Home /News /gandhinagar /Power corridor: અમદાવાદના નવા મ્યુનિસપલ કમિશ્નર કોણ?

Power corridor: અમદાવાદના નવા મ્યુનિસપલ કમિશ્નર કોણ?

પાવર કોરિડોર (પ્રતીકાત્મત તસવીર)

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના પદ પર બેસવું એ કાંટાળા તાજ ને સાચવવા જેવુ છે. એક સમયે આ જગ્યા પર મુકેશકુમાર જેવા સિનિયર અધિકારી પણ થાક્યા હતા. 

અમદાવાદના નવા મ્યુનિસપલ કમિશ્નર કોણ?


તાજેતરમાં જ ગુજરાતના કેટલાક અધિકારીઓ કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટેરીના પદ માટે એમ્પેનલ્ડ થયા હતા. તેમાંના 5 અધિકારીઓને કેન્દ્રની કેબિનેટ સમિતિએ રવિવારે બઢતી સાથે બદલી આપીછે. આ પાંચ અધિકારીઓમાં અમદાવાદનાં મ્યુનિસપલ કમિશ્નર લોચન સહેરાનો પણ સમાવેશ થાય છે. લોચન સહેરાને ઇસરોમાં મુકાતા હવે અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર કોને બનાવાશે તે મુદ્દે ચર્ચા છેડાઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બનવું એ મહત્વની જગ્યા પર નિમણુંક મળ્યાનું ગૌરવ જરુર છે. પરંતુ આ પદ પર બેસવું એ કાંટાળા તાજ ને સાચવવા જેવુ છે. એક સમયે આ જગ્યા પર મુકેશકુમાર જેવા સિનિયર અધિકારી પણ થાક્યા હતા.

હાલ આ જગ્યા પર કોને મૂકાશે તેવા નામોની ચર્ચામાં એમ.થેનારસન, રાજકુમાર બેનીવાલ ,અશ્વિની કુમાર , હરીત શુકલા જેવા નામો શામેલ છે. સિનિયોરિટી અને અનુભવની દ્રષ્ટિએ એમ. થેનારસનનું નામ સૌથી આગળ છે.  તેઓ સુરતના કમિશ્નર રહી ચૂક્યા છે. અને ગત અઠવાડિયે સુરતમાં મોદી વિઝિટ દરમિયાન પણ તેમની કામગીરી વખણાઇ હતી. ત્યારબાદ રાજકુમાર બેનીવાલનું નામ આગળ મનાય છે. તેઓ લો - પ્રોફાઇલ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા અધિકારી છે. સરકારની ગુડ બુકમાં હોવા ઉપરાત હાલ મ્યુનિસપાલિટી કમિશ્નર તરીકે પણ મ્યુનિસિપાલિટીની કામગીરીઓથી તેઓ સુપેરે પરિચિત છે. ત્યારબાદ અનુક્રમે અશ્વિની કુમાર અને હરીત શુકલાના નામો ચર્ચાઇ રહ્યા છે. જોકે, હરીત શુકલાને માથે પીએમએ સોંપેલો ટુરીઝમ ટાસ્ક હોવાથી અને એમ. થેનારસન પોતે કદાચ ફરીથી હવે મ્યુનિસપાલિટીમાં જવા નહી ઇચ્છે, એ ધોરણે હાલના તબક્કે રાજકુમાર બેનીવાલને - અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર બનાવાય તેવી પ્રબળ સંભાવનાઓ ચર્ચાઇ રહી છે. બેનીવાલ અમદાવાદ કલેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે ત્યારે હાલ તો એજ પરફેક્ટ કેન્ડીડેટ મનાઇ રહ્યા છે.

શાલિની માટે પ્રમોશન પણ બંછાધિપાની માટે ડીમોશનની ચર્ચા


ગત અઠવાડિયે વડોદરાના મ્યુનિસપલ કમિશ્નર શાલિની અગ્રવાલને સુરત મ્યુનિસપલ કમિશ્નર બનાવાયા છે. સુરત કમિશ્નર બંછાધિપાનીને વડોદરા મૂકાયા છે. આમ પરસ્પર બદલી કરાતા શાલિની અગ્રવાલનું પ્રમોશન અને બંછાધિપાનીના ડીમોશનની ચર્ચાઓ વહેતી થઇ છે. જોકે, આ પરસ્પર બદલી આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ટેમ્પરરી બેઇઝ પર કરાઇ હોવાની અટકળો પણ અધિકારી બેડામાં થઇ રહી છે. વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂટણીલક્ષી પ્રક્રિયામાં સીધી રીતે સંકળાયેલા અને ત્રણ વર્ષ એક જગ્યા પર પૂર્ણ કરી ચૂકેલા અધિકારીઓની બદલી ફરજિયાત છે.  ત્યારે નજીકના વિસ્તારવાળા અધિકારીને પરસ્પર બદલીને હાલ ચૂંટણી પંચના નિયમનું પાલન કરી દીધુ કહેવાશે. બાદમાં ફરી આ અધિકારીઓને બદલીને પોત પોતાની જગાએ પરત મુકી દેવાશે એવી અટકળો થઇ રહી છે. આ અટકળો પાછળનું મુખ્ય કારણ એ છે કે, બંછાનિધીપાની સરકારની ગુડ બુકમાં છે. સુરતના દિગ્ગજ નેતાઓ આઅધિકારીને કમિશ્નર તરીકે પસંદ કરી રહ્યા છે. અગાઉ આનંદી બહેનની સરકારમાં પણ અવંતિકા સિંધ જેવા અધિકારીને અન્ય અધિકારી સાથે પરસ્પર બદલાયા હતા અને ચૂંટણી બાદ ફરીથી પરસ્પર બદલી દેવાયા હતા.

આ પણ વાંચો: પાવર કોરિડોરના તમામ આર્ટિકલ અહીં ક્લિક કરીને વાંચો

સીઆઇડી ક્રાઇમના ડીજી અનિલ પ્રથમ રજા પર ઉતરી ગયા


રાજ્યના ગૃહ વિભાગે બે અઠવાડિયા પહેલા સીઆઇડી ક્રાઇમના વડા તરીકે ૧૯૯૫ બેચના એડીશનલ ડીજી આર.બી. બ્રહ્મભટ્ટની નિમણુંક કરી હતી. સીઆઇડી ક્રાઇમમાં ૧૯૮૯ બેચના ડીજી રેન્કના અધિકારી અનિલ પ્રથમ મહિલા સેલની કામગીરી સંભાળી રહ્યા છે. ડીજી રેન્કના આઇપીએસની ઉપર તેમનાથી ૬ વર્ષ જુનિયર એડીશનલ ડીજી રેન્કના આઇપીએસ અધિકારીને સીઆઇડી ક્રાઇમના વડા બનાવવાથી અનિલ પ્રથમ રજા પર ઉતરી ગયા છે. સીઆઇડી ક્રાઇમના તત્કાલીન વડા બિસ્ટ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા બાદ સીઆઇડી ક્રાઇમનો હવાલો અનિલ પ્રથમને મળવો જોઇતો હતો. પરંતુ, ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને ચાર્જ આપ્યો હતો. હવે ચૂંટણીઓ નજીક આવતા સાઇડ પોસ્ટ પર રહેલા અડીશનલ ડી જી આર. બી.બ્રહ્મભટ્ટને સીઆઇડીના વડા બનાવતા ઘણા સિનિયર આઇપીએસ અધિકારીઓને ઝટકો લાગ્યો છે.

ડીફેન્સ એકસ્પોને સફળ કરવાની જવાબદારી એસ.જે.હૈદરના શિરે


ઇન્ડેક્સબીના આઇએફએસ અધિકારી નીલમ રાનીના દિલ્હી ગમન બાદ હાલ આ વિભાગનો ચાર્જ ગરવી ગુર્જરીના ડિરેકટર તરીકે ફરજ બજાવી રહેલા નવોદિત આઇએએસ મમતા હીરપરાને સોપાયો છે. ડિફેન્સ એક્સ્પોની ઇવેન્ટ ભલે કેન્દ્ર ની હોય પરંતુ ગુજરાત મા તેને એક્ઝીકયુટ કરવાની મહત્તમ કામગીરી ઇન્ડેક્સ બી દ્વારા કરવાની થાય છે .. ત્યારે , ચાર્જ મા ચાલી રહેલા મમતા હીરપરા ડીફેન્સ એક્સપો ની આયોજન લક્ષી બેઠકો માટે દૌડા દોડ કરી રહ્યા છે. પરંતુ કહેવાય છે ને કે, અનુભવનો કોઇ તોડ નથી. કેન્દ્રની આ મહત્વની ઇવેન્ટમાં નવોદિત અધિકારીનુ રિસ્ક રાજ્ય સરકાર લઇ શકે નહી - એટલે જ સરકારે એકસ્પોને સફળ બનાવવાની તમામ જવાબદારી હાયર એજ્યુકેશનના સેક્રેટેરી એસ. જે. હૈદર માથે નાંખી દીધી છે. અગાઉની તમામ વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા એસ.જે.હૈદર બિગ ઇવેન્ટસના અનુભવી છે, આગળ પણ તેમણે તમામ ટાસ્ક સફળતાપૂર્વક પાર પાડેલા છે. ત્યારે - આગામી ડિફેન્સ એક્સ્પોની જવાબદારી પણ તેઓ જ સંભાળશે.

આ પણ વાંચો: અલ્પેશનો હુંકાર, 'મારે અહીંથી જ પરણવું છે'

નિવૃત્તિના આરે આવીને ઉભેલા મિત્રા હવે જૂની યાદો વાગોળી રહ્યા છે


૧૯૮૬ની બેચના આઇએેસ અધિકારી અને પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના એસીએસ  વિપુલ મિત્રા આ વર્ષે રીટાયર્ડ થઇ રહ્યા છે. સ્વાભાવિક પણે જ જ્યારે સત્તા ત્યાગ કરવાની થાય ત્યારે વ્યક્તિને સત્તા સમીપની લાગણીસભર યાદો તાજી થતી હોય છે. વિપુલ મિત્રાનો આઇએએસ તરીકેનો કાર્યકાળ અંત તરફ છે ત્યારે તેઓ પણ તેમના કાર્યકાળ ની ગોલ્ડન  મોમેન્ટસ યાદ કરી રહ્યા છે. હાલમાં જ તેઓએ એક ટ્વીટ કરીને તેઓના આઇએેએસ તરીકેના સૌથી  પહેલા પોસ્ટીગનું આઇ કાર્ડ શેર કર્યું છે આ આઇ કાર્ડ ૩૪ વર્ષ પહેલાનુ છે. જ્યારે તેમનું પ્રથમ  પોસ્ટીગ દિલ્હી ખાતે SDM તરીકે થયું હતું.

દાદાની ગાડી હાલ ફુલ ગીયરમાં - આચાર સંહિતા લાગુ થતાજ - જેઓ ચૂંટણી સાથે સીધી રીતે સંકળાયેલા નથી તેવા તમામ અધિકારીઓ માટે વેકેશનનો માહોલ


રાજ્ય સરકારની ગાડી ૧૧ મહિનામાં ક્યારેય નહોતી એવી ફુલ ગીયરમાં છે. વિધાનસભા ચૂંટણી વહેલી આવે એવા સંકેત વચ્ચે આચાર સંહિતા લાગે એ પહેલા અમુક કાર્યો પૂરા કરવા અધિકારીઓ હાલ ઉંધા માથે છે. સૌથી ખરાબ હાલત ૩-૪ વિભાગોના ચાર્જ સંભાળનાર અધિકારીઓની છે. તેઓએ પોતાના વિભાગ માટે તો મહેનત કરવાની જ છે - પરંતુ જે વિભાગનો ચાર્જ સોંપાયેલો છે એના કામ પણ આચાર સંહિતા લાગે એ પહેલા ઉકેલવાના છે. એટલે આવા અધિકારીઓને હાલ શ્વાસ લેવાની પણ ફુરસત નથી. જોકે, હાલ ટેન્શનમાં ફરી રહેલા અધિકારી માટે આગામી સમય સુંદર આવાનો છે. જેવી આચાર સંહિતા લાગુ થઇ જશે ત્યારે જેઓ ચૂંટણી સાથે સીધી રીતે સંકળાયેલા નથી. તેવા તમામ અધિકારીઓ માટે વેકેશનનો માહોલ ઉભો થશે. કેટલાય અધિકારીઓેએ તો અત્યારથી જ એના માટે પરિવાર સાથે પ્લાનિંગ પણ કરી લીધેલા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, Gujarat Politics, Power Corridor

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन