ગાંધીનગર: રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓનાં અભ્યાસ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સીએમ પટેલે નિર્ણય લીધો છે કે, તેઓ પોતાને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરશે. આ હરાજીમાંથી જે પણ નાણાં મળશે તેને સચિવાલયમાં કામ કરતા વર્ગ ચારનાં કર્મીચારીઓની દીકરીઓનાં અભ્યાસ પાછળ વાપરશે. આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓને તોષખાનાની ભેટ-સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે.
તત્કાલિન સીએમ મોદીએ શરૂ કરી હતી પ્રણાલી
નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્યક્તિગત સંકલ્પ કર્યો હતો. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા હતા. જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ દ્વારા કન્યાઓના શિક્ષણ માટે જ તે વાપરતા હતા.
આપને જણાવીએ કે, સોમવારે રાજયના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસોનું લોકાર્પણ ગાંધીનગરથી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં બે ડ્રાઇવર ભાઈઓને બસની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કરીને રાજ્યની જનતાને વધુ એક ભેટ આપવામાં આવી છે. આ ઉપરાંત ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ એસ.ટી. નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.