ગાંધીનગર : 29 જુલાઈ 2022ના ગાંધીનગર ગિફ્ટ સીટી ( GIFT city, Ghandhinagar) ખાતે દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) તેમજ NSC IFSC-SGX કનેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના લીધે હવે બુલિયન ટ્રેડિંગ અને ફ્યુચર ટ્રેડિંગમાં વધુ સવલતો મળી શકશે. ભારતને સોનાના વૈશ્વિક ટ્રેડિંગ બજારમાં એક પ્રભાવી દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આ IIBX એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતના જ્વેલર્સ માટે આ એક્સચેન્જ અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાનું છે.
IIBXના એમડી અને સીઈઓ અશોક ગૌતમે જણાવ્યું, “આ એક્સચેન્જના લીધે હવે રાજ્યમાં જ ત્રણ વોલ્ટ બનાવવામાં આવ્યા છે. તેનાથી સોનાની ડિલીવરી લેવા માંગતા ક્વોલિફાય્ડ જ્વેલર્સને સાવ ઓછી સમયમર્યાદામાં ગોલ્ડ મળી જશે. કસ્ટમ ક્લિયરન્સ થયાના ચાર કલાકમાં અમદાવાદમાં ગોલ્ડ ડિલીવરી મળી જશે તેવી વ્યવસ્થા છે. તે સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ એક દિવસની અંદર ડિલીવરી પહોંચી જશે. તેનાથી સમયની બચત થશે અને વધારે પ્રિમિયમ માટે અગાઉ જે નાણા ચૂકવવાના થતા હતા તેમાં પણ જ્વેલર્સને રાહત મળશે.”
જ્વેલર પોતાનો ભાવ મૂકી શકશે, કમિશન અને એજીંગ કોસ્ટમાંથી છૂટકારો
અગાઉની વ્યવસ્થા અનુસાર જ્વેલર્સને ગોલ્ડનું ટ્રેડીંગ કરવું હોય તો, અધિકૃત બેન્કોની વ્યવસ્થા મારફતે કરવાનું રહેતું હતું. તેમજ આંતરરાષ્ટ્રીય સેલરના નિયમ અનુસાર 30 દિવસનો કન્સાઇનમેન્ટ પિરીયડ રહેતો હતો. તેમાં અગાઉથી પ્રિમીયમ ચૂકવવું પડે છે અને માલના જથ્થો પણ નક્કી કરીને ઉઠાવવો પડે છે. ઘણી વખત જો સ્થાનિક જ્વેલર્સને માલની ખપત એટલી ના રહે તો પણ તે જથ્થો ઓછો કરી શકાતો નથી. જ્યારે IIBXના લીધે હવે જ્વેલર્સને સીધા સપ્લાયર અહીં જ મળી રહે છે અને જે ભાવ અત્યારે ચાલતો હોય તે અનુસાર નક્કી કરીને તાત્કાલિક જ ડિલીવરી લઇ શકે છે.
ગુજરાતના 14 સહિત 64 જ્વેલર્સ નોંધાયા
IIBX પર અત્યારે ભારતના 64 ક્વોલિફાય્ડ જ્વેલર્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 14 ગુજરાતના છે. અહીં રજીસ્ટ્રેશન કરાવવા માટે 25 કરોડનું ટર્નઓવર હોવું જરૂરી છે. આ એક્સચેન્જથી હવે ગુજરાતના જ્વેલર્સને તહેવારોની સિઝનમાં જ્યારે માંગ વધારે હોય. ત્યારે તાત્કાલિક ડિલીવરીથી તેમને કમિશન અને એજીંગ કોસ્ટમાંથી છૂટકારો મળશે અને તેમના નાણા લાંબા સમય સુધી રોકાયેલા નહિં રહે. જ્વેલર પોતે પ્રાઇઝ રજૂ કરી શકશે. અગાઉની વ્યવસ્થામાં લંડન કે ન્યૂયોર્કના કોમેક્સ મારફતે બેન્કોને જે ક્વોટ મળતો એ જ લઇ લેવાનો રહેતો હતો. હવે બાયર સીધું સેલરને ક્વોટ આપી શકશે. તેના લીધે બેન્કો કે અન્ય નાણાકીય સંસ્થાઓને આપવાના કમિશનના ખર્ચામાં પણ બચત થશે.
બુલીયન શું છે?
બુલીયન એટલે ઉચ્ચતમ ગુણવત્તાનું સોનું અથવા ચાંદી જેને બાર, લગડી અથવા સિક્કા તરીકે રાખવામાં આવે છે. બુલીયનને અમુક વખતે કાયદેસર ચલણ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને કેન્દ્રીય બેન્કો અને રોકાણકારી સંસ્થાઓમાં તેને રિઝર્વ તરીકે રાખવામાં આવે છે.
બુલીયન એક્સચેન્જ શું છે?
બુલીયન એક્સચેન્જ એવું પ્લેટફોર્મ છે જેના પર સોના અને ચાંદીનું ટ્રેડીંગ થઇ શકે છે. વૈશ્વિક સ્તરે લંડન બુલીયન માર્કેટ એક મહત્વપૂર્ણ માર્કેટ છે. રિપોર્ટ્સ અનુસાર સોનાના ઉપયોગમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. 2021માં ભારતે 1069 ટન સોનાની આયાત કરી હતી. સોનાની ખપતમાં ચીન સૌથી મોખરે છે.
ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ભારતમાં બુલિયનની આયાત માટેનું પ્રવેશદ્વાર બનશે. સ્થાનિક વપરાશ માટે તમામ બુલિયનની આયાત એક્સચેન્જ દ્વારા ચેનલાઈઝ કરવામાં આવશે. ધ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલીયન એક્સચેન્જ એ વિશ્વમાં આ પ્રકારનું ત્રીજું એક્સચેન્જ છે. બુલીયનની કિંમતોમાં ભારત એક પ્રભાવી દેશ બને તે હેતૂથી તેનું નિર્માણ આવ્યું છે.
આ એક્સચેન્જના નિર્માણથી બુલીયન માર્કેટમાં એક વ્યવસ્થિત માળખું ઉભું થશે. અહીં રત્નકારોની નોંધણી થઇ શકશે અને સોનાની કિંમતોમાં વધુ પારદર્શિતા લાવવામાં આવશે. નાના બુલીયન ડીલર્સને પણ અહીં યોગ્ય તકો મળે તેના માટે પણ આ એક્સચેન્જ સરળતા લાવશે.
2018માં નીતિ આયોગે આ પ્રકારના એક્સચેન્જ અને એક ઇકોસિસ્ટમના નિર્માણ માટેનું સૂચન કર્યું હતું. નાણાં મંત્રી નિર્મલા સીતારમને તે અંગે 202021ના કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી અને ત્યાર બાદ ડિસેમ્બર 11, 2020ના ઇન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી રેગ્યુલેશન્સ સૂચિત કરવામાં આવ્યા હતા જે અંતર્ગત બુલીયન એક્સચેન્જ, ક્લિયરીંગ કોર્પોરેશન, ડિપોઝીટરી અને વોલ્ટનું સંચાલન કરવામાં આવે છે.
અત્યારની વ્યવસ્થા અનુસાર નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેરીવેટીવ્સ સિંગાપોરના સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ પર ટ્રેડ થાય છે. સિંગાપોરના સ્ટોક એક્સચેન્જને SGX કહેવાય છે અને તે ફ્યુચર ટ્રેડીંગ પ્લેટફોર્મ છે. હવે એક સમજૂતિ અનુસાર ગિફ્ટ સિટીમાંજ NSE IFSC-SGX કનેક્ટ શરૂ થયું છે તેથી સિંગાપોરમાં જે નિફ્ટી ફ્યુચર કોન્ટ્રાક્ટ ટ્રેડ થતા હતા તે અહીં થઇ શકશે. તેના લીધે રોકાણકારોને ગિફ્ટ સિટીમાં મળતા ટેક્સ રાહતના ફાયદા મળશે અને રિયલટાઇમ ટ્રેડિંગ થઇ શકશે. ગિફ્ટ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વકક્ષાનું હોવાથી અહીં વધુ રોકાણકારોનું આગમન થશે અને અમદાવાદને એક વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બનશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર