Home /News /gandhinagar /Power corridor: એસ. અપર્ણા અને રાજકુમાર વચ્ચે સીએસની સ્પર્ધા
Power corridor: એસ. અપર્ણા અને રાજકુમાર વચ્ચે સીએસની સ્પર્ધા
પાવર કોરિડોર (પ્રતીકાત્મત તસવીર)
Gandhinagar News: સચિવાલયમાં ચાલતી ચર્ચા પ્રમાણે પંકજકુમાર જાન્યુઆરી 2023માં નિવૃત્ત થવાના છે પરંતુ જાન્યુઆરી પછી બજેટ સત્ર આવતું હોવાથી તેમને વધુ એક એક્સટેન્શન મળે તો નવાઇ નહીં.
ગુજરાતમાં ચૂંટણી પછી વયનિવૃત્ત થનારા હાલના ચીફ સેક્રેટરી પંકજકુમારના સ્થાને દિલ્હીમા ડેપ્યુટેશન પર ગયેલા એસ. અપર્ણા કે હાલના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર વચ્ચે સ્પર્ધા છે. જોકે, 1986ની બેચના અધિકારી વિપુલ મિત્રાને પણ આ સુપ્રીમ પોસ્ટનો લાડવો મળી શકે તેમ છે, કેમ કે તેઓ જુલાઇ 2023માં વયનિવૃત્ત થવાના છે. જોકે હાઇકમાન્ડ એટલે કે પીએમઓ અપર્ણા કે રાજકુમાર પર પસંદગીનો કલશ ઢોળે તેવી ચર્ચા છે. જોકે, સચિવાલયમાં ચાલતી ચર્ચા પ્રમાણે પંકજકુમાર જાન્યુઆરી 2023માં નિવૃત્ત થવાના છે પરંતુ જાન્યુઆરી પછી બજેટ સત્ર આવતું હોવાથી તેમને વધુ એક એક્સટેન્શન મળે તો નવાઇ નહીં.
બીજી તરફ ગુજરાતના પાંચ સિનિયર આઇએએસ અધિકારી નવી સરકારમાં કી રોલ ભજવીને પ્રથમ વર્ષમાં જ વયનિવૃત્ત થવાના છે. આ ઓફિસરોમાં 1986ની બેચના અધિકારી વિપુલ મિત્રા જુલાઇ 2023માં, 1988ની બેચના બીબી સ્વેન સપ્ટેમ્બરમાં, એસ અપર્ણા ઓક્ટોબરમાં, સંજય નંદન નવેમ્બરમાં, જ્યારે 1980ની બેચના મનોજ અગ્રવાલ ઓક્ટોબરમાં નિવૃત્ત થવાના છે. ગુજરાતમાં જે કોઇ સરકાર આવશે તેમાં આ અધિકારીઓ કી-પોસ્ટ પર હશે. આ પાંચ પૈકી બે અધિકારી એસ અપર્ણા અને બીબી સ્વેન હાલ ડેપ્યુટેશન પર દિલ્હીમાં ફરજ બજાવી રહ્યાં છે.
ગુપ્તચર વિભાગના વડા અનુપમસિંહ ગેહલોત સૌથી વધુ જવાબદારીનાં બોજ હેઠળ
ગુજરાત રાજ્યના ગુપ્તચર વિભાગના વડા અનુપમસિંહ ગેહલોત ગુપ્તચર વિભાગ ઉપરાત એન્ટી કરપ્શન બ્યુરો( લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ) અને જીઇબીના ચીફ વિજીલન્સ ઓફિસરનો પણ વધારાનો હવાલો ધરાવે છે. ગુપ્તચર વિભાગના વડા અનુપમસિંહ ગેહલોત વડોદરા પોલીસ કમિશ્નર હતા. ત્યારે સરકારે તેમને જીઇબીના ચીફ વિજીલન્સ ઓફિસરનો હવાલો આપ્યો હતો. તેમની વડોદરાથી ગાંધીનગરમા બદલી થઇ ગઇ હોવા છતા આ હવાલો સરકારે ગેહલોત પાસેથી લીધો નથી. આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, ચૂંટણી જીતવા માટે દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમજ ભારત સરકારના મંત્રીઓનાં સતત ગુજરાત પ્રવાસો જારી છે.
ગુપ્તચર વિભાગના વડા અનુપમસિંહ ગેહલોત પાસે હાલ ના સંજોગો મા કામ નુ બહુ મોટુ ભારણ છે. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારમાં કોંગેસ - આપ અને ભાજપથી નારાજ નેતાઓ પર ગુપ્તચર વિભાગ દ્વારા નજર રાખવામા આવી રહી છે અને તેનો ડેઇલી રિપોર્ટ રાજ્ય સરકાર તેમજ કેંદ્ર સરકારને મોકલવામા આવી રહ્યો છે. આ કામના ભારણને કારણે ગુપ્તચર વિભાગના વડા તેમના ફિલ્ડ ઓફિસરો પર સખ્તાઈથી કામ લઇ રહ્યા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. આઇબીના અધિકારીઓના રોજ બ રોજના રિપોર્ટના આધારે જ સરકારની રણનિતી બનતી હોય છે.
ગૃહ વિભાગને અચાનક ડીઆઇજી સૌરભ તોલમ્બિયા પર પ્રેમ ઉભરાયો
સુરત રેન્જ એડીશનલ ડીજી રાજકુમાર પાંડીયન છેલ્લા એક મહિનામાં બીજી વખત સીક લીવ પર ઉતર્યા છે. ગયા ઓગસ્ટ મહિનામાં તેઓ ૧૦ દિવસની સીક લીવ પર ગયા હતા તે વખતે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ના એડીશનલ સીપી શરત સિંધલ ને સુરત રેન્જ નો વધારાનો હવાલો સોંપાયો હતો. એડીશનલ ડીજી રાજકુમાર પાંડીયન ચાલુ સપ્ટેમ્બર મહિનામાં ફરીથી રજા પર ગયા છે.. ત્યારે આ વખતે તેમની જગ્યાનો વધારા નો હવાલો સીઆઇડી ક્રાઇમ ના ડીઆઇજી સૌરભ તૌલંબિયા ને સોંપ્યો છે. સુરત શહેરમાં ગણપતિ વિસર્જન અને બીજા બંદોબસ્તમા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સી.પી શરત સિંઘલ પાસે કામનું ભારણ વધી જવાને કારણે તેમની જગ્યાએ પણ ડીઆઇજી સૌરભ તૌલંબિયાને સુરત રેન્જનો વધારાનો હવાલો સોંપ્યો છે. સુરત શહેરમાં લાજપોર જેલમાં સીઆઇડી ક્રાઇમ ના ડીઆઇજી સૌરભ તોલમ્બિયા છેલ્લા દસ દિવસ થી સુરત રેન્જ નો વધારાનો હવાલો ચલાવી રહ્યા છે.
ખોટ કરતાં જાહેર સાહસોના વહીવટમાં કોને રસ છે?
ગુજરાતના જાહેર સાહસો અને સરકારી કંપનીઓ પૈકી જે ખોટ કરે છે અથવા તો બિન કાર્યક્ષમ છે તેમને ચાલુ રાખીને કોને ફાયદો થઇ રહ્યો છે તેની સરકાર તપાસ કરાવી શકતી નથી. પરિણામે સરકારના કરોડો રૂપિયા આ બિન કાર્યક્ષમ એકમોના સંચાલન પાછળ વપરાઇ રહ્યાં છે. ઉદ્યોગ વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા રિપોર્ટમાં રાજ્યના 16 એવા એકમો નોંધાયા છે કે, જે બિન કાર્યક્ષમ છે અને તેમને બંધ કરવાના થાય છે અથવા તો ફડચામાં લઇ જવાના છે. પરંતુ આ પ્રોસેસ થઇ શકતી નથી. ઉદ્યોગ વિભાગના ક્યા અધિકારીઓને આ નકામા થઇ ગયેલા સાહસો ચલાવવામાં રસ છે તે સમજાતું નથી. ઉદ્યોગ વિભાગ ખુદ મુખ્યમંત્રી પાસે છે છતાં જાહેર સાહસો અંગે એકપણ વખત મિટીંગ બોલાવી નથી. ખોટ કરતાં એકમો બિન કાર્યક્ષમ છે છતાં કર્મચારીઓના પગાર અને નિભાવણીનો ખર્ચ કરવો પડે છે. ખોટ કરતાં અથવા બિન કાર્યક્ષમ એકમોમાં સરકારે મૂડીરોકાણ કરવું ન જોઇએ તેવી ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ જનરલ (સીએજી) ની ભલામણ છતાં સરકારે આવા નિગમોમાં 500 કરોડનું રોકાણ કર્યું છે જે સલવાઇ ગયું છે.
સચિવાલય અને રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં એક સામાન્ય પ્રશ્ન એવો ઉદ્દભવ્યો છે કે, ચૂંટણીની આચારસંહિતા ક્યારે આવશે. તમામ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ વિધાનસભાની ચૂંટણીની જ રાહ જોઇ રહ્યાં છે. જેથી આચાર સંહિતાનો અમલ થાય અને તેઓ રાજકીય નેતાઓના દબાણમાંથી મુક્ત થઇ શકે. વાસ્તવમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં રાજકીય બોસના કારણે સતત દબાણને કારણે ઘણાં અધિકારીઓ કોઇ મોટા નિર્ણયો લેવામાં અથવા કોઇ મોટી ફાઇલ ક્લિયર કરવામાં વિલંબ કરી રહ્યાં છે. ફાઇલ આગળ ચલાવવાનું ટાળી રહ્યાં છે. એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ તમામ અધિકારીઓ હાલ ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાતની રાહ જોઇ રહ્યાં છે..કે જેથી તેઓ ઉતાવળમાં ફાઇલો ક્લિયર કરવાના દબાણમાંથી બહાર આવી શકે..અધિકારીઓ ને લાગેછે કે જો કંઇ ખોટું થશે તો અમારા પર આવશે કેમ કે -કોઇ મંત્રી કે રાજકીય નેતા અમલદાર અથવા સરકારી કર્મચારીની મદદ કરવા આવશે નહીં.
મતદાન 80 ટકા સુધી લઇ જવા પંચના પ્રયાસ
ડિસેમ્બરમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 79 ટકા મતદાન હાંસલ કરવાનો પ્રયાસ હાલના ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોરલ ઓફિસર પી. ભારતી કરી રહ્યાં છે. તેઓ ઇચ્છે છે કે પાંચ વર્ષ પછી એટલે કે 2017ની ચૂંટણીની સરખામણીએ 10 ટકા મતદાનમાં વધારો થાય. આ માટે તેમણે વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો અને શહેરી વિસ્તારમાં કામ કરતી એનજીઓની મદદ લીધી છે. તેમણે મતદાન વધારવા 10 પોઇન્ટની વ્યૂહરચના તૈયાર કરી છે. જ્યાં ઓછું મતદાન થાય છે તેવા શહેરી વિસ્તારના બૂથ પસંદ કરીને સૌથી વધારે ધ્યાન એ બુથ પર કેન્દ્રીત કર્યું છે. મતદાન મથકની સ્વચ્છતા, વિસ્તારની વિશિષ્ટ થીમ મૂકવી, યોગ્ય બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને શૌચાયલ, વિસ્તારના આગેવાનો દ્વારા કેમ્પેઇન સહિતનના મુદ્દા તેમણે આવરી લીધા છે. પી. ભારતીએ મતદારો સાથે સીધો સંપર્ક ધરાવતા વિવિધ વિભાગો સાથે નવ સમજૂતી કરાર પણ કર્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે કુલ સરેરાશ મતદાનનો આંકડો 69.01 ટકા હતો. રાજ્યમાં નોંધાયેલા 4.35 કરોડ મતદારો પૈકી 3.05 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. 1.34 કરોડ લોકોએ મત આપ્યાં ન હતા.