Home /News /gandhinagar /પાટીલની પાઠશાળાઃ સી.આર. પાટીલ ગુજરાતના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આ બાબતે જરુરી જ્ઞાન આપશે
પાટીલની પાઠશાળાઃ સી.આર. પાટીલ ગુજરાતના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આ બાબતે જરુરી જ્ઞાન આપશે
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ
CR Patil Will Teach To New MLAs: વ્યક્તિની પોતાની પ્રતિભાના કારણે વિવિધ ચૂંટણી જીતી જતી હોય છે પરંતુ ચૂંટણી જીત્યા પછી કામ કઈ રીતે કરવું તે બહુ જરુરી જ્ઞાન હોય છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પોતાના નવોદિત ધારાસભ્યોને સરકાર સાથે કઈ રીતે જોડાયેલા રહેવું તે સહિતની બાબતોનું જ્ઞાન પુરું પાડશે.
ગાંધીનગરઃ પોતાના વિસ્તારમાં દબદબો હોવાના કારણે વ્યક્તિ ચૂંટણી જીતીને કોર્પોરેશનથી લઈને સંસદ સુધી પહોંચી જતી હોય છે, પરંતુ અહીં પહોંચ્યા પછી કેટલાક સરકારી કામો અને તેની વિધિ શું હોય છે તેમાં ગૂંચવણ થતી હોય છે. ગુજરાતમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપ પાસે અત્યારસુધીના સૌથી વધુ નવોદિત ધારાસભ્યો છે. આ વખતે ટિકિટ વહેચણીમાં પણ નવોદિતોને વધુ પ્રાધાન્ય અપાયું હતું અને તેઓ સફળ પણ થયા છે. હવે જે ચૂંટાઈને આવ્યા છે તે ઉત્સાહી તો છે પણ અનુભવી નથી. 156 ધારાસભ્યો ભાજપના અને વિપક્ષના નામે જૂજ ધારાસભ્યોને લઈને વિધાનસભાની બે દિવસીય કાર્ય શિબિર મળી હતી. જેમાં વિધાનસભાની કાર્યપ્રણાલી વિશે તમામ નવોદિત ધારાસભ્યો ને અવગત કરાયા હતા.
પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલ ધારાસભ્યોની પાઠશાળા લઈને તેમને સરકારી કામ તથા સરકાર સાથે કઈ રીતે જોડાણ રાખવું મહત્વની બાબતોનું ધ્યાન રાખવું તે અંગે જરુરી જ્ઞાન આપશે.
સંસદીય પ્રણાલી શીખવામાં પ્રથમ દિવસે 60થી વધુ ધારાસભ્યોએ રસ દાખવ્યો નહોતો અને ગેરહાજર રહ્યા હતા, અને બીજા દિવસે 100 જેટલા ધારાસભ્યો ગેરહાજર જણાયા હતા.
જોકે, બે દિવસની કાર્ય શિબિર પહેલા દિવસ કરતા વધારે સારી રહી હતી. આ જ પ્રણાલી ને આગળ ધપાવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ભાજપના તમામ ધારાસભ્યો માટે એક પાઠશાળાનું આયોજન કરશે.
156 ધારાસભ્યો થયા બાદ ભાજપ પાસે સૌથી મોટો ટાસ્ક નવોદિતોને વ્યવહારુ જ્ઞાન આપવાનો છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને સરકાર સાથે કઈ રીતે વાત કરવી અને શું કરવું તે અંગે ફાંફા પડી રહ્યા છે. તેમને સરકારમાં કાગળ કઈ રીતે લખવા? વ્યવહારુ અરજીઓ કઈ રીતે કરવી? પોતાની માગણીઓ કઈ રીતે રજૂ કરવી? અધિકારીઓ પાસે કઈ રીતે કામ લેવું? સરકાર સાથે પત્રવ્યવહાર કઈ રીતે કરવો? તે સહિતના સવાલો થતા હોય છે. જેના વિશે સી.આર. પાટીલ ધારાસભ્યોને જ્ઞાન આપશે અને તેમને શીખવશે કે આ બધા કાર્યોને કઈ રીતે પાર પાડી શકાય છે.
ગુજરાતના બજેટ સેશન બાદ સી.આર.પાટીલની પાઠશાળાનો પ્રારંભ થશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં સી.આર. પાટીલની પાઠશાળા યોજાશે. જેમા ભાજપના તમામ ધારાસભ્યોને આમંત્રિત કરાશે અને તેમને અનુભવીઓ દ્વારા કામ કેવી રીતે લેવુ? એના પાઠ ભણાવવામાં આવશે.