Home /News /gandhinagar /હાર્દિક પટેલ બીજેપીમાં સામેલ; પત્રકારોના સવાલોના જવાબ આપતા પરસેવો છૂટી ગયો

હાર્દિક પટેલ બીજેપીમાં સામેલ; પત્રકારોના સવાલોના જવાબ આપતા પરસેવો છૂટી ગયો

હાર્દિક પટેલ

Hardik Patel Joins BJP: "કૉંગ્રેસ પાર્ટીના એક પણ નેતાએ જનતાની ભાવના સાથે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો ન હતો. આ અંગે અનેક રજુઆતો કરી પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. આથી કૉંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો."

ગાંધીનગર: કૉંગ્રેસ પાર્ટી છોડીને હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાર્દિક પટેલને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. નીતિન પટેલે હાર્દિકને ટોપી પહેરીવી હતી. હાર્દિકના બીજેપી પ્રવેશ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા ન હતા. આ ઉપરાંત કેન્દ્રમાંથી કોઈ મોટા નેતાઓ પણ હાજર રહ્યા ન હતા. હાર્દિક પટેલે બીજેપીન ખેસ પહેર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે તેઓ કૉંગ્રેસના કામથી દુઃખી થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ પ્રસંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામો અને નિર્ણયોની પ્રશંસા કરી હતી. સાથે જ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, તે સૈનિકની ભૂમિકામાં બીજેપીમાં જોડાયા છે. મીડિયા સંબોધન બાદ હાર્દિક પટેલે પત્રકાર મિત્રોના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન સવાલોના જવાબ આપતાં આપતાં હાર્દિકને પરસેવો છૂટી ગયો હતો.

જનહિત માટે કૉંગ્રેસમાં જોડાયો હતો


આ પ્રસંગે હાર્દિકે જણાવ્યુ હતુ કે, "સામાજિક અને રાજકીય જીવનમાં માણસની મહત્વકાંક્ષા હોય છે કે તે રાષ્ટ્રહિત, જનતાહિત અને રાજ્યના હિત માટે કામ કરે. આ સંજોગોમાં 2015માં સમાજહિતની ભાવના સાથે એક આંદોલનની શરૂઆત કરી હતી. આંદોલન દરમિયાન ચઢાવ-ઉતાર જોયા હતા. જાન્યુઆરી 2019માં ભારતના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઠરાવ પસાર કરાવી 10 ઈબીસી અપાવી, જેના ફાયદો દરેક વર્ગના લોકોને થયો છે. ત્યાર બાદ જનહિતના કામ માટે હું કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો."


રામની ખિસકોલી બનીને કામ કરીશ


"કૉંગ્રેસ પાર્ટીના એક પણ નેતાએ જનતાની ભાવના સાથે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો ન હતો. આ અંગે અનેક રજુઆતો કરી પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. આથી કૉંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. મેં કૉંગ્રેસનો હોદેદાર હોવા છતાં નરેન્દ્ર મોદીના સારા કામોની પ્રશંસા કરી છે. બીજેપીના તમામ લોકો જે ભગીરથ કામ કરે છે તેમાં હું ભગવાન રામની ખિસકોલી બનીને કામ કરવાનો પ્રયાસ કરીશ. બીજેપીમાં સામેલ થઈને રાજ્યના હિત માટે કામ કરીશું. બીજેપીએ દેશ અને જનતા માટે કામ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમાં કરોડો લોકો સહયોગ આપવા માટે તત્પર છે. હું અન્ય લોકોને પણ કહું છું કે રાષ્ટ્રના આ ભગિરથ કાર્યમાં સાથે આવો."


સૈનિકની ભૂમિકામાં જોડાયો


"બીજેપી એક માત્ર એવી પાર્ટી છે જે દેશનું ભલું કરી શકે છે. 1990-95માં મારા પિતાએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ખૂબ મદદ કરી હતી, એટલે કે હું ઘરમાં જ હતો. ગુજરાતના 6.5 કરોડ લોકોને એક વાત કહેવી છે કે રાષ્ટ્રહિતની વાત હોય ત્યારે એક સૈનિકની પણ જરૂરિયાત હોય છે. હું સૈનિકની ભૂમિકામાં જોડાયો છું. બીજેપીમાં સૈનિકની ભૂમિકામાં સારું કામ કરવાનો મોકો મળશે તેવી મને આશા છે. સૈનિક બનીને કામ કરવાનો મકો આપ્યો તે માટે પીએમ મોદી, અમિત શાહ અને જે.પી. નડ્ડાનો ખૂબ ખૂબ આભાર."


શહીદ યુવકોના પરિવારને મદદ કરીશું


"અમે ચાર મિત્રએ નક્કી કર્યું છે કે પાટીદાર આંદોલન વખતે શહીદ થયેલા તમામ યુવાનોના પરિવાર માટે વૈકલ્પિક નોકરીની વ્યવસ્થા કરીશું. આ માટે મુખ્યમંત્રીને પણ રજુઆત કરીશું."



આ પ્રસંગે હાર્દિક પટેલને જ્યારે ગુજરાત સરકાર સામે કરેલા આંદોલન વિશે સવાલ કરાયો ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે, "ઘરનો દીકરો પોતાના માતાપિતા પાસે કંઈક માંગણી કરે તે સ્વાભાવિક છે. રાજ્યની જનતા તરીકે અમે પણ સરકાર સમક્ષ માંગણી કરી હતી. ચાર પાંચ વર્ષ સુધી આંદોલન ચાલ્યું, તેને પૂર્ણ પણ સરકારે જ કર્યું. હું પાર્ટીની અંદર કાર્યકર તરીકે જોડાયો છું. મહેનત અને સંઘર્ષ કરીશું. પાર્ટી કહેશે તેમ કરીશું."
First published:

Tags: Hardik Patel Patidar, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

विज्ञापन