Home /News /gandhinagar /Power corridor: અંધેર નગરી ને ગંડુ રાજા, માર્કશીટ કૌભાંડમા તપાસનો સામનો કરનાર પીઆઇને એસીબીમાં મૂકાયા

Power corridor: અંધેર નગરી ને ગંડુ રાજા, માર્કશીટ કૌભાંડમા તપાસનો સામનો કરનાર પીઆઇને એસીબીમાં મૂકાયા

ACB

સૂત્રોનું માનીએ તો એસીબીનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા આઇપીએસ અનુપમ સિંહ ગેહલોતે પણ આ નિમણુંક વિરુધ્ધ રજૂઆત કરી છે.

માર્કશીટ કૌભાંડમા તપાસનો સામનો કરનાર પીઆઇને એસીબીમાં મુકાયા


પોલીસ બદલીઓમાં કેટલી લોલમલોલ ચાલે છે એનું એકતાજુ ઉદાહરણ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. રાજપૂત કે જેની સામે નકલી માર્કશીટ કૌભાંડ મુદ્દે હાલ સીઆઇડી ક્રાઇમની ઇન્કવાયરી ચાલી રહી છે. તેની બદલી એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઇ તરીકે કરવામા આવી છે. હવે જે પોતે જ કૌભાંડમાં શામેલગીરી મુદ્દે ઇન્કવાયરીનો સામનો કરી રહ્યું હોય એને એન્ટી કરપ્શન બ્યુરોમા કેવી રીતે મૂકી શકાય?

એસીબીમાં બદલી ડાયરેકટ ડીજીપી દ્વારા થાય છે. ત્યારે હાલતો સૌ કોઇ ડીજીપી ઓફિસની બલિહારીની ચર્ચા કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો એસીબીનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા આઇપીએસ અનુપમ સિંહ ગેહલોતે પણ આ નિમણુંક વિરુધ્ધ રજૂઆત કરી છે.

ડ્રગ્ઝ વિરુધ્ધ જાગૃતિ અભિયાન છેડનાર પણ પોલીસ અને ડ્રગ્ઝ આરોપીઓને છાવરનાર પણ પોલીસ?


અમદાવાદ પોલીસ આગામી સમયમાં અમદાવાદમાં ડ્રગ મેરાથોન યોજવા જઇ રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં પકડાયેલા ડ્રગ્ઝના જથ્થાને જોતા અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવનો આ સુવિચાર ખરેખર આજની પેઢીને દિશા ચીંધનારો છે. જોકે, ડ્રગ્ઝ વિરોધી અભિયાન છેડનાર અમદાવાદ પોલીસનાં જ કેટલાક અધિકારીઓ ડ્રગ્ઝ રેઇડ દરમ્યાન નામચીન લોકોને બચાવવામા શામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં જ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડેલી ડ્રગ્ઝ રેઇડ દરમિયાન જે ડ્રગ પેડલરો પકડાયા હતા તેમણે અમદાવાદના એક જાણીતા બિલ્ડરનું નામ આપ્યું હતુ. પેડલરોએ બિલ્ડરનું નામ આપ્યા બાદ ડ્રગ્ઝ માટે બનાવાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે આ બિલ્ડરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ બિલ્ડર ડ્રગ્ઝના નિયમિત બંધાણી હોવા ઉપરાંત ડ્રગ્ઝ પાર્ટી માટે જાણીતા હોવા છતાં આ મુદ્દે ટીમના અધિકારીઓએ ભીનું સંકેલી લીધુ હોવાનુ ચર્ચાય છે.

આ બિલ્ડરે અમદાવાદના નામચીન બિલ્ડરોમાંથી એક છે અને એમા આ ડ્રગ્ઝ પ્રકરણ નવું ઉમેરાયુ છે. ઇન્વેસ્ટીગેશન ટીમના અધિકારીઓ એ જ તોડપાણી કરીને બિલ્ડરને આ વખતે ઉગારી લીધા હોવાનુ ચર્ચાય છે. આજ બિલ્ડર હવે કદાચ ડ્રગ્ઝ જાગૃતિ મેરાથોનમાં રેમ્પ વોક કરીને વહેતી ગંગામાં પાછલા દાગ ધોઇ લે તો નવાઇ નહી. પોલીસની કેટલીક કામગીરીઓ મુદ્દે સવાલ ઉપજાવતો બીજો એક કિસ્સો પણ ગત શનિવારે બન્યો છે. ગત શનિવારની મોડી રાત્રે ગાંધીનગરના ભાટ ગામ પાસે આવેલી એક હોટેલના બેઝમેન્ટમાં અમદાવાદના જાણીતા બિગ શોટસ અને પોલિટિકલ પાર્ટીના કેટલાક નેતાઓની મોડી રાતથી સવાર સુધી દારુ પાર્ટી ચાલી. સૂત્રોનું માનીયે તો, પોલીસને અગાઉથી આ પાર્ટીની જાણ હોવા છતા તેઓએ આંખ આડા કાન કર્યા હતા.શાલિની અગ્રવાલને સુરત લઇ જવાશે?


આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને જે અધિકારીઓ સીધી રીતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે ને જેઓને એકજ જગ્યા પર ૩ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે. તે તમામની બદલી નિશ્ચિત છે. આ બદલીઓના દૌર દરમિયાન અરવલ્લીમાં કલેક્ટર તરીકે સારી કામગીરી માટે લિમ્કા બુકમાં સ્થાન મેળવી ચૂકેલાને વડોદરામાં પૂર દરમિયાન નોંધપાત્ર કામગીરી કરી ચૂકેલા અધિકારી શાલિની અગ્રવાલને તેમની કાબેલિયતના આધાર પર ગાંધીનગર સચિવાલયમાં લઇ જવાશે એવી એક ચર્ચા હતી. તેઓ પોતે પણ ગાંધીનગર આવવા ઇચ્છુક હતા. પરંતુ , હવે શાલિની અગ્રવાલને સુરત કમિશ્નર તરીકે અને સુરત કમિશ્નરને વડોદરા કમિશ્નર તરીકે પરસ્પર બદલાશે તેમ મનાઇ રહ્યું છે.

ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યને પણ તેમની વિનંતી અરજી પર પત્ની સાથે દિલ્હી ડેપ્યુટેશન પર મોકલાશે એમ મનાઇ રહ્યું હતું પણ તેઓની સેવા ચૂંટણી પંચમા લેવાનું સરકારે મુનાસિબ માન્યું છે. કુલદીપ આર્ય એક લો પ્રોફાઇલ અધિકારી છે. ઉપરાંત સરકારના વિશ્વાસુ અધિકારી પણ છે. જેને લીધે ચૂંટણી સમયે તેમની નિમણુંક ચૂંટણી પંચમા થઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. કુલદીપ આર્યના સ્થાને ગાંધીનગર કલેક્ટર તરીકે હાલ આનંદ પટેલ, સંપત ગોહિલ, કે. એલ બછાણી જેવા અધિકારીઓ લોબિંગ કરી રહ્યા હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.

Power Corridor: પીએમ મોદીએ સી.આર.પાટીલને કાનમાં શું કહ્યું?

અંજુ શર્મા વિરુધ્ધ લખેલી પોસ્ટ ગણતરીની મિનિટોમાં ડિલિટ કેમ કરવી પડી?


શ્રમ અને રોજગાર વિભાગના સેક્રેટેરી અંજુ શર્મા વિરુધ્ધ સોશિયલ મિડીયા પર આપના કથિત કાર્યકર્તા ડી. કે. તિવારીએ એક પોસ્ટ મુકી હતી. ડી. કે. તિવારીએ ચાર દિવસ પહેલા અમદાવાદમાં મજદૂરોના આકસ્મિક મોતના વળતર મુદ્દે પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં આઇએેએસ અધિકારી અંજુ શર્મા જ્યારે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમા હતા ત્યારે અને હાલ શ્રમ રોજગાર વિભાગમાં કથિત કૌભાંડ કર્યુ હોવાના આક્ષેપ કરાયા હતા. જોકે, આ આક્ષેપને લઇને અંજુ શર્માએ સાયબર ક્રાઇમનો સંપર્ક કરીને ડી. કે. તિવારી વિરુધ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવાની તૈયારી કરતા થોડી જ વારમાં સોશિયલ મિડીયા પરથી તિવારીએ આ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી. જોકે, કોના ઇશારે આ કહેવાતા આપના કાર્યકર્તાએ પોસ્ટ કરી હતી અને કોના ઇશારે ડિલિટ કરવામાં આવી તે હજુ સ્પષ્ટ થઇ શકયુ નથી.

ડીજી અનિલ પ્રથમે તેમના જુનિયર એડીજી આર.બી.બ્રહ્મભટ્ટને હવે સલામ મારવી પડશે


રાજ્ય સરકારે શનિવારે મોડી સાંજે 1995 બેંચના એડીશનલ ડીજી રેન્કના આઇપીએસ આર.બી.બ્રહ્મભટ્ટને સીઆઇડી ક્રાઇમના વડા તરીકે નિમણુંક આપી છે. સીઆઇડી ક્રાઇમમાં મહિલા સેલના 1989 બેચના ડીજી રેન્કના આઇપીએસ અનિલ પ્રથમ છેલ્લા દોઢ દાયકાથી સાઇડ પોસ્ટીંગમા રહ્યા છે. હવે એજ વિભાગના વડા તરીકે બ્રહ્મભટ્ટને મુકાતા ડીજી રેન્કના આઇપીએસ અનિલ પ્રથમે હવે તેમનાથી 6 વર્ષ જુનિયર એડીજી રેન્કના આર. બી. બ્રહ્મભટ્ટને સલામ મારવી પડશે. ગુજરાત સરકારમાં જુનિયર આઇપીએસ ને તેમના સિનિયર આઇપીએસ કરતા ઉપર મુકાવાનો આ કોઇ પ્રથમ કિસ્સો નથી. આ અગાઉ એડીશનલ ડી જી પી.કે.રોશનને તેમના જુનિયર આઇજી રેન્કના અધિકારી પિયુષ પટેલની નીચે મુકાયા હતા. ગુજરાત સરકારે શનિવારે મોડી સાંજે જે આઇપીએસ અધિકારીઓની બદલી કરી - તે બદલીના હુકમો ગૃહ વિભાગના એસીએસ રાજકુમારની સહીથી થયા છે. સીઆઇડી ક્રાઇમના વડા જે અધિકારીને બનાવવામા આવ્યા છે તે એડિશનલ ડીજી રેન્કના આઇપીએસ આર.બી. બ્રહ્મભટ્ટનો સિંગલ ઓર્ડર સરકારે કર્યો છે. એટલે ગૃહ વિભાગથી અજાણતાં નહી પરંતુ જાણી જોઇને ડીજીરેન્કના અનિલ પ્રથમની ઉપર આર.બી.બ્રહ્મભટ્ટની નિમણુંક કરાઇ છે.

પાવર કોરિડોરના તમામ આર્ટિકલ અહીં વાંચો.

ગૃહરાજ્ય મંત્રી સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તેમના મત વિસ્તારને લઇને કેમ આટલા ગભરાય છે?


બે દિવસ પહેલા ગૃહ વિભાગે એસપી રેન્કના 23 આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમો કર્યા. જેમા સુરત શહેરના 5 આઇપીએસ અધિકારીઓની અરસપરસ બદલીઓના હુકમો કરાયા છે. સુરત ગ્રામ્યના તત્કાલીન એસ. પી. ઉષા રાડાની પાંચ મહિનામા બીજી વખત બદલી થઇ છે. ગયા એપ્રિલ મહિનામાં તેમને સુરત ગ્રામ્ય એસપીમાંથી સુરત શહેરમા ડીસીપી તરીકે મુકવામા આવ્યા હતા. હવે પાંચ મહિના પછી તેમની સુરત શહેરમાં જ ઝોન -૩ના ડીસીપી તરીકે નિમણુંક કરવામા આવી છે. તેવી જ રીતે ડીસીપી રાજન સાસરા અને ભાવના પટેલની પણ સુરત શહેરમાં જ અલગ ઝોનમાં બદલી કરવામા આવી છે. અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક ભગીરથ ગઢવીની સુરત શહેરમાં નિમણુંક કરવામા આવી છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી સુરતના ધારાસભ્ય છે તેવી જ રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારીના સાસંદ છે. 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે સુરત શહેરમાં એવા અધિકારીઓની નિમણુંક કરી છે - જે તેમના કહ્યામાં રહે. સુરત શહેરની વિધાન સભાની સીટોને લઇને ગૃહ રાજ્ય મંત્રી અને પ્રદેશ પ્રમુખ કોઇપણ ચાન્સ લેવા માગંતા નથી. સુરતમાં પાંચ - પાંચ ડીસીપીઓની બદલી કરાઇ છે. જ્યારે બીજા શહેરોમાં માંડ એકાદની બદલી કરાઇ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन