ગાંધીનગર : ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ ઓફિસર જીસી મુર્મુને ભારત સરકારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) બનાવ્યા છે. તેમની નિયુક્તિનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. મુર્મુએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર તરીકે રાજીનામું આપી દીધું છે. અને બુધવારે રાત્રે કેગના વડા બની ગયા છે. તેઓ ભારત સરકારના તમામ વિભાગો તેમજ જાહેર સાહસોનું ઓડિટ કરશે.
કેગમાં હાલ જે પદ્ધતિથી ઓડિટ થાય છે તેમાં પરિવર્તન થવાની પણ સંભાવના છે, કેમ કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કેગના ઓડિટ પછી રાજ્ય સરકારના વિભાગોની ટીકાના જવાબમાં કહ્યું હતું કે કેગની ઓડિટ કરવાની પદ્ધતિ બરાબર નથી. તેના પેરામિટર્સમાં બદલાવ કરવો જોઇએ. હવે તેમણએ જ્યારે તેમના વિશ્વાસુ ઓફિસરને મૂકવાનું નક્કી કર્યું છે ત્યારે સંભવ છે કે કેગના ઓડિટમાં મોટું પરિવર્તન આવી શકે છે.
ગિરીશચંદ્ર મુર્મુ એ 1985 બેચના આઇએએસ ઓફિસર છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ તેમના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કામ કરતા હતા. તેમને છેલ્લે જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે રાજીનામું આપી દીધું છે અને હવે ભારત સરકારે તેમની નિયુક્તિ કેગના ચીફ તરીકે કરી છે.
કેગના રિપોર્ટમાં જે મોટા કૌભાંડો સામે આવ્યા છે તેમાં રાફેલ ડીલ, કોલ કાંડ, ટેલિકોમનું સ્પેક્ટ્રમ, અલ્ટા મેગા પાવર પ્રોજેક્ટ્સ અને દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ સામેલ છે. કેગના રિપોર્ટના આધારે તો કેન્દ્રની યુપીએ સરકારને મુશ્કેલીઓ ઉભી થઇ હતી.
દેશના રાષ્ટ્રપતિ કેગની નિયુક્તિ કરતા હોય છે. કેગની ઓફિસનો વહીવટી ખર્ચ ભારતના કોન્સોલિડેટેડ ફંડમાંથી લેવામાં આવે છે. કેગ પોતાનો અહેવાલ સંસદ અને વિધાનસભામાં આપે છે. કોઇપણ વિભાગ કે જાહેર સાહસમાં ગેરરીતિઓ કે કૌભાંડો હોય તો ઓફિસરો સામે પગલાં લેવાની ભલામણ પણ કરે છે.
જો કે જીસી મુર્મુ ગયા નવેમ્બરમાં આઇએએસમાંથી નિવૃત્ત થયેલા છે. તેઓ કેગના 14મા ચીફ બનશે. મૂળ ઓરિસ્સાના વતની એવા જીસી મુર્મુએ પોલિટીકલ સાયન્સમાં માસ્ટર ઓફ આર્ટ્સ કર્યું છે. તેમની પાસે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામની એમબીએની ડીગ્રી પણ છે. તેમને છ ભાઇ અને બે બહેન છે. તેમના એક ભાઇ ભારતીય રીઝર્વ બેન્કમાં સિનિયર પોઝિશન પર કામ કરી રહ્યાં છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2001માં જીસી મુર્મુ રિલીફ કમિશનર હતા. એ પછી તેમને માઇન્સ એન્ડ મિનરલમાં કમિશનર બનાવવામાં આવ્યા હતા. તેમણે ગુજરાત મેરીટાઇમ બોર્ડના મેનેજીંગ ડિરેક્ટરનો હોદ્દો પણ ભોગવ્યો છે. તેમણે ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું છે. તેઓ જ્યારે હોમ ડિપાર્ટમેન્ટમાં હતા ત્યારે ગુજરાતમાં 2002ના કોમી તોફાનો થયાં હતા. મુર્મુએ 31મી ઓક્ટોબર 2019માં જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નરનો ચાર્જ લીધો હતો.