ગાંધીનગર: દિલ્હી ઠગ નગરી તરીકે પ્રખ્યાત છે. દિલ્હીના આવા જ એક ઠગે ગાંધીનગરના એજન્ટોને ધુતી લીધા છે. દિલ્હી માટે એવું કહેવાય કે, ત્યાંના ઠગ ઉભા -ઉભા તાજમલ પણ વેચી શકે. પરંતુ ગાંધીનગરના ત્રણ એજન્ટને તેનો પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો. ભરોસાની ભેંસ પાડો જણે એમ ગાંધીનગરના ત્રણ એજન્ટને એક દિલ્હીનો ઠગ એજન્ટ રૂપિયા એક કરોડનો ચૂનો ચોપડીને ફરાર થઈ ગયો છે .આ મુદ્દે ઇન્ફોસિટી પોલીસે કુલ 5 ઈસમો સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાત જાણે એમ છે કે, ગાંધીનગરના કોબામાં રહેતાં અને ગુરૂ ઓવરસીઝ નામની વીઝા કન્સલટન્સી ચલાવતા રમેશ ગોવાભાઈ ચૌધરીનો તેમના મિત્ર રાજુભાઇ થકી મહેસાણામાં રહેતાં અને વિઝાનુ કામ કરતાં ગોવિંદભાઈ હરજીભાઈ પટેલ સાથે પરિચય થયો હતો. ગોવિંદભાઈ અવારનવાર રમેશ ભાઇને પોતાની સાથે બિઝનેસમાં જોડાવા માટે દબાણ કરતા હતા પરંતુ રમેશભાઇ મચક આપતા નહોતા ફાઈનલી એક વખત અચાનક ગોવિંદભાઈનો ફોન આવ્યો અને તેમણે દિલ્હીમાં રહેતા તેમના અન્ય એજન્ટ મિત્ર સાથે અમેરિકન વિઝાનુ પરમેનન્ટ સેટિંગ ગોઠવી લેવા જણાવ્યું હતું અને આ માટે થોડું રોકાણ કરવાથી વધારે ફાયદો થશે તેમ કહીને રમેશ ભાઇને કન્વીન્સ કર્યા હતા.
ફાયદાની લાલચમાં રમેશભાઈ પોતાના મિત્ર દિવ્ય પંચાલ સાથે 27/01/2023 ના રોજ દિલ્હી જવા તૈયાર થયા હતા. 26/01/2023 ના રોજ રોકાણના પૈસાનો વીડિયો મોકલ્યા બાદ દિવ્ય પંચાલના બે ગ્રાહકોને સાથે લઇને બધા દિલ્હી પહોંચ્યા હતા. જયાં ગોવિંદભાઇના મિત્ર એજન્ટ જાસ બાજવા સાથે મુલાકાત બાદ પૈસાનો વીડિયો નહીં પણ રોકડા પૈસા બતાવવાનું કહીને જાસ બાજવાએ તેના બે સાગરીતોને ગાંધીનગર મોકલ્યા હતા.
જ્યાં દિવ્ય પંચાલે થોડાક રોકડા રુપિયા તેમને બતાવ્યા હતા પરંતુ , ત્યારે પૈસા ઓછા પડ્યાનું કહીને દિવ્યના ગ્રાહકોને જાસ બાજવાએ અમેરિકા મોકલ્યા ન હતા. બાદમાં ટુકડે ટુકડે રૂ. ૧ કરોડ સુધીની માંગણી જાસ દ્વારા કરવામાં આવતાં રમેશભાઈએ મિત્રો અને પરિચિતો પાસેથી ઉછીના લઇને રુપિયા એક કરોડ જાસના સાગરીતોને રુબરુ બતાવ્યા હતા.
ગાંધીનગરની હોટલ રોયલ્સ મેન્સન હોટલની રૂમમાં રોકાયેલા જાસના સાગરીતોએ રુબરુ રુપિયા જોઇ લીધા બાદ રાત્રે એજ હોટલમાં સાથે રોકાયેલા રમેશભાઈ પર ગાદલું નાંખીને દિલ્હીના ઠગો રુપિયા લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે રમેશભાઇની ફરિયાદના આધારે ઈન્કોસિટી પોલીસે દિલ્હીના એજન્ટ જાસ બાજવા, અમિત ઉર્ફે અમીન્દર, અમિત સાથે ગાંધીનગર આવેલ અન્ય એક ઇસમ અને કારમાં આવેલા બે અજાણ્યા શખ્સો મળી કુલ 5 ઇસમો સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.