ગાંધીનગર: ગાંધીનગરના દંપતીએ ફેમિલી કોર્ટમાં (Gandhinagar family court) છૂટાછેડા માટે અરજી કરી હતી. જેના ચાર વર્ષ બાદ વર્ષ 2015માં દંપતીએ છૂટાછેડા ન લેવાનું મન બનાવી લીધુ હતુ. છૂટાછેડા નહીં લેવાનો કેસ આઠ વર્ષ ચાલ્યો હતો. પતિ પ્રોફેસર તરીકે અને તેમની પત્ની ડોકટર તરીકે ફરજ બજાવે છે. તેમને એક સંતાન પણ છે.
આ આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન દંપતીનું હ્રદય પરિવર્તન થતા તેમની વચ્ચેના ઝઘડાનું નિવારણ આવી ગયું હતું. ત્યારબાદ તેઓ પોતાના પુત્ર સાથે રાજી ખુશીથી રહેવા લાગ્યા હતા. આ દંપતીના છૂટાછેડાના રેકોર્ડને રદ્દ કરવામાં આઠ વર્ષનો સમય લાગ્યો હતો.
આ દંપતીએ વર્ષ 2006માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2009માં તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો હતો. તેમના સંબંધમાં ખટરાગ ઊભો થવાને કારણે પતિએ અલગ થવાની માંગણી કરી હતી અને વર્ષ 2011માં ડાયવોર્સમાં માટે અરજી કરી હતી. જેની સામે પત્નીએ તેના પતિ પર આરોપો મુક્યા હતા. વર્ષ 2015માં ગાંધીનગર ફેમિલી કોર્ટે આ દંપતીના ડાયવોર્સને માન્યતા આપીને તેમને અલગ થવાની મંજૂરી આપી હતી.
પત્નીએ આ છૂટાછેડાને રદ કરવા માટે અને સાથે રહેવા માટે હાઈકોર્ટની શરણ લીધી હતી. પતિએ પત્નીની આ માંગ સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો અને તેનો સાથ આપ્યો હતો. જે દિવસે આ અરજી દાખલ કરવામાં આવી હતી તે દિવસે હાઈકોર્ટે ડાયવોર્સના હુકમનામા પર રોક મુકી દીધી હતી.
આ અરજીને વર્ષો સુધી લંબાવવામાં આવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2023માં આ અરજીની સુનાવણી કરવામાં આવી હતી. આ યુગલે કોર્ટને જણાવ્યું કે, ડાયવોર્સ બાદ તેઓ એકબીજાને મળતા હતા.
આ સમયે તેમનો પુત્ર પણ તેમની સાથે હતો. એક સંયુક્ત સોગંદનામમાં આ યુગલે જણાવ્યું હતું કે, તેઓ સાથે રહેતા હતા અને તમામ વિવાદોનું શાંતિપૂર્વક નિવારણ લાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત એમ જણાવ્યુ કે, તેમની પાસે ફરીથી લગ્ન કરવાનો વિકલ્પ હતો. પરંતુ ફેમિલી કોર્ટમાં તેઓ આ રેકોર્ડ રાખવા માંગતા નથી. આ યુગલે હાઈકોર્ટને જણાવ્યું કે, જો હાઈકોર્ટ આ ડાયવોર્સને રદ કરી દેશે તો નીચલી કોર્ટમાંથી આ અરજીને પરત ખેંચી લેવામાં આવશે.
હાઈકોર્ટે આ ડાયવોર્સને રદ કરી દીધા છે અને નીચલી કોર્ટમાંથી 10 દિવસમાં આ તમામ આરોપો પરત ખેંચવાનો આદેશ આપ્યો છે. ડાયવોર્સ થયા બાદ આ દંપતીનું હ્રદય પરિવર્તન થયું અને એકબીજાને મળવા લાગ્યા હતા અને રાજી ખુશીથી સાથે રહેવા લાગ્યા હતા.