Home /News /gandhinagar /Gandhinagar Yoga Competition: ગાંધીનગરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા ઝોન કક્ષાની સ્પર્ધાનું આયોજન, વિજેતાને અપાશે ઈનામ
Gandhinagar Yoga Competition: ગાંધીનગરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા ઝોન કક્ષાની સ્પર્ધાનું આયોજન, વિજેતાને અપાશે ઈનામ
ગાંધીનગરમાં યોજાશે યોગની સ્પર્ધા
Gandhinagar Yoga Competition: ગાંધીનગર કોર્પોરેશન કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તથા તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવે તે માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવતા હોય છે. 27મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં યોગ સ્પર્ધા યોજાવાની છે, વિજેતા સ્પર્ધકોને ઈનામ પણ આપવામાં આવશે.
ગાંધીનગરઃ શરીરને તંદુરસ્ત બનાવવામાં તથા માનસિક સંતુલન જાળવવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતની દેન યોગ હવે દુનિયાભરમાં પ્રચલિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસો બાદ દુનિયાભરમાં 21મી જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી પહેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખાસ તૈયારી આરંભી દેવામાં આવી છે. જેમાં ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે યોજાનાર યોગ સ્પર્ઘામાં ગાંધીનગર, આણંદ, ખેડા, મહેસાણા અને મહીસાગર જિલ્લાના યોગ સ્પર્ઘકો સહભાગી બનશે.
શું છે ગુજરાત યોગ બોર્ડનો હેતુ?
લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને યોગને પોતાના જીવનનો ભાગ બનાવે તે માટે ગુજરાત યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. બોર્ડ દ્વારા યોગનો વધારે પ્રચાર થાય તથા લોકોના સ્વસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય તે માટે યોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં યોગ ઘરે-ઘેર પહોંચાડવા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરાઈ છે.
ગુજરાત યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે બોર્ડનો રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે સૌ પ્રથમ વખત યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વિજેતા ઉમેદવારો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલ યોગ સ્પર્ધામાં પસંદગી પામેલ દરેક મહાનગરપાલિકામાંથી 6 વિજેતા થયેલ 3 પુરુષ અને 3 મહિલા સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લઇ શકશે. 8 મહાનગરપાલિકામાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વચ્ચે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે. દરેક મહાનગરપાલિકા દીઠ 6 સ્પર્ધકો એમ કુલ 48 સ્પર્ધકો વચ્ચે રાજ્યકક્ષાની હરીફાઇ યોજાશે. આ સ્પર્ધકોમાંથી અને 48 પૈકી 6 સ્પર્ધકો (3 પુરુષ અને 3 મહિલા)ની પસંદગી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાના વિજેતા તરીકે થશે.
ગાંધીનગરમાં ક્યારે યોજાશે સ્પર્ધા?
જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ સ્પર્ધકોને તેઓને ફાળવવામાં આવેલ મહાનગરપાલિકા હેડ કર્વાટર ખાતે મહાનગરપાલિકા કક્ષાની યોજાનાર યોગ સ્પર્ધામાં જવાનું રહેશે. જે પૈકી ગાંધીનગર ખાતે યોજાનાર મ્યુનિસિપલ કક્ષાની સ્પર્ધામા ગાંધીનગર, આણંદ, ખેડા, મહેસાણા અને મહીસાગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ પૈકી પસંદગી પામેલ સ્પર્ધકોની મ્યુનિસિપલ લેવલની સ્પર્ધા 27મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે સચિવાલય જીમખાના, સેક્ટર-21માં યોજાશે.
વિજેતાને ઈનામથી નવાજવામાં આવશે
મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલ પ્રથમ, દ્રિતીય અને તૃતીય મહિલા અને પુરુષ સ્પર્ધકોને રોકોડ ઇનામ સાથે મેડલ, સર્ટિફિકેટ અને સાલ ઓઢાડીને નવાજવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને રૂપિયા 21000, દ્રિતીય વિજેતાને રૂપિયા 15000 અને તૃતીય વિજેતાને રૂપિયા 11000નું ઈનામ આપવામાં આવશે.