Home /News /gandhinagar /ગાંધીનગર: 7 લાખની હોમ લોન લઈ મકાન વેચી દીધું, હવે નવા માલિકને રૂ. 1.44 કરોડ ભરવાની નોટિસ!
ગાંધીનગર: 7 લાખની હોમ લોન લઈ મકાન વેચી દીધું, હવે નવા માલિકને રૂ. 1.44 કરોડ ભરવાની નોટિસ!
પ્રતિકાત્મક તસવીર
આ કેસમાં આરોપીએ વર્ષ 2005માં લીધેલી રૂ.7,00,000ની હોમ લોનને કારણે પીડિત પ્રૌઢ બેઘર થઈ ગયા છે. 2005માં લીધેલી રૂ. 7 લાખની લોન હવે 2022માં વધીને રૂ.1.44 કરોડ થઈ ગઈ છે!
ગાંધીનગર (Gandhinagar)માં લોન ઉપર લીધેલું મકાન (House on loan) બારોબાર વેચી નાખી છેતરપિંડી આચરી હોવાનો કેસ (Police case) નોંધાયો છે. ગાંધીનગર (Gandhinagar crime)ના સેક્ટર 24માં રહેતા 54 વર્ષીય પીડિતે ઘરના પૂર્વ માલિક સામે ફરિયાદ નોંધાવી છે અને ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 7 લાખ રૂપિયાની લોનનો ખુલાસો ન કરી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે.
7 લાખની લોનના રૂ.1.44 કરોડ થઇ ગયા!
અમદાવાદ મિરરમાં છપાયેલા અહેવાલ અનુસાર, આ કેસમાં આરોપીએ વર્ષ 2005માં લીધેલી રૂ.7,00,000ની હોમ લોનને કારણે પીડિત પ્રૌઢ બેઘર થઈ ગયા છે. 2005માં લીધેલી રૂ. 7 લાખની લોન હવે 2022માં વધીને રૂ.1.44 કરોડ થઈ ગઈ છે!
ગાંધીનગરના સેક્ટર 24માં આવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ દરજી (ઉ.વ.54)એ ગાંધીનગરના મગોડી ગામના શામરસિંહ બિહોલા સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે 2017માં આ ઘર 49,75,000 રૂપિયામાં ખરીદ્યું હતું અને આરોપીને ચેક દ્વારા 2 લાખ અને 1 લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા હતા. બાકીની રકમ કરાર પર સહી કરતી વખતે ચૂકવવાનું નક્કી થયું હતું.
ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ પણ મળી ગયું
આ દરમિયાન શૈલેષભાઈએ ઓરીજીનલ દસ્તાવેજ માંગ્યો હતો. પણ શામરસિંહ બિહોલાએ દાવો કર્યો હતો કે, તેણે આ ઘર 2004માં ગજાનંદ મહેતા પાસેથી ખરીદ્યું હતું અને તેણે ઓરીજીનલ દસ્તાવેજ ખોઈ નાખ્યા હતા. જેથી મકાન ટાઇટલ ક્લિયર કરવા માટે 26 ઓગસ્ટ, 2016ના રોજ તેમના એડવોકેટ દ્વારા સ્થાનિક અખબારમાં આ અંગેની જાહેર નોટિસ છાપવામાં આવી હતી. એડવોકેટે 15 સપ્ટેમ્બર, 2016ના રોજ ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ પણ આપ્યું હતું.
ત્યારબાદ શૈલેષભાઈએ તેમના એડવોકેટ મારફતે 27 ફેબ્રુઆરી, 2017ના રોજ ટાઇટલ ક્લિયર ડીડ સામે વાંધા માગતી જાહેર નોટિસ આપી હતી, પરંતુ કોઈ વાંધો સામે આવ્યો ન હતો. બાદમાં 7 માર્ચ, 2017ના રોજ દરજીના વકીલે તેમને ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ આપ્યું હતું.
શૈલેષભાઈએ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લીધી હતી અને બેંકે વેચાણ દસ્તાવેજની પણ ચકાસણી કરી હતી. મકાનનો વેચાણ કરાર ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલો હતો. ત્યારબાદ તેણે રોકડ રકમ અને બાકીના પૈસા આરોપીને ચૂકવી દીધા હતા અને ઘરનો કબજો લીધો હતો. તેના નામે ટેક્સ અને વીજળીનું બિલ પણ આવી ગયું હતું.
આ દરમિયાન 25 સપ્ટેમ્બર, 2020ના રોજ દરજીને ગાંધીનગર કલેક્ટર તરફથી એક નોટિસ મળી હતી. જેમાં જણાવાયું હતું કે, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીએ બિહોલાને મકાન પર લોન આપી હતી અને તેની પાસે 1,43,80,443 રૂપિયા લેવાના નીકળે છે. આ નોટિસ બાદ શૈલેષભાઈને છેતરપીંડી થઈ હોવાનું અનુભવાયું હતું અને તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી.