬૦-૬૫- કે ૭૦ નહી પરંતુ ,૮૫ વર્ષે ય એક્સટેન્શન મેળવીને અહિંયા એકચક્રી સાશન જમાવીને બેઠા છે. ચર્ચા અનુસાર, બાપુજીનો પાવર વિભાગના કમિશ્નર અને સેક્રેટેરી કરતાંય વધુ છે. તેઓ થાકતા નથી પણ થકવી દે છે અને એજ કરે છે જે પોતે ધાર્યું હોય અને આજ કારણ છે એજ્યુકેશન કમિશ્નર એમ.નાગરાજનની બદલીનું.

ચર્ચા અનુસાર વિભાગમાં ઉચ્ચ અધિકારીનું ઓછુંને બાપજીનું વધુ ઉપજતુ હતું. ભાજપ સરકારમા તેમના સંપર્કોને લઇને તેઓ દર સરકારમા મંત્રીના વીટો પાવરનો ઉપયોગ કરાવીને એક્સટેન્શન લઇ આવતા હતા. ૮૫ વર્ષે ય આ બાપુજી હજુ વધુ ૧૦ વર્ષ એક્સટેન્શન મેળવીને ઇજારાશાહી યથાવત રાખવાના મૂડમાં છે. શિક્ષણ વિભાગમાં ચર્ચાઇ રહ્યું છે કે, બા તો બાઉન્ડ્રી મારે -પણ આ બાપુજી શિક્ષણ વિભાગમા સેન્ચ્યુરી મારી ને રહેશે. એમના વિભાગમાં કામ કરનારા લોકો એટલા તો કંટાળ્યા હતા કે, પ્રાર્થના કરી રહ્યા હતા કે - બાપુજી ભલે અહિંયા અડીખમ રહે , પણ ઇશ્વર તેમની વહેલી તકે બીજે બદલી કરે તો સારુ. સૂત્રોનું માનીયે તો, આજ પ્રાર્થના રાજ્યના પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કૈલાશનાથન સુધી પહોંચી હતી. એનાંજ ફળ સ્વરુપ સચિવાલયથી બહાર કલેક્ટર તરીકે નાગરાજનને પોસ્ટીંગ મળ્યું છે.

મંત્રી રુશિકેષ પટેલને શુ નડે છે?


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને નવી સરકારમાં વધુ મહત્વનું સ્થાન મળ્યું છે. પરંતુ દોઢ મહિનાના ટૂંકા ગાળામાં જ તેઓ ચર્ચામાં છે. તેમણે પથરીના દુ:ખાવાની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી તેની પણ સચિવાલયમાં ઠીક - ઠીક ચર્ચા ચાલી હતી. ત્યારબાદ ખેતી રી સર્વે મુદ્દે તેઓએ પ્રવક્તા મંત્રી તરીકે કરેલી અસ્પષ્ટ જાહેરાતને લઇનેય વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. મંત્રી પર પસ્તાળ પડવા પાછળ વાસ્તુ શાસ્ત્રનો અવળો પ્રભાવ હોય કે પછી કામનું વધુ ભારણ. કારણ ગમે તે હોય પણ હાલ તો રુશિકેષ પટેલે દોઢ મહિનાના અનુભવો બાદ તેમની ઓફિસનું વાસ્તુ બદલી નાંખ્યું છે.

પૂર્વ ડે. સીએમ નીતિન પટેલને સ્વર્ણિમ સંકુલ-૧માં વિશાળ ચેમ્બર ફાળવાઇ હતી. નિતીન ભાઇ બાદ તેમાં ભૂપેનદ્ર સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બેસતા હતા અને હવે તેમાં રુશિકેષભાઇ બેસે છે. હવે રુશિકેષ ભાઇ એ વાસ્તુ શાસ્ત્ર મુજબ નીતિન પટેલ એને રાજેનદ્ર ત્રિવેદી બેસતા હતા તે પ્રમાણેની વ્યવસ્થામાં ફેરફાર કરાવીને બેસવાની દિશા બદલાવી છે. આંખને જોવામા આ દિશા એટલી સહજ કે અનુકૂળ નથી પણ સારી દશા માટે આ નવુ વાસ્તુ કેટલું શુકનિયાળ નિવડે છે એ જોવાનું રહેશે.

આ પણ વાંચો: Power Corridor: પીએમ મોદીએ સી.આર.પાટીલને કાનમાં શું કહ્યું?

આઇએફએસ સામે આઇએએસ અને આઇપીએસ હજુ પાણી ભરે છે


વન વિભાગના અધિકારીઓ માટે ખાસ આદેશ - આઇએએસ આઇપીએસને નહીં અપાતી સેવાઓ હવે વન વિભાગના અધિકારીઓને મળશે. ગુજરાતમાં આઇએફએસ કેડર એટલે કે, ભારતીય વન સેવાના અધિકારીઓ માટે વન વિભાગે એક વિચિત્ર આદેશ બહાર પાડ્યો છે. જેમાં એવું જણાવાયું છે કે, આ વિભાગના ઉચ્ચ અધિકારી જ્યારે તેમના તાબા હેઠળના વિસ્તારની મુલાકાતે આવે ત્યારે રેસ્ટ હાઉસમાં આ અધિકારીની તંદુરસ્તી પ્રમાણે ભોજન બનાવવાનું રહેશે. તેમના શરીરમાં કોઇ રોગ હોય તો તેને અનુરૂપ ભોજન પિરસવાનું રહેશે. એટલું જ નહીં પ્રવાસમાં તેમની સાથે તેમના પત્ની હોય તો મુલાકાત દરમ્યાન મહિલા વન અધિકારીની નિમણૂક પણ કરવાની રહેશે. તેમના રૂમની ચાદર, તકીયા કે ગાદલાં અને ફર્નિચર સ્વચ્છ હોવા જોઇશે. એરકન્ડીશન મશીન અવાજ ન કરે તેવા હોવા જરૂરી છે.

એવું કહેવાય છે કે, સાસણ ગીર ઉપરાંત દક્ષિણના જંગલ વિસ્તારમાં વીઆઇપી માટે 120થી વધુ રેસ્ટ હાઉસ બનાવવામાં આવેલા છે. જેના માટે આવો આદેશ કરવામાં આવ્યો છે. વન અધિકારીની સેવામાં શું કરવાનું છે તેની યાદી જોઇને સચિવાલયના અન્ય અધિકારીઓમાં આશ્ચર્ય થયું છે, કેમ કે આ પ્રકારનો આદેશ સરકારના સરકીટ હાઉસ માટે ક્યારેય બહાર પાડવામાં આવ્યો નથી કે જ્યાં રાજ્યના આઇએએસ કે આઇપીએસ અધિકારી સત્તાવાર મુલાકાતે જતા હોય છે.

આ પણ વાંચો: પાવર કોરિડોરના તમામ આર્ટિકલ અહીં વાંચો.

રાજ્યના મહિલા આયોગ પાસે ન ચેરમેન છે, ન ઓફિસર્સ છે, ન તો બોર્ડ


કોઇ બસમાં ડ્રાઇવર, કંડકટર , હેલ્પર સફાઇ કર્મી બધુય એક જ વ્યક્તિ હોય એમ “એક અનાર ને સો બીમાર” જેવી સ્થિતિ હાલ રાજ્યના મહિલા આયોગની છે. છેલ્લા એક વર્ષથી મહિલા આયોગમાં એકમાત્ર મેમ્બર સેક્રેટેરી સિવાય એકપણ ઓફિસર નથી. મહિલા આયોગમાંથી ચેરમેન લીલાબેન અંકોલિયાના રાજીનામા બાદ અહિંયાના તો ચેરમેન છે , ના તો ઓફિસર્સ. અહિંયા સભ્ય સચિવ કુમુદ યાજ્ઞિકને બાદ કરતા ઉપસચિવ , સંશોધન અધિકારી, હિસાબી અધિકારી સહિતની તમામ જગ્યાઓ ખાલી છે. એક વર્ષથી ખાલી આ જગ્યાઓનો ચાર્જ પણ કોઇને નથી સોંપાયો.હાલ અહિંયા ૩૫૦થી વધુ કેસ પેન્ડીંગ છે. જેના નિકાલ માટેની સત્તા માત્ર બોર્ડ અને ચેરમેનને છે. પણ હાઇટ એ છે કે, અહીંયા ના તો ચેરમેન છે - ના તો બોર્ડમાં કોઇ સભ્ય છે. ચેરમેનની ગેરહાજરીમાં જનરલી બોર્ડ નિર્ણય લેતું હોય છે. પરંતુ, અહિંયા ૨૦૧૭થી બોર્ડમાં કોઇ સભ્યની નિમણુંક જ નથી કરાઇ. ચેરમેન, બોર્ડ, ઓફિસર્સ જ નથી ત્યારે આખરે કેસનો નિવેડો લાવે કોણ? આમ મહિલાઓની મદદ માટે બનાવાયેલા આ આયોગને હાલ પોતાને જ મદદની જરુર છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, Power Corridor, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन