ગાંધીનગર: આગામી મંગળવારે એટલેકે 14 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. બીજી તરફ આ પરીક્ષા શાંતિપ્રિય વાતાવરણ વચ્ચે યોજાય તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બોર્ડ દ્વારા તમામ જિલ્લા કક્ષાએ સ્ટ્રોંગ રૂમ બનાવી દીધા છે, જે હાલ સીલ કરવામાં આવ્યા છે અને આ સ્ટ્રોંગ રૂમ ઉપર 24 કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી નેટવર્ક ઉભું કરી દીધું છે.
ધો. 10માં 9.56 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે
મંગળવારથી એસએસસી અને એચએચસીની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે.આ વર્ષે ધો. 10માં 9.56 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે. આ માટે બોર્ડ દ્વારા રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે સીસીટીવી નેટવર્ક સાથે જોડાયેલા 958 કેન્દ્રો તૈયાર કરી દેવામાં આવ્યા છે. જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 અને વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પરથી આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં 49,199 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. જે જિલ્લાના 54 સેન્ટરો ઉપર 1737 બ્લોકમાં પરીક્ષા માટેનું આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ, શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના પ્રશ્નપત્રો રાખવાના સ્ટ્રોંગ રૂમ સીલ કરી દેવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઉપરાંત 14 માર્ચે સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્ર પહોંચાડવા માટે પણ બોર્ડ દ્વારા ફૂલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે.