ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી સપ્ટેમ્બર માસમાં દેશભરમાં 5જી લોન્ચ (5G launch) કરે તેવી શક્યતા છે. અગાઉ 15 ઓગસ્ટે 5જી લોન્ચ કરવાનું પ્લાનિંગ હતુ. પરંતુ, પ્રાઇવેટ એકમો પણ ડાયરેક્ટ 5જી સ્પ્રેકટમ લઇ શકવા મુદ્દે મામલો અટવાતા લોન્ચિંગમા ડીલે થયું છે. ટ્રાઇના ચેરમેન પી.ડી.વાઘેલા કે જેમના માથે આ સમગ્ર લોન્ચિંગની સફળતાની જવાબદારી છે તેઓ હાલ આ લોન્ચિંગની છેલ્લી ઘડીની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે.
4જીના ફાયબર નેટવર્ક સાથે જ સેલ કનેકટ કરીને 5જી નેટવર્ક લોકોને ઉપલબ્ધ કરાવાશે. હાલ ભોપાલ, બેંગ્લોર, દિલ્હી એરપોર્ટ અને કંડલા પોર્ટ ખાતે ડ્રાય રન ચાલી રહ્યા છે. શરુઆતમાં સિલેકટેડ શહેરોમાં 5જી લોન્ચ કરાશે. જેમાં ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર શહેરનો પણ સમાવેશ થાય તેવી સંભાવના છે. દેશમાં 5જી લોન્ચિગની સૌથી મોટી જાહેરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કરાય તેવી સંભાવના છે. હાલ તો આ ટાસ્કને કોમ્પલિકેશન્સ વગર સફળ કરવા પી.ડી.વાઘેલા ઉંધા માથે તૈયારીઓમાં લાગ્યા છે.
ટુરિઝમમા રામ રાજ્ય પણ પ્રજા દુખી
ટુરિઝમ વિભાગમાં લાંબા સમય સુધી જેનુ દેવને કમિશ્નર તરીકે રાજ કર્યું. લગભગ સાડા ચાર વર્ષ સુધી એકના એક બોસને લઇને કર્મચારીઓ પણ કંટાળ્યા હતા અને જેનુ દેવન પોતે પણ અન્ય વિભાગમાં જવાની ઇચ્છા ઘરાવતા હતા. ફાઇનલી તેઓને બદલીને તેમના સ્થાને આલોક કુમાર પાંડે કે જેઓ, અગાઉ શ્રમ રોજગાર વિભાગમાં હતા તેઓને કમિશ્નર તરીકે બેસાડવામા આવ્યા હતા.
શરુઆતમાં તો અલોક કુમારના આવવાથી તમામ કર્મચારીઓ ખુશ હતા. કેમકે, જેનુ દેવનની સરખામણીએ આલોક કુમાર વધુ બોલકા હતા એટલે સ્ટાફને તેમની સાથે વધુ અનુકૂળતા જણાતી હતી. પરંતુ, એક સમયે જણાતી અનુકૂળતાએ કર્મચારીઓ માટે અલ્પજીવી સાબિત થઇ છે. અલોક કુમારના ટુરિઝમમાં આવ્યા બાદ હાલ દર એકથી દોઢ મહિને સિનિયર કર્મચારીઓની વર્ક પ્રોફાઇલ બદલાઇ રહી છે. હજુ માંડ એક પ્રોફાઇલમાં અધિકારી સેટ થાય ત્યાં તેમની પાસેથી ચાર્જ લઇને અન્યને સોંપી દેવાય છે. જે સોંપાયુ છે એ પણ કેટલો સમય કાયમી રહેશે અને જે સોપાયું છે એમા ખરેખર કર્મચારીની નિપુણતા છે કે કેમ, એ ચકાસ્યા વગર જવાબદારી સોંપાતી હોવાથી હાલ સિનિયર કર્મચારીઓ કામમાં પ્રવૃત્ત થવાને બદલે અજંપામા જીવી રહ્યા છે. એક સમયે અલોક પાન્ડે ના વખાણ કરતા નહી થાકતા કર્મચારીઓમાં હવે સન્નાટો છવાયો છે
આઇએએસ અધિકારી કે.રાજેશ અને તેમના દ્વારા આચરવામા આવેલા કથિત કૌભાંડને લઇને હાલ તો ચર્ચાનું બજાર ગરમ છે. આઇએએસ લોબીમાં ગુસપુસ છે કે, કે.રાજેશને નાદાન કહેવા, મૂર્ખ કહેવા કે પછી અતિ લોભી ? લાંબી કેરીયર બાકી હોય ત્યારે - આટલી નાની ઉંમરે- કેરીયરની શરુઆતમાં જ આટલી બધી કટકીનું કથિત કૌભાંડ એ સૌ માટે આશ્ચર્ય છે.
ચર્ચાનો વિષય એમ છે કે, કોઇએ ભ્રષ્ટાચાર આચરવો પણ હોય તો એનીયે એક મર્યાદા હોય - ભ્રષ્ટાચારનું પ્રમાણ લોટમાં મીઠું ભેળવવા બરોબર હોય - નહીં કે, મીઠામાં લોટ ભેળવવા બરોબર. આમ, સિનિયર આઇએએસ ઓફિસરોમાં કે.રાજેશ જેવા નવોદિત આઇએેસની બુધ્ધિમત્તા અને સામાન્ય કુનેહને લઇને ચર્ચાઓ થઇ રહી છે.
ખેડા જિલ્લાના માતર ખાતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક વિઝિટ કરીને સપાટો બોલાવતા સન્નાટો છવાઇ ગયો હતો. અહીંયા એક વિશેષ કોમ્યુનિટીના લોકો રાતોરાત બિન ખેડૂતમાંથી ખેડૂત બની ગયા છે. વહેતી ગંગામાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાએ પણ હાથ સાફ કરીને ત્યાં જ જમીન લઇને ખેડૂત બની ગયા હોવાનુ કહેવાય છે.
કોઇપણ જમીન માટેની એક ખાતાવહી સ્થાનિક તલાટી કમ મંત્રી દ્વારા નિભાવાતી હોય છે. જેનો રેકોર્ડ મામલતદાર કચેરીમાં પણ ઉપલબ્ધ હોય છે. જમીનમાં જે કંઇપણ ફેરફાર હોય આ ખાતાવહીમાં તેની નોંધ ફરજિયાત છે ડે.મામલતદારે પાડેલી અને મંજૂર કરેલી આ નોંધને મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરે ૧૦ ટકા વેરીફાય કરવાની હોય છે.
ત્યારે હવે સવાલ એ છે કે, આ કૌભાંડ 2012થી ચાલ્યું આવતુ હતું અને ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન આ કૌભાંડ પીક પર હતું. જે દરમિયાન ઘણાં અધિકારીઓ બદલાયા. તો શું આટલા વર્ષ થવા છતાં આ કૌભાંડ એકેય કેડરના અધિકારીના ધ્યાનમાં જ ના આવ્યું? કરોડોની જમીન પર રાતોરાત કોઇ ખેડૂત બનીને કબ્જો જમાવી લે અને કોઇ અધિકારીને ધ્યાનમાં જ ના આવે એવુ બને ખરુ? જે સુપરવાઇઝરી અધિકારીઓ હતા તેમનું આ lack of supervision હતુ? કે પછી ચોકક્સ સમુદાય સાથેનું મેળાપીપણુ હતું ? ખરેખર જો કોઇને ધ્યાનમાંજ ના આવ્યું હોય તો, આ એક ગંભીર પ્રકારની બેદરકારી ગણાઇ. જેની માટે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરાવા જરુરી છે.
પરંતુ આમાનું કાંઇ ના થતા સામાન્ય જનતામાં રાજેન્દ્ર ત્રિવેદીના એકશન્સ સામે સવાલો ઉઠી રહ્યા છે. જો મંત્રીએ પ્રસિધ્ધિથી પર ઉઠીને ખરેખર કામ કરવું હોય તો આ સમસ્યાની જડમાં જે અધિકારીઓ છે અને જેમના આશીર્વાદથી 400 કરોડ જેટલી અધધ રકમનું કૌભાંડ થયું છે. તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઇએ તેવી ચર્ચા થઇ રહી છે.
ધોલેરા સર પ્રોજેક્ટ માટે કામ કરતા ૧૩ કર્મચારીઓ ને ૬-૬ મહિનાથી પગાર નહી
ટુરિઝમ વિભાગના સેક્રેટેરી હરીત શુકલા હાલ બે વીકની પર્સનલ લીવ પર ગયા છે. તેઓ ટુરિઝમ ઉપરાંત ધોલેરા સરનો પણ ચાર્જ સીઇઓ તરીકે સંભાળી રહ્યા છે. ધોલેરા સર પ્રોજેકટ હેઠળ કલાસ -૩માં આવતા ક્લાર્ક, પટાવાળા, ડ્રાઇવર સહિત જૂના ટાઉન પ્લાનર કે જેઓ કરાર આધારીત કામ કરે છે તેઓને છેલ્લા 6 મહિનાથી પગાર ચૂકવાયો નથી.
Gem પોર્ટલ થ્રુ કર્મચારીઓના જોબ કોન્ટ્રાક્ટ માટે વિવિધ એજન્સીઓ કામ કરતી હોય છે. આ એજન્સીઓ દ્વારા આવેલા કર્મચારીઓમાં કોઇક ૧૦ વર્ષથી કામ કરે છે. કોઇ 7 વર્ષથી તો કોઇ 4 વર્ષથી કામ કરી રહ્યું છે.
આટલા બધા વર્ષથી એક જ વિભાગમા આ કર્મચારીઓ કામ કરી રહ્યા હોવા છતા હવે સેલેરી કરતી વખતે પ્રશ્નએ આવ્યો છે કે, આ કર્મચારીઓનું મહેકમ જ મંજૂર નથી - તો આમને સેલેરી કેવી રીતે આપવો? આ પ્રશ્ન ફેબ્રુઆરી -2022થી ઉદ્દભવ્યો છે. ત્યારે સવાલ એ છે કે, જો મહેકમ મંજૂર જ નહોતુ -તો અગાઉ આ કર્મચારીઓને કેવી રીતે નિયુક્ત કરાયા? ફેબ્રુઆરી -2022 સુધી આ કર્મચારીઓને જે સેલેરી ચૂકવાયો તે કયા ધારાધોરણ અનુસાર ચૂકવાયો? પહેલેથી જ જો બધુ ધારાધોરણ અનુસાર જ હતું તો હવે આ પ્રશ્ન કેમ ઉદ્દભવ્યો છે.
હાલતો આ કર્મચારીઓ એજન્સી, હિસાબનીશ, નાયબ કલેક્ટર, સીઇઓ અને ચેરમેન વચ્ચે બાય બાય ચાયણી ફરી રહ્યા છે. દરેક વ્યક્તિ પાસેથી તેમને મળે છે એક તારીખ, તારીખ પે તારીખથી હવે કર્મચારીઓ કંટાળ્યા છે. હવે સીએમ સમક્ષ રજૂઆત કરવા તેઓએ માનસિકતા બનાવી લીધી છે. જોકે, સીએમ પાસે જતા પહેલા તેઓ હજુ સીઇઓ હરીત શુકલાના રજા પરથી પરત ફરવાની રાહ જોઇ રહ્યા રહ્યા છે. આ પ્રોજેકટ હેઠળ કામ કરનારા આ કર્મચારીઓ હાલ પૂરતું સોમવારે તેમની ખુરશીઓ ખાલી રાખીને વિરોધ નોધાવશે.