Defense Expo 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ગાંધીનગરથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ બનાસકાંઠાના ડીસા ખાતે 52 વિંગ વાયુ સેના સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો હતો. 4519 એકરમાં બનનારુ આ ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર 130 કિલોમીટરના જ અંતરે છે.
Defense Expo 2022: આજે (બુધવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ગાંધીનગરથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ તેમણે બનાસકાંઠાના ડીસા ખાતે 52 વિંગ વાયુ સેના (એરફોર્સ) સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસામાં નવા અને આધુનિક એરબેઝને વિકસિત કરવામાં આવશે. ડીસામાં વિકસિત થનારું આ એરબેઝ દેશની વાયુસેનાઓની સીમાઓને સુરક્ષિત રાખવાની રણનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહશે. બનાસકાંઠાના ડીસા ખાતે 4519 એકરમાં બનનારુ આ ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર 130 કિલોમીટરના જ અંતરે છે.
21 મહિનાના રેકોર્ડ સમયમાં તૈયાર થશે ડીસા એરબેઝ
આ એરબેઝના નિર્માણથી ગુજરાતની આસપાસના એરબેઝ વચ્ચે 355 કિલામીટરનું અંતર ઓછુ થઇ જશે. જેનાથી આપણા લડાકુ વિમાનોના ઓપરેટિંગ રેન્જમાં વધારો થશે. સાથે યુદ્ધ સમયે રિસ્પોન્સ ટાઇમ પણ ઓછો કરી શકાશે. આ એરબેઝ બનવાથી દેશની પશ્ચિમી સીમા પર એક સાથે લેન્ડ અને સી ઓપરેશન કરવાનું સંભવ થશે સાથે જ વડોદરા અને અમદાવાદ જેવા આર્થિક કેન્દ્રોને મજબુત એર ડિફેન્સ મળશે. આ એરબેઝથી ઉડાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતની એર કનેક્ટિવીટીમાં વધારો થશે.આ એરબેઝના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઊભી થશે. આ એરબેઝને ફાસ્ટટ્રેક મોડમાં 21 મહિનામાં તૈયાર કરવામાં આવશે.
સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પર દર્શાવાઈ અદભૂત ફિલ્મ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ ડેફએક્સપો 2022ના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન ભારતના સંરક્ષણ ક્ષેત્રની મહત્વની યાત્રા તથા તેના આત્મનિર્ભરતા તરફના પ્રયાણ વિશે એક ગૌરવપ્રદ શૉર્ટ ફિલ્મ દર્શાવાઈ હતી. આ ફિલ્મ 16 સ્ક્રીન પર દર્શાવવામાં આવી હતી. ડિફેન્સ એક્સપો 2022 તથા સંરક્ષણ ક્ષેત્રની આત્મનિર્ભરતા તેમજ ઇનોવેશન વિશે વિગતવાર માહિતી આપતી ફિલ્મમાં જણાવાયુ હતું કે, આ ડિફેન્સ એક્સપો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સપો છે અને માત્ર ભારતની કંપનીઓ માટે જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના આહ્વાનના પથ પર ચાલી ડિફેન્સ સેક્ટર પણ આગળ વધી રહ્યું છે. ડિફેંસ સેક્ટરની સફર, તેના વિકાસની સફર વિશે પણ ઝલક આપવામાં આવી હતી.
ભારતની મૂળ ભાવના વિશ્વ શાંતિ તથા વસુધૈવ કુટુમ્બકમ્
આ શૉર્ટ ફિલ્મની શરુઆત સંસ્કૃત સુભાષિતાનીના શ્લોક 'न चोरहार्य न राजहार्य न भ्रतृभाज्यं न च भारकारि ! व्यये कृते वर्धति एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् !' સાથે શરૂ થાય છે. લગભગ 5 મિનિટની શૉર્ટફિલ્મ દ્વારા સમગ્ર વિશ્વને એ સંદેશો આપવામાં આવ્યો કે ભારત ભલે સંરક્ષણ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું હોય અને બજેટ વધારી રહ્યું હોય, પરંતુ ભારતની મૂળ ભાવના વિશ્વ શાંતિ તથા વસુધૈવ કુટુમ્બકમ્ જ રહી છે. ફિલ્મમાં દર્શાવાયું હતું કે બદલાતા સમય સાથે યુદ્ધ નીતિ તેમજ યુદ્ધની રીતો બદલાઈ રહી છે. ભારત ઇલેક્ટ્રૉનિક ઇંડસ્ટ્રીઝના વધતા વ્યાપ જોડે નૉન-કાઇનેટિક અને નૉન-કૉંટેક્ટ વૉરફૅર ક્ષેત્રે લીડરશિપ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ડિફેંસ સેક્ટરમાં વધતા ઇનોવેશનના પગલે સંરક્ષણ ક્ષેત્રને મજબૂતી મળી રહી છે.
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के द्वारा डीसा एयरफील्ड के शिलान्यास के साथ ही डिफेन्स और डेवलपमेन्ट ने एक साथ भरी उड़ान..#DefExpoGujaratpic.twitter.com/wGNFQ7rg82
વડાપ્રધાને ‘આત્મનિર્ભર ભારત’ને સાકાર કરતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી ભરપૂર એવા ‘ઇન્ડિયા પેવેલિયન’ને ખૂલ્લું મૂકીને પ્રદર્શનમાં મુકાયેલા આકર્ષક અને મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોને ખૂબ જ રસપૂર્વક નિહાળ્યા હતા. આ તકે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરાયેલ સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ HTT-40નું પણ વડાપ્રધાનશ્રીએ અનાવરણ કર્યું હતું. આ એરક્રાફ્ટ આધુનિક પ્રણાલીઓથી સજ્જ છે અને તેને પાઇલોટ ફ્રેન્ડલી ફીચર્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ વડાપ્રધાનશ્રીએ 'ગુજરાત પેવેલિયન'ની મુલાકાત પણ લીધી હતી. જ્યાં ગુજરાત સ્થિત ડિફેન્સ સંબંધિત ઉત્પાદનો બનાવતી કંપનીઓ અને આંન્ત્રપ્રિન્યોર દ્વારા બનાવવામાં આવતા સંરક્ષણ સાધનો અને તેના માટે આ સાધનોની બનાવટમાં વપરાતા કમ્પોનન્ટ્સ નિહાળીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.